પહાડ બન્યો જવાળામુખી: શિમલાના તારા દેવીના જંગલમાં લાગેલી આગ 80 કલાક બાદ પણ બે કાબૂ

| Updated: April 24, 2022 7:06 pm

શિમલાની પાસે આવેલ તારા દેવી જંગલમાં લાગેલી આગ પર કાબૂ મેળવવો મુશ્કેલ થતો જાય છે. આ આગને 80 કલાક વીતી ગયા છતા પણ હજી સુધી તેના પર કાબૂ મેળવવામાં આવ્યો નથી. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જારી કરાયેલા અહેવાલ મુજબ આગથી ગત સાંજ સુધીમાં 7 કિમી વિસ્તારમાં નુકસાન થયું છે. આગ આખી રાત અને હજુ પણ ચાલુ જ છે.

SDMA જણાવ્યા પ્રમાણે, શનિવારની મોડી સાંજ સુધી ITBPના 120 જવાનો, વન વિભાગના 15 કર્મચારીઓ અને ફાયરની 3 ટીમો આગ પર કાબૂ મેળવવા માટે કાર્યરત છે, પરંતુ વધુ પડતા સુકા ઝાડી-ઝાંખડાને કારણે આગ ઝડપથી ફેલાઈ રહી છે. આ આગ લાગવાની જાણ ફાયરને શુક્રવારે બપોરના સમયે થઈ હતી.

આ આગ ધીમે ધીમે આખા જંગલમાં પ્રસરી જવા પામી હતી અને જંગલની સંપત્તિ, સેંકડો જંગલી પ્રાણીઓ બળીને ખાખ થઈ ગયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. વન્યજીવોના રહેઠાણો પણ નાશ પામ્યા છે. જંગલની આગને કારણે સ્થાનિક લોકોની ઘાસની ગાંસડીઓ પણ બળીને રાખ થઈ ગઈ છે. જેના કારણે આગામી દિવસોમાં ગ્રામજનોને પશુઓ માટેના ઘાસચારાની તંગીનો સામનો કરવો પડશે.

છેલ્લા 22 દિવસમાં રાજ્યમાં આગની 315થી વધુ ઘટનાઓમાં 2500 હેક્ટરથી વધુ જંગલ બળીને રાખ થઈ ગયું છે. હિમાચલમાં કુલ 2026 વન બીટ છે. 339 વન બીટ ખૂબ જ સંવેદનશીલ, 667 સંવેદનશીલ અને 1020 બીટ સામાન્ય છે. બિલાસપુરમાં 27, ચંબા 18, ધર્મશાળામાં 37, હમીરપુર 9, કુલ્લુ 12, મંડી 82, રામપુર 35, નાહન 32, શિમલા 49, વાઇલ્ડલાઇફ ધર્મશાલા 17, જીએચએનવી શમશીમાં 9 વન બીટ અતિ સંવેદનશીલ છે. આમાં દર વર્ષે જંગલમાં આગ લાગવાના બનાવો વધુ બને છે.

શિમલાની બાજુમાં આવેલા ભરયાલ કચરાના પ્લાન્ટ પાસે આજે સવારે ફરી આગ ફાટી નીકળી હતી. આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.તારાદેવીના જંગલમાં છેલ્લા 80 કલાકથી લાગેલી આગ બાદ આકાશમાં ધુમાડાના ગોટેગોટા ઉડી રહ્યા છે. જેના કારણે આસપાસના વિસ્તારોમાં વિઝિબિલિટી પણ ઘટી ગઈ છે.

Your email address will not be published.