મહેસાણાના ચાર યુવકો કેનેડાથી બોટ મારફતે અમેરિકામાં ઘુસ્યા પરંતુ તેમને અમેરિકન પોલીસે પકડી પાડ્યા હતા. તેઓને પોલીસે કોર્ટમાં રજૂ કરતા તેમને અંગ્રેજીમાં સવાલો પુછતા તેમને આવડતું ન હતું. તેમની પાસે આઇઇએલટીએસનું આઠ બેન્ડનું સર્ટી મળ્યું હતુ. તેની તપાસ એમ્બેશીને સોપાઇ અને તેમણે આ તપાસ મહેસાણા જિલ્લા એસપીને સોપી હતી. જેમાં 25 લાખમાં આઠ બેન્ડ મેળવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. આ IELTS સર્ટી અપાવવામાં ગાંધીનગરના એક બિલ્ડર અમિત કે જે એક મંત્રીના નજીકના વ્યક્તિએ કરાવી આપ્યું હોવાનું ખુલ્યું છે. તે મોટા પાયે હોટલ અને પાર્ટી પ્લોટમાં IELTSના સેન્ટર લઇને ગોલમાલ કરતો હોવાનું એસઓજીની તપાસમાં બહાર આવ્યું છે.
મહેસાણા, વિસનગર અને જોટાણાના ચાર વિદ્યાર્થીઓ IELTSના આઠ બેન્ડ મેળવ્યા હતા અને તેના આઘારે તેઓ કેનેડા ખાતે પહોચ્યા હતા. કેનેડાથી તેઓ ગત 28મી એપ્રિલના રોજ કેનેડા અને અમેરિકા બોર્ડ વચ્ચે આવેલી સેન્ટ રેઝીસ નામની નદીમાં બોટ મારફતે અમેરિકામાં ઘુસી ગયા હતા. દરમિયાનમાં પાણીમાં ડૂબી રહેલા લોકોને યુએસ પોલીસે બચાવ્યા હતા અને રસ્ક્યુ કરી તેમની તપાસ હાથ ધરી હતી. જેમાં ભારતથી આવી તાત્કાલીક અસરથી એજન્ટ મારફતે કેનેડા પહોચ્યા અને ત્યાથી ગેરકાયદે રીતે તેઓ અમેરિકામાં ઘુસણખોરી કરી રહ્યા હતા.
જેથી અમેરિકન પોલીસે તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસ સમક્ષ અને કોર્ટ સમક્ષ ચારે વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં જવાબ આપી શકતા ન હતા. તેમની પાસે મળલા કાગળોમાં IELTSના દસ્તાવેજો પણ મળ્યા હતા. તેઓ કેનેડા ખાતે તેના ઉપયોગથી આવ્યા હતા. IELTSનુ સર્ટી હોવા છતાં પણ તેઓ અંગ્રેજી બોલી ન શકતા કોર્ટને શંકા ગઇ હતી. જેથી અમેરિકન કોર્ટે એમ્બસીને આ અંગે તપાસ કરવા આદેશ કર્યા હતા. મુંબઇ એમ્બેસીએ આ અંગે મહેસાણા જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગીને પત્ર ઇમેઇલ કરી જાણ કરી હતી. જેથી જિલ્લા એસપીએ આ તપાસ એસઓજી પીઆઇ ભાવેશ રાઠોડને સોપી હતી.
તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી હતી. જેમાં 25 લાખ રુપિયામાં ચારે વિદ્યાર્થીઓએ IELTS કર્યાનો પર્દાફાશ થયો હતો પરંતુ પુરાવા અને ફરિયાદી કોઇ ન હોવાથી તપાસ અવડઢવમાં મુકાઇ છે. કેમકે, IELTS ક્યાથી કર્યું તે પણ એમ્બેસી કે એજન્ટ કે અન્ય એજન્સીઓ પોલીસને માહિતી આપતી ન હતી. દરમિયાનમાં અમિત નામના શખસનું નામ ખુલ્યું છે. આ અમિત ગાંધીનગર વિસ્તારમાં કસ્ન્ટ્રક્શન સાઇટો ચલાવે છે અને તે મોટો બિલ્ડર હોવાનું બહાર આવ્યું છે. અમિતને એક રાજકીય મંત્રી સાથે ઘરોબો છે અને તેના કારણે તે આ વિસ્તારમાં IELTS પરિક્ષા આપાવના સેન્ટરો લે છે અને તેના નેજા હેઠળ મોટું રેકેટ ચલાવી રહ્યા છે.
કોણ-કોણ ઝડપાયા?
અમેરિકા જઇ રહેલા યુવાનો મહેસાણાના માંકણજ, ધામણવા, રામનગર અને સંગણપુરના હોવાનું બહાર આવ્યું છે. 8 બેન્ડ પર અમેરિકા પહોંચેલા વિદ્યાર્થીઓમાં પટેલ ધ્રુવ રસિકભાઈ, પટેલ નીલ અલ્પેશકુમાર, પટેલ ઉર્વીશ શૈલેષભાઈ, પટેલ સાવન રાજેન્દ્રકુમાર અને તેમના ફોટા સાથે વિગતો એસઓજીને મોકલવામાં આવી હતી. આ અંગે એસઓજીએ વધુ તપાસ હાથ ધરી છે.