2022માં પાંચ પરિબળો ભારતીય અર્થતંત્રની દિશા નક્કી કરશે

| Updated: January 7, 2022 2:28 pm

કોરોનાનાં રોગચાળાની ત્રીજી લહેરથી ભારતમાં કેસો વધી રહ્યા છે. પરંતુ આ લહેર હળવી અને થોડા સમય માટે હશે એવું મનાઇ રહ્યું છે. દરમિયાનમાં ભારતનું અર્થતંત્ર છેલ્લા કેટલાક મહિનાઓમાં જોવા મળેલી વૃદ્ધિની ગતિ પણ ચાલુ રાખશે. પાંચ મુખ્ય મેક્રોઇકોનોમિક પરિબળો છે જે 2022માં ભારતનાં અરથતંત્રની દિશા અને આકાર નકકી કરશે.

2022-23માં ઉંચો આર્થિક વિકાસ દર

2022-23 ના નાણાકીય વર્ષમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)માં વધારો થવાની શક્યતા છે. આવક અને આઉટપુટ નીચી બેઝ ઈફેક્ટને કારણે જ નહીં પરંતુ બિઝનેસમાં રિકવરી અને વૈશ્વિક અને સ્થાનિક માંગમાં સુધારાને કારણે અર્થ વ્યવસ્થાને વેગ મળશે. ઓમિક્રોનનાં કારણે કોરોનાની ત્રીજી લહેરથી આ વર્ષના પ્રથમ થોડા અઠવાડિયા મુશ્કેલ જણાય છે, જોકે પછીના મહિનામાં ગાડી ફરી પાટા પર આવે તેવી શકયતા છે.

ઓમિક્રોન વેરિઅન્ટ વધુ ચેપી હોવા છતાં તે અગાઉના વેરિઅન્ટની સરખામણીમાં ઓછો ગંભીર હોવાનું જણાય છે. રસીકરણ, લોકોની પ્રતિરક્ષા (હર્ડ ઇમ્યુનિટી) સહિતનાં કારણોથી લોકોનાં જીવન અને આજીવિકાને ઓછું નુકસાન થાય તેવી સંભાવના છે.

2021ના અંત સુધીમાં, પુખ્તવયનાં 61 ટકાથી વધુ લોકોએ રસીના બંને ડોઝ મેળવ્યા હતા. જ્યારે લગભગ 90 ટકા પુખ્તવયનાં લોકોએ રસીનો એક જ ડોઝ લીધો છે. કિશોરોનું રસીકરણ શરૂ થઈ ગયું છે. આરોગ્યસંભાળમાં સંકળાયેલા કર્મચારીઓ અને 60 વર્ષથી વધુ ઉંમરના ગંભીર બિમારીવાળા લોકો માટે રસીનો ત્રીજો ડોઝ શરૂ કરવામાં આવી રહ્યો છે.

વાઈરસની અનિશ્ચિત પ્રકૃતિને જોતાં, કેટલાક સેકટર માટે  જોખમ સર્જાઇ હોઈ શકે છે.પરંતુ આ વર્ષના પ્રથમ થોડા મહિનાઓ સુધી જ રહેવાની શક્યતા છે. ઊંચો મૂડી ખર્ચ, માળખાગત સુવિધામાં રોકાણ, ઉત્પાદન ક્ષેત્રને પ્રોત્સાહન અને  નિકાસમાં વધારો જેવાં પરિબળો મહત્વનાં બનશે.

ફુગાવામાં વધારો

વિકસિત અને વિકસતાં અર્થતંત્રમાં ફુગાવો રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. ભારતનાં અર્થતંત્ર પર  વૈશ્વિક સ્તરે કોમોડિટીના વધતા ભાવો, લોજિસ્ટિક્સ, સપ્લાયની સમસ્યા અને ઔદ્યોગિક કાચા માલના ભાવોની અસર થશે.

જથ્થાબંધ ભાવ સૂચકાંક એટલે કે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (ડબલ્યુપીઆઇ) આધારિત ફુગાવો નવેમ્બર 2021માં વધીને 14.32 ટકાની વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. નવેમ્બર માટે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) આધારિત રિટેલ ફુગાવો પણ વધીને 4.91 ટકા થયો હતો. પરંતુ ડબલ્યુપીઆઈ અને સીપીઆઈ વચ્ચેનું વિશાળ અંતર જથ્થાબંધ ભાવ પરનાં દબાણને દર્શાવે છે, જે આગામી મહિનાઓમાં રિટેલ પર જોવા મળે તેવી શકયતા છે.

કેટલીક કંપનીઓએ અને ખાસ કરીને કન્ઝ્યુમર ગુડ્સ સેક્ટરે ઈનપુટ ખર્ચમાં વધારો થવાને કારણે તેમના ઉત્પાદનોના ભાવમાં વધારો કર્યો છે. આગામી મહિનાઓમાં ફુગાવા પર તેની અસર દેખાશે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઇ) એ જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર માટે સીપીઆઇ ફુગાવો 5.7 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. આગામી નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં ફુગાવો 5 ટકા રહેવાનો અંદાજ છે.

