અમદાવાદના ગોતામાં ફાર્મા કંપનીના ગોડાઉનમાં આગઃ જાનહાનિ નહીં

| Updated: July 28, 2022 4:58 pm

અમદાવાદમાં ગોતા ખાતે ડીએફ ફાર્મસી લિમિટેડના ગોડાઉનમાં જબરજસ્ત આગ લાગી હતી. આ આગ એટલી ભારે હતી કે તેના પર કાબૂ મેળવવામાં ફાયરબ્રિગેડ વિભાગને બે કલાક લાગ્યા હતા. સદનસીબે આ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી. પણ આગ લાગવાના લીધે અફરાતફરીનો માહોલ હતો.

ગોડાઉનની નજીક અન્ય દબાણના લીધે અગ્નિશામક દળો છેક અંદર જઈ શક્યા ન હતા. તેના લીધે તેઓએ 200 મીટર દૂરથી આગ બૂઝાવવી પડી હતી. તેના લીધે આગ બૂઝાવવામાં પણ સમય લાગ્યો હતો. ગોડાઉનમાં સવારે લગભગ આઠ વાગ્યાની આસપાસ શોર્ટસર્કિટના લીધે આગ લાગી હોવાનું મનાય છે. આગ એટલી જબરજસ્ત હટી કે ગોડાઉનનો સમગ્ર શેડ ખતમ થઈ ગયો હતો. આગ લાગતા આસપાસના લોકોએ કેમિકલ બેરલ બહાર કાઢીને બીજા સ્થળે મૂક્યા હતા. તેઓ જો જીવના જોખમે આમ કર્યુ ન હોત તો આગ વધુને વધુ ભયાવહ બની હોત. તેમના આ પગલાંના લીધે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ ન હતું. તેની સાથે ગોડાઉનની આસપાસના મકાનો આગમાં ખાખ થતાં બચ્યા હતા.

ગોડાઉનની આસપાસ દબાણો હોવાના લીધે અગ્નિશામક દળો આગ બૂઝાવવા છેક સુધી જઈ શકયા ન હતા. તેના લીધે તેઓએ ગોતાના પુલ પર ઊભા રહીને અગ્નિશામનની કામગીરી કરી હતી. આ માટે તેમણે પાણીનો પાઇપ 200 મીટર જેટલો લંબાવવાની ફરજ પડી હતી.

ગોડાઉનમાં લાગેલી આગમાં સેનિટાઇઝરનો જથ્થો, કોસ્મેટિક્સ અને દવાનો જથ્થો પણ નાશ પામ્યો હતો. અગ્નિશામક દળે જણાવ્યું હતું કે ઘટના સ્થળ પર વીજળીના તાર બળી ગયેલા જોવા મળ્યા છે. તેના લીધે આગ શોર્ટસર્કિટના લીધે લાગી હોવાનું પ્રારંભિક અંદાજમાં મનાઈ રહ્યું છે.

અગ્નિશામક દળે જણાવ્યું હતું કે દબાણના લીધે મીની ફાયર ફાઇટર્સને બોલાવવામાં આવ્યા હતા. તેમણે આગ પર કાબૂ મેળવ્યો હતો. ગોડાઉન 20 મીટરથી વધુ હોવાથી ફાયર સેફ્ટી આવશ્યક હતી, પરંતુ પ્રાથમિક તપાસમાં ગોડાઉનમાં ફાયર સેફ્ટી ન હોવાનું બહાર આવ્યું છે. આ સંજોગોમાં અગ્નિશામક વિભાગ પણ કંપનીને દંડ ફટકારી શકે છે.  ડીએફ ફાર્મસી દવા અને કોસ્મેટિક બનાવવાનું કામ કરે છે.

Your email address will not be published.