રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે IPL 2022 ક્વોલિફાયર મેચ બાદ ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વોને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદની પીચ પર ફરી એક વાર ટિપ્પણી કરી હતી.
તેમણે ટ્વીટ કર્યું કે, “અમદાવાદની પિચમાં થોડી ગતિ અને ઉછાળ જોઈને આનંદ થયો!! છેલ્લી વખત જ્યારે મેં જોયું હતું ત્યારે આ સ્ટેડિયમે મને બીચની યાદ અપાવી દીધી હતી.”
મૂળભૂત રીતે આ ટ્વીટથી વોને આડકતરી રીતે આ જ સ્થળે આયોજીત ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી વર્ષ 2021ની ટેસ્ટ મેચના સદર્ભમાં ટિપ્પણી કરી હતી. શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી, જે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં પ્રથમ ટેસ્ટ મેચ હતી. જો કે, મેચ બે દિવસમાં સમાપ્ત થતાં વિવાદનું કારણ બની હતી. બે દિવસમાં કુલ 30 વિકેટો પડી ગઈ હતી અને ભારતે ઈંગ્લેન્ડને 10 વિકેટે પરાજય આપ્યો હતો.
આ ઉપરાંત ICC દ્વારા સ્ટેડિયમની પિચને ‘સરેરાશ’ રેટિંગ અપાયાં બાદ પણ પિચની ઘણી ટીકા થઈ હતી. મેચ માત્ર 140.2 ઓવરમાં પુરી થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ 112 અને 81 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું, જ્યારે ભારતે પ્રથમ દાવમાં 145 રન બનાવ્યા હતા અને એકપણ વિકેટ ગુમાવ્યા વિના 49 રનનો પીછો કરીને મેચ પોતાના નામે કરી હતી.
ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વોને નરેન્દ્ર મોસઈ સ્ટેડિયમની પિચની સપાટી પર વારંવાર મજાક ઉડાવી છે. એકવાર ઇંગ્લેન્ડના વિલ્મસ્લો ખાતેના નાના શહેરમાં ખોદવામાં આવેલી જમીનનો ફોટો શેર કરીને તેમણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચની મજાક ઉડાવી હતી. તેમણે તેને કેપ્શન આપ્યું હતું, ‘ચોથી ટેસ્ટ માટે તૈયારીઓ સારી રીતે ચાલી રહી છે’.