રાજસ્થાનથી ભાગીને યુવક તેની પ્રેમિકાને લઈને લવમેરેજ કરવા માટે અમદાવાદ આવ્યો હતો અને નરોડા પાસે હાજર હતો. આ સમયે ચાર શખ્સો બાઈક લઈને આવ્યા હતા અને યુવક સાથે ઝઘડો કરી મારઝુડ કરીને છરીનો ઘા મારીને ફરાર થઈ ગયા હતા. પ્રેમિકા પણ આ શખ્સો સાથે જતી રહી હતી. આ અંગે યુવકે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, રાજસ્થાનના શિરોહીમાં રહેતા કાંતિલાલ કબલીને તેમના ગામની અને તેમના જ સમાજની એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. બંને ગામના અને સમાજના થતા હોવાથી એકબીજા સાથે રહી શકે તેમ ન હોવાથી તેઓ યુવતીને સાથે લઈને અમદાવાદ આવી ગયા હતા. આ દરમિયાન નરોડામાં જય ભવાની ભોજનાલય પાસે કાંતિલાલ તેમના મિત્ર અને તેની પ્રેમીકા સાથે ઉભા હતા તે સમયે બે બાઈક પર રાજસ્થાનમાં રહેતો પુનમારામ કલબી, દિનેશ કલબી, પ્રકાશ કલબી અને એક અજાણ્યો શખ્સ ત્યાં આવ્યો હતો. બાદમાં કાંતિલાલની પ્રેમીકાની પુછપરછ કરવા લાગ્યો હતો.
કાંતિલાલે તેમને કેમ પુછપરછ કરો છો તેમ કહેતા ઉશ્કેરાયેલા ચારેય શખ્સોએ મારઝુડ કરવાનુ શરૂ કરી દીધું હતું. મોં પર કપડું બાંધેલા અજાણ્યા શખ્સે કાંતિલાલને છરીનો ઘા મારી દીધો હતો. આ ઘટનાથી આસપાસના લોકો ભેગા થઈ જતા આ ચારેય આજે તો તને જવા દઈએ છીએ ફરી મળ્યો તો જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપીને ફરાર થઈ ગયા હતા. આ અંગે નરોડા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. પોલીસે જણાવ્યુ હતુ કે, કાંતિલાલની પ્રેમિકા કેમ જતી રહી તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.