સોલાબ્રિજ પર પંચર પડેલા ટ્રક પાછળ કાર ઘુસી જતાં ફાયરે એક કલાક રેસ્કયુ કરી યુવાનને બચાવ્યો,જાણો કેવી રીતે

| Updated: January 8, 2022 6:56 pm

સોલાબ્રિજ પર પંચર પડેલા આઇસર ટ્રક પાછળ કાર ઘુસી ગઇ હતી, જેથી કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો જેમાં એક યુવાન ફસાઇ જવા પામ્યો હતો, ફાયરબ્રિગેડની ટીમે એક કલાકસુધી રેસ્કયુ કરી યુવાનને કારની બહાર કાઢયો હતો, સારવાર માટે યુવાનને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આજે સવારના 11.30 વાગ્યાના સુમારે સોલાબ્રિજ પરથી એક આઇસર ટ્રક પસાર થઇ રહી હતી દરમ્યાનમાં આઇસર ટ્રકના ટાયરમાં પંચર પડતા ચાલકે તેને બ્રિજ પર જ રોકી દીધી હતી, તે સમયે ફોર્ડ કંપનીની કાર લઇ એક યુવાન પુરપાટ ઝડપે આવ્યો હતો અને અચાનક તેને સ્ટીંયરીગ પરથી કાબુ ગુમાવી દેતા બ્રિજ પર ઉભેલી આઇસર ટ્રકની પાછળ ટક્કર મારી દીધી હતી.

અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જેથી કાર ચાલક યુવાન કારની ડ્રાયવરસીટ પર ફસાઇ ગયો હતો, અકસ્માતને પગલે દોડી આવેલા લોકોએ યુવાનને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સફળ રહ્યા ન હતા, આ અંગેની જાણ ફાયરબ્રિગેડને કરાતા પાંચ જેટલા વાહનો સાથે ફાયર કાફલો દોડી આવ્યો હતો, ફાયરની ટીમે લગભગ એક કલાક સુધી રેસ્કયુ ઓપરેશન હાથ ધરી યુવાને બહાર કાઢયો હતો અને હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. પોલીસ તપાસમાં યુવાનનું નામ 22 વર્ષીય તિલક લખાની હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Your email address will not be published.