ગુજરાતને મળશે દેશની સૌપ્રથમ એર એમ્બ્યુલન્સ: મુખ્યમંત્રીના જૂના પ્લેનનો એમ્બ્યુલન્સ તરીકે થશે ઉપયોગ

| Updated: December 1, 2021 1:26 pm

દેશમાં સૌપ્રથમ વાર ગુજરાતમાં એર એમ્બ્યુલન્સ સર્વિસ શરૂ થવા જઈ રહી છે. નાગરિક ઊડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યું કે, મુખ્યમંત્રીના જૂના પ્લેનને એર એમ્બ્યુલન્સમાં ફેરવાશે. 108 દ્વારા મળતા કોલમાં કલાકનું ભાડું 50 હજાર, હોસ્પિટલો માટે 55 હજાર અને ખાનગી વ્યક્તિના કોલમાં એર એમ્બ્યુલન્સનું કલાકનું ભાડું 60 હજાર લેવાશે.

પૂર્ણેશ મોદીએ કહ્યું કે, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં ગુજરાતમાં હવાઈ સુવિધાનો વ્યાપ વધે તે માટે ગુજરાતે વિવિધ માગણી કરી છે. સાબરમતીથી કેવડિયા સુધીની સી-પ્લેન સર્વિસ શરૂ થઈ હતી, જેનો કોન્ટ્રાક્ટ પૂરો થતા હવે નવેસરથી ટેન્ડર શરૂ કરાશે. 

આ સિવાય છ સ્થળે સી-પ્લેન સર્વિસ માટે સરવે કામગીરી શરૂ કરાઈ છે. ગુજરાતને બે સી-પ્લેન માટે આર્થિક સહાય મળે તે માટે રજૂઆત કરાઈ છે. પાઇલટ પ્રોજેક્ટ તરીકે સાબરમતીથી સ્ટેચ્યુ સુધી સવાર-સાંજ બે ફ્લાઇટ શરૂ કરાશે. ડીસા એરસ્ટ્રીપની જમીન સોંપણી માટે પણ દરખાસ્ત કરાઈ છે.

સાબરમતી હેલિપેડથી હેલિકોપ્ટરની જોય રાઇડ શરૂ કરવા માટે પણ કેન્દ્ર સરકારને દરખાસ્ત મોકલાઈ છે. અમદાવાદ રન-વેના મરામતની કામગીરી 3 ડિસેમ્બરથી શરૂ થવાની હતી, પરંતુ વાઇબ્રન્ટ સમિટને ધ્યાને લઈ આ કામગીરી 20 જાન્યુઆરી બાદ શરૂ કરવા રજૂઆત પણ કરાઈ છે.

Your email address will not be published. Required fields are marked *