Site icon Vibes Of India

30 ટકા વ્યાજે રૂપિયા ઉછીના આપ્યા, પછી જીવ ગુમાવ્યો

પૂર્વ અમદાવાદમાં એક પખવાડિયામાં હત્યાની પાંચમી ઘટના બની છે. બુધવારે સવારે ખોખરા ગાર્ડન પાસે બાલા સુબ્રમણી નામના એક ફાઈનાન્સરની જયેશ ગોસ્વામી નામની વ્યક્તિએ હત્યા કરી હતી. જયેશે બાલા પાસેથી નાણાં ઉછીના લીધા હતા.

પોલીસે જણાવ્યા પ્રમાણે બાલાએ આરોપીને 40,000 રૂપિયા 30 ટકા વ્યાજે આપ્યા હતા. આરોપી જયેશ રીક્ષા ચલાવે છે અને પોલીસે તેને પકડી લીધો છે.

પોલીસે જણાવ્યા પ્રમાણે તેમણે જયેશની પૂછપરછ કરી છે. જયેશે જણાવ્યું છે કે તેણે 40,000 રૂપિયા પાછા આપી દીધા હતા છતાં બાલા તેની પાસેથી રૂપિયાની માંગણી કરતો હતો અને ધમકાવતો હતો.

21 જુલાઈની સવારે બાલા તેના સ્કૂટર પર જતો હતો ત્યારે ખોખરા ગાર્ડન પાસે બાલા તેને જોઈ ગયો અને તેનો પીછો કર્યો હતો. ટ્રાફિક સિગ્નલ પાસે બાલા ઉભો રહ્યો ત્યારે જયેશે નીચે ઉતરીને તેના પર છરીથી હુમલો કર્યો હતો જેથી બાલાનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું.

સ્થાનિક સૂત્રોએ જણાવ્યું કે બાલા ગેરકાયદે નાણાં ઉછીના આપતો હતો અને કોઈ નાણાં પરત આપી ન શકે તો તેનો ભાઈ ઉછીના રૂપિયા લેનાર વ્યક્તિનું અપહરણ કરીને મારતો હતો. બાલાનો નાનો ભાઈ તાજેતરમાં જ એક હત્યા કેસમાં જેલમાંથી બહાર આવ્યો છે.