અસ્થિર વ્યાજ દર

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઇ)  કોરોનાનાં રોગચાળાને કારણે સર્જાયેલી મુશ્કેલીઓ ઓછી કરવા માટે માર્ચ 2020થી શરુ કરાયેલી હળવી નાણાકીય નીતિને અનુસરવાનું ચાલુ રાખ્યું છે. આરબીઆઈએ તેની તાજેતરમા જાહેર કરેલી પોલિસીઓમાં રેપો અને રિવર્સ રેપો રેટને યથાવત રાખ્યા છે. આ ઉપરાંત વેરિયેબલ રેટ રિવર્સ રેપો ઓક્શન્સ અને સરકારી સિક્યોરિટીઝના વેચાણ દ્વારા પોલિસી જારી રાખી છે.

આ બધાના કારણે તરલતા ઘટી છે અને ટૂંકા ગાળાના દરોને 4 ટકાની નજીક જવાયા છે.આગામી મહિનાઓમાં ટૂંકા ગાળાના દરોમાં વધારો થવાની ધારણા છે કારણ કે વધેલા ફુગાવા વચ્ચે આરબીઆઈ પોલિસી નોર્મલાઇઝેશન ચાલુ રાખશે.

લાંબા ગાળાના બોન્ડ્સ પરના દરો ઊંચા છે, જે યુએસ બોન્ડ્સ પર ઉચ્ચ વળતર અને ઉંચા સ્થાનિક ફુગાવાને કારણે છે. લાંબા ગાળાનાં વળતરનો માર્ગ રાજકોષીય સ્થિતિ પર આધાર રાખશે.જો સરકાર આગામી નાણાકીય વર્ષ માટે હાયર બોરોઇંગ પ્રોગ્રામ્સને મહત્વ આપશે તો  10 વર્ષના બોન્ડ્સ પરનું વળતર વધે તેવી શક્યતા છે.

નાણાકીય બજારો

2021માં શેરબજારના રોકાણકારોને જોરદાર વળતર મળ્યું છે.કંપનીઓનાં નફામાં વધારો,છૂટક રોકાણકારોની વધેલી ભાગીદારી અને અનેક આઇપીઓનાં કારણે બજારમાં તેજી આવી હતી.

તેમ છતાં યુએસ ફેડરલ રિઝર્વની ટેપર જાહેરાત અને ઓમિક્રોન વેરિઅન્ટના જોખમની સાથે વ્યાજ દરમાં વધારો જેવા વૈશ્વિક પરિબળોથી બજારોમાં અસ્થિરતા આવી શકે છે. વિદેશી રોકાણકારોની ભારતમાં અસ્કયામતો અને યુએસ ડૉલરની વધ-ઘટ પણ આગામી મહિનાઓમાં બજારને અસર કરશે.

બેન્કોનાં એનપીએમાં વધારો

ગત સપ્તાહે આરબીઆઈના નાણાકીય સ્થિરતા અહેવાલમાં જણાવાયું હતું કે બેંકો રોગચાળાની વચ્ચે પણ લચકદાર રહી છે.સપ્ટેમ્બર 2021માં બેન્કોની ખરાબ લોન (બેડ લોન) ઘટીને 6.9 ટકાએ પહોંચી છે. જે  છ વર્ષની સૌથી નીચી સપાટીએ છે. બેન્કોની મૂડીમાં પણ  નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે.

જોકે, પોલિસી સપોર્ટ બંધ થવાથી બેન્કોની બેલેન્સ-શીટ પર દબાણ વધી શકે છે.સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો અને વ્યક્તિગત લોન સેગમેન્ટમાં તેનાં સંકેતો જોવા મળી રહ્યા છે.

બેઝલાઈન સિનારીયો હેઠળ સપ્ટેમ્બર સુધીમાં નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (એનપીએએસ) વધીને 8 ટકા થવાનો અંદાજ છે. સરકારી બેંકોની બેડ લોનમાં પણ વધારો જોવા મળે તેવી શક્યતા છે. તેથી બેંકોને વધુ મૂડીની પણ જરૂર પડી શકે છે. જેના કારણે બંકો લોન આપવામાં વધુ સાવધાની રાખે તેવી પણ શકયતા છે.

ટૂંકમાં, જીડીપી અને ફુગાવો બંને વધવાની સાથે આરબીઆઈ સહિત વિશ્વભરની મધ્યસ્થ બેંકો વ્યાજદરમાં વધારો કરી શકે છે જે નાણાકીય બજારોને અસ્થિરતા તરફ લઇ જઇ શકે છે.

નવું વર્ષ આશા અને સાવધાની બંને લઈને આવ્યું છે તેમ લાગે છે.

Your email address will not be published.