કેવડિયામાં આજથી દેશની રમતગમતની પ્રથમ નેશનલ કોન્ફરન્સનો પ્રારંભ

| Updated: June 24, 2022 12:49 pm

કેવડિયાઃ ગુજરાતમાં કેવડિયા ખાતે આજથી દેશની પહેલી રમતગમત પરની નેશનલ કોન્ફરન્સનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. તેમા કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર સહિત દેશના વિવિધ રાજ્યોના ખેલમંત્રીઓ અને ટોચના અધિકારીઓ હાજર રહેશે. આ બે દિવસની કોન્ફરન્સમાં સ્પોર્ટ્સ અને યુવા બાબતોને લગતા જુદા-જુદા વકતવ્યો પર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને રમતોમાં અગ્રણી દેશ બનાવવાનું સ્વપ્નું જોયું છે તેમા આ કોન્ફરન્સ પાયાનો પથ્થર સાબિત થશે તેમ મનાય છે.

રમતગમત હવે ફક્ત રમવાનો જ વિષય નથી પણ કારકિર્દીનો વિષય પણ બન્યું છે. આજે વિવિધ પ્રકારની સ્પોર્ટ્સ લીગ ચાલી રહી છે કે પ્રતિભાની કેટલી જરૂરિયાત હવે રમતગમત ક્ષેત્રે વર્તાઈ રહી છે. આ સંજોગોમાં યુવાઓએ પણ વિવિધ રમતોમાં પોતાની કારકિર્દી બનાવવા પર ધ્યાન આપવું જોઈએ,  એમ રાજ્યના ગૃહ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. તેની સાથે તેમણે આ કોન્ફરન્સ ગુજરાતમાં યોજાતી હોવા અંગે આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે નવી સ્પોર્ટ્સ પોલિસી, ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ, હાઇ પર્ફોર્મન્સ સેન્ટર્સ અને તેમા પણ ખાસ કરીને ખેલ મહાકુંભ દ્વારા ગુજરાત રમતગમત ક્ષેત્રે નવા આયામો સર કરી રહ્યું છે. ખેલ મહાકુંભના માધ્યમથી આગળ આવેલા ભાવિના પટેલ, હરમીત દેસાઈ અને સરિતા ગાયકવાડ આજે ફક્ત ગુજરાતનું જ નહી દેશનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કરી રહ્યા છે. ખેલાડીઓને યોગ્ય તાલીમ મળે, યોગ્ય પોષણવાળુ ભોજન મળે અને તેની તાલીમ માટે શ્રેષ્ઠ સાધનો પણ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે. વિવિધ રાજ્યોમાં વિવિધ યોજનાઓ દ્વારા પોલિસીઝ તથા રમતગમતને આધુનિક અને વૈશ્વિક સ્તરે પહોંચાડવા પ્રયત્ન થઈ રહ્યા છે. આ સમયે આ પ્રકારની કોન્ફરન્સમાં વિચારોના આદાનપ્રદાન દ્વારા યુવાનો માટે ખાસ કરીને રમતગમત ક્ષેત્ર માટે કંઇક નવુ અને વિશેષ કાર્ય થશે તે નિશ્ચિત છે.

આ કોન્ફરન્સમાં વિવિધ રાજ્યોના 20 જેટલા સ્પોર્ટ્સ મિનિસ્ટર્સ, 40 જેટલા સચિવ કક્ષાના અધિકારીઓ હાજર રહેશે. બે દિવસના આયોજન દરમિયાન રમતગમતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેન્યુફેક્ચરિંગ અને પાયાની સગવડો, ખેલો ઇન્ડિયા રમતોત્સવ આયોજન, રમતગમત ક્ષેત્રના આગામી આયોજનો અને રોડમેપ તથા યુવા બાબતોમાં સરકાર દ્વારા કરવામાં આવતા પ્રયાસો વિશે પણ ચર્ચા થશે.

Your email address will not be published.