કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ: એક તરફ કુરાનની આયતોનું પાઠન થઈ રહ્યુ હતું, તો બીજી તરફ ‘રામ બોલો રામ’નાં જાપ થઈ રહ્યા હતા

| Updated: April 22, 2022 6:02 pm

આણંદમાં કોમી એકતાનું સૌથી મોટું ઉદાહરણ સામે આવ્યું છે. જેમાં બોરસદ ખાતે એક અકસ્માતમાં હિન્દુ અને મુસ્લિમ બે યુવકોના મોત થયા હતા. આ બન્ને ખાસ મિત્રો હતા. આ બન્નેની એક સાથે અંતિમ યાત્રા નીકાળવામાં આવી હતી. યાત્રામાં એક તરફ કુરાનની આયતોનું પઠન થઈ રહ્યુ હતું, તો બીજી તરફ ‘રામ બોલો રામ’નાં જાપ થઈ રહ્યા હતા. આ વિદાયને જોઈ આખા ગામના આંખમાં આસું આઈ ગયા હતા.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, આણંદના સુંદરા ગામનાં યુસુફઅલી સૈયદ અને ગોવિંદભાઈ ઠાકોર આ બન્ને વર્ષોથી એકબીજાની સાથે રહેતા હતા અને આ બન્નેની મિત્રતા એટલી ગાઢ હતી કે ગમે તે પ્રસંગ હોય બન્ને સાથે જ જોવા મળતા હતા. બંને મિત્રો સાથે એક જ હોટલના વ્યવસાયમાં સંકળાયેલા હતા. 10 વર્ષથી તેઓ હોટલ સંભાળે છે.

ગોવિંદભાઈ ઠાકોર મિત્ર યુસુફઅલીની રીક્ષામાં બુધવારે વહેલી સવારે બોરસદમાં શાકભાજી લેવા જઈ રહ્યા હતા. ત્યારે તારાપુર વાસદ હાઇવે પર બોરસદ ટોલનાકા નજીક રીક્ષાને કોઈ અજાણ્યા વાહનના ચાલકે તેમની રીક્ષાને ટક્કર મારી હતી. જેને કારણે બંને મિત્રો ગંભીર પણે ઘવાયા હતા. જોકે, બંને મિત્રોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા, જેને લઈને સુંદરા ગામમાં શોક પ્રસરી જવા પામ્યો હતો.

યુસુફઅલી સૈયદ અને ગોવિંદભાઇ ઠાકોરના મૃતદેહો સુંદરા ગામે લાવવામાં આવ્યા હતા અને બંને મિત્રોની અંતિમ યાત્રા એકસાથે નીકળી હતી. જનાજા અને નનામી સાથે નીકળેલી અંતિમ યાત્રામાં બંને કોમના લોકો જોડાયા હતા. ગામલોકોએ જનાજા અને અર્થીને કાંધ આપી બંને મિત્રોને અંતિમ વિદાય આપતા સમગ્ર ગામ હિબકે ચઢ્યું હતું.

Your email address will not be published.