લોકગાયિકા કાજલ મહેરિયાની કાર પર હુમલો, તેમની સોનાની ચેન લૂંટવામાં આવી

| Updated: May 11, 2022 12:52 pm

સોમવારે મોડી રાત્રે લોકગાયિકા (Folk singer) કાજલ મહેરિયા પાટણમાં પોતાનો કાર્યક્રમ પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા,ત્યારે તેમની કાર પર હુમલો થયો હતો અને આ હુમલામાં તેમણે ગાળામાં પહેરેલી સોનાની ચેન લૂંટી લેવામાં આવી હોવાના ખબર સામે આવ્યા છે. તેમજ હુમલામાં કાજલ મહેરિયાને સામાન્ય ઇજાઓ પણ થઈ છે જેથી તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ચાર વર્ષમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા બમણાથી વધુ

કાજલ મહેરિયા પાટણમાં પોતાનો આયોજિત ડીજેનો કાર્યક્રમ પૂર્ણ કરીને પરત પોતાના ઘર તરફ ફરી રહ્યા હતા, ત્યારે સિદ્ધપુર ચાર રસ્તા પાસે હુમલાની ઘટના બની હતી. જેમાં અજાણ્યા શખ્સોએ કાર પર હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં કારના કાચને નુકસાન થયું હતું. આ હુમલાખોર કોણ હતા તે અંગે કોઈ વિગત હજુ સુધી સામે આવી નથી. પોલીસ દ્વારા આ ઘટનાને લઈને વધુ તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે.

કાજલ મહેરિયા જાણીતી વ્યક્તિ હોવાથી આ ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા પણ હુમલાની તપાસ આરંભી દેવામાં આવી હતી. આ કેસમાં હવે આસપાસના વિસ્તારના સીસીટીવી સહિતની ટેક્નિકલ તપાસના આધારે હુમલાખોરો સુધી પહોંચવા માટે પોલીસ પ્રયાસ કરશે. આ સાથે કાજલ મહેરિયાનું સ્ટેટમેન્ટ લઈને તેમને કોઈ ધમકી મળી છે કે નહીં તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી શકે છે.

અગાઉ પણ થયો હતો હુમલો
વર્ષ 2020 માં સપ્ટેમ્બર મહિનામાં લોકગાયિકા (Folk singer) કાજલ મહેરિયા પર મોઢેરામાં આંતરિક ઝઘડામાં હુમલો થયો હતો, જેમાં કાજલ મહેરિયાને લાફો ઝીંકાયો હતો. કાજલ મહેરિયા ઈવેન્ટ ઓર્ગેનાઇઝર બાબાખાનના ઘરે સામાજિક કામ અર્થે ગયા હતા. ત્યારે ઇવેન્ટ ઓર્ગેનાઇઝરના ઘરે ગયેલી સિંગર પર બાબા ખાનના વિરોધીઓએ હુમલો કર્યો છે.

Your email address will not be published.