નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની ચોથી લહેરે દસ્તક દીધી હોવાનું મનાય છે. દિલ્હીમાં રવિવારે કોરોનાના 517 કેસ જોવા મળ્યા હતા. આ કેસની સંખ્યા અગાઉના દિવસના કેસ કરતાં 56 વધારે હતી. તેની સાથે પોઝિટિવિટી રેટ પણ વધીને 4.21 ટકા થયો છે, એમ શહેરના આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.
નવા રોગગ્રસ્તો સાથે રાજધાનીમાં કોરોનાગ્રસ્તોનો કુલ આંકડો 18,68,550 થયો છે અને મૃત્યુઆંક 26,160 છે. દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસોની સંખ્યામાં અપટ્રેન્ડ જોવા મળ્યો છે. આ બાબતને કોરોનાની ચોથી લહેરના સંકેત તરીકે પણ જોવામાં આવી રહી છે. દિલ્હીમાં શનિવારે કોરોનાના 461 કેસ જોવા મળ્યા હતા અને બે મોત થયા હતા. જ્યારે શુક્રવારે દિલ્હીમાં કોરોનાના 366 કેસ જોવા મળ્યા હતા તથા ગુરુવારે કોરોનાના 325 કેસ હતા.
દિલ્હીમાં હોસ્પિટલોમાં બેડની સ્થિતિ જોઈએ તો કોવિડ-19 દર્દીઓ માટે કુલ 9662 બેડ ખાલી છે. રાજધાનીમાં હાલમાં 9,150 કોવિડ-19 ઓક્સિજન બેડ અને બે હજારથી વધારે આઇસીયુ બેડ ખાલી છે. લગભગ હજારથી વધારે આઇસીયુ બેડ પર વેન્ટિલેટર ઉપલબ્ધ છે. હાલમાં રાષ્ટ્રીય રાજધાનીમાં કુલ 964 દર્દીઓ હોમ ક્વોરેન્ટાઇન છે.
રા્ષ્ટ્રીય રાજધાનીમાં કોરોનાના કેસોની સંખ્યામાં ઉછાળો આવતા દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ડીડીએમએ) 20મી એપ્રિલે બેઠક યોજશે. તેમા ફેસ માસ્કને ફરજિયાત કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. તે બાબત નોંધનીય છે કે દિલ્હી સરકારના આરોગ્ય વિભાગે બીજી એપ્રિલના રોજ આદેશ આપ્યો હતો કે જાહેર સ્થળોએ ફેસ માસ્ક ન પહેર્યો હોય તો દંડ લાદવામાં નહી આવે.
લેફટનન્ટ ગવર્નર અનિલ બૈજલના અધ્યક્ષપદ હેઠળ કોવિડ-19ની સ્થિતિની સમીક્ષા કરવાની બેઠક યોજાશે. કોરોનાના કેસોની સંખ્યામાં તાજેતરમાં આવેલા ઉછાળાના પગલે આ બેઠક બોલાવવામાં આવી છે. આ ઉપરાંત રસીકરણના કાર્યક્રમ અંગે પણ ચર્ચા થશે.
દિલ્હીમાં કોરોનાના કેસોની સંખ્યામાં ઉછાળો આવતા ડોક્ટરોનું કહેવું છે કે કોરોના વાઇરસના લક્ષણો દેખાય તો લોકોએ તાત્કાલિક પરીક્ષણ કરાવવું જોઈએ. સત્તાવાળાઓએ પણ ફેસ માસ્ક ફરજિયાત કરવું જોઈએ, જેથી કોરોનાને ફેલાતો અટકાવી શકાય.
એલએનજેપી હોસ્પિટલના વરિષ્ઠ ડોક્ટરે જણાવ્યું હતું કે કોરોનાના લક્ષણો હોવા છતાં લોકો કોવિડ-19 ટેસ્ટ કરાવતા હોતા નથી હવે કેસોની સંખ્યામાં વધારો થતાં પોઝિટિવિટીનો રેટ ફરીથી પાંચ ટકાની ઉપર જતો રહેશે. કમસેકમ હોમ આઇસોલેશનમાં રહેતા લોકોએ તો પરીક્ષણ કરાવવું જ જોઈએ.
દિલ્હી સરકારની સૌથી મોટી ફેસિલિટી અને મહત્વની કોવિડ-19 હોસ્પિટલના ઇમરજન્સી વિભાગના વડાએ જણાવ્યું હતું કે લોકોએ મોટા જૂથોમાં એકત્રીકરણ ટાળવું જોઈએ અને માસ્ક પહેરવું જોઈએ તથા કોવિડ-19 યોગ્ય વર્તણૂક કરવી જોઈએ. અન્ય એક વરિષ્ઠ કન્સલ્ટન્ટે જણાવ્યું હતું કે હોસ્પિટલાઇઝેશનની સંખ્યા ઓછી છે, પણ તેનાથી કોરોના અંગે નિષ્કાળજી જરા પણ પાલવે નહી. નહી તો ચોથી લહેરને આવતા વાર નહી લાગે.