વલસાડના અતુલ કંપનીના ઇસ્ટ સાઈડના પ્લાન્ટમાં અચાનક બપોરના સમયે ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. આગ લાગતા પ્લાન્ટ બળીને ખાક થઇ ગયો હતો. આગને કાબૂમાં લેવા અતુલ સહિત જિલ્લાની ફાયરની ટિમ બોલાવવાની નોબત પડી હતી. વલસાડ રૂરલ પોલીસ ટિમ સહિત અધિક કલેક્ટર અને જિલ્લા પોલીસવડા પણ ઘટના સ્થળે પોહચી તમામ કર્મચારીઓને સુરક્ષિત સ્થળે ખસેડવા તજવીજ હાથ ધરી હતી.
વલસાડ જિલ્લાની અતુલ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ જાણીતી અતુલ કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. રો મટીરીયલ એસ્ટેટ સાઈટ વિભાગમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આગ પર કાબુ મેળવવા માટે અતુલની ફાયરની ટીમ કામે લાગી હતી.
જોકે જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં આજુબાજુના ગામ લોકોમાં એક ફફડાટ વ્યાપી ગયો હતો. કારણ કે કંપનીમાંથી જ્વાળાઓ દેખાઈ રહી હતી અને કંપનીમાં સંગ્રહ કરવામાં આવેલ કેમીકલ ડ્રમ પણ ફાટ્યા હતા. જેના કારણે આજુબાજુના વિસ્તારમાં એક ભયનો માહોલ છવાયો હતો. આગનું રુદ્ર સ્વરૂપ જોતાં મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. વાપી પારડી અતુલ સહિતની 10થી વધારે ફાયરની ટીમો દ્વારા ઘટનાસ્થળ ઉપર આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરુ કરવામાં આવ્યા હતા.
લગભગ ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ લેવામાં ફાયરની ટીમને સફળતા મળી છે. રો મટિરિયલનો મોટા પ્રમાણમાં સંગ્રહ કરેલો હોવાથી આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરેલું હતું. આગના ધુમાડા અતુલ થી 10 કિલોમીટર સુધી દૂર જોઈ શકાતા હતા. વલસાડ જિલ્લાના ઉચ્ચ અધિકારી તેમજ પોલીસના પણ ઉચ્ચ અધિકારીઓ અતુલ કંપની પર પહોંચી ગયા હતા. જે રીતે આગ પર કાબૂ મેળવવા માટે 3 કલાકથી પણ ભારે સમય લાગતાં કંપનીનો મોટો ભાગ બળીને ખાક થઇ ગયો છે. હાલ આગ કયા કારણસર લાગી હજી જાણવા મળ્યું નથી પરંતુ કંપનીને મોટું નુકસાન થયું હોવાની ભીતિ સેવાઈ રહી છે.
(અહેવાલ: મયુર મિસ્ત્રી,સુરત)