પીએમ મોદી જામનગરમાં WHO ના જે કેન્દ્રનું ઉદઘાટન કરવાના છે તેની લાક્ષણિકતાઓ જાણો

| Updated: April 19, 2022 3:29 pm

જામનગરઃ કેન્દ્રીય આયુષ મંત્રાલયના નેજા હેઠળ ગુજરાતમાં જામનગર ખાતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (હુ)ના GCTMની સ્થાપના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે આજે કરવામાં આવનાર છે. વાસ્તવમાં વિશ્વભરની પરંપરાગત તબીબી પદ્ધતિઓ માટે આ પ્રકારનું કેન્દ્ર ભારત દ્વારા પ્રથમ વિકસાવવામાં આવી રહ્યુ છે અને કોરોનાને પહોંચી વળવામાં બધી જ વર્તમાન તબીબી વ્યવસ્થાઓ નિષ્ફળ નીવડી છે ત્યારે WHO ને પણ આ પ્રકારના કેન્દ્રમાં સહયોગી બનવામાં રસ જાગ્યો છે.

આ કેન્દ્રની સ્થાપના માટે પ્રવૃત્તિઓના સંકલન, અમલ અને દેખરેખ માટે સંયુક્ત ટાસ્ક ફોર્સ (જેટીએફ)ની રચના કરવામાં આવી છે. જેટીએફમાં ભારત સરકાર, ભારતનું કાયમી મિશન, જિનિવા અને વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે.

આ સંદર્ભમાં આઇટીઆરએ જામનગર ગુજરાત ખાતે વચગાળાની કચેરીની સ્થાપના કરવામાં આવી છે. આના લીધે ભારતની પરંપરાગત ચિકિત્સાને વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થશે. પરંપરાગત દવાઓ આરોગ્ય પ્રણાલિનો મહત્વનો આધારસ્તંભ છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન-જીસીટીએમ દ્વારા સંલગ્ન દેશોમાં પરંપરાગત દવાઓના નિયમન, એકીકૃત અને આ દવાઓને વિકસાવવા સામે આવતા પડકારોને ઓળખવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જામનગરમાં સ્થાપવામાં આવનારા કેન્દ્રની મુખ્ય કામગીરી પરંપરાગત દવાઓના ડેટા પર વૈશ્વિક સંરક્ષણ, પરંપરાગત દવા સામાજિક-સાંસ્કૃતિક તથા જૈવવૈવિધ્યતાના વારસાનું સંરક્ષણ કરવાનો છે.

WHO GCTM પરંપરાગત દવા સંબંધિત તમામ વૈશ્વિક સ્વાસ્થ્યની બાબતોની આગેવાની લેશે. તેની સાથે પરંપરાગત દવા સંશોધન, પ્રથાઓ અને જાહેર આરોગ્ય સંલગ્ન વિવિધ નીતિઓ ઘડવા માટે સભ્ય દેશોને સમર્થન આપશે. આયુષ મંત્રાલયે WHO સાથે મળીને આયુર્વેદ અને યુનાની પ્રણાલિની તાલીમ તથા પ્રેક્ટિસ પર બેન્ચમાર્ક દસ્તાવેજો વિકસાવવા, રોગોના આંતરરાષ્ટ્રીય વર્ગીકરણના પરંપરાગત દવા પ્રકરણમાં બીજું મોડ્યુલ રજૂ કરવા, એમ-યોગા જેવી એપ્લિકેશન વિકસાવવા સહિત ઘણા મોરચે સહયોગ કર્યો છે. ઇન્ટરનેશનલ ફાર્માકોપિયા ઓફ હર્બલ મેડિસિન (આઇપીએચએમ) અને અન્ય સંશોધન અભ્યાસોને પણ સમર્થન આપ્યું છે.

WHO સાથે મળીને અન્ય વિવિધ પહેલ ભારતને સમગ્ર વિશ્વમાં પરંપરાગત દવાને સ્થાન આપવામાં મદદ કરશે. ભવિષ્યમાં આ કેન્દ્ર થકી આયુર્વેદ વૈશ્વિક ફલક પર એક નવું સીમાચિન્હ અંકિત કરશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે. સમગ્ર વિશ્વમાં પરંપરાગત દવા માટે પ્રથમ અને એકમાત્ર વૈશ્વિક કેન્દ્ર જામનગરમાં કાર્યરત થશે.

Your email address will not be published.