કંપનીઓમાં ફ્રોડની ખબર છેક 14 મહિને પડે છેઃ ભૂતપૂર્વ પોલીસ વડા

| Updated: May 21, 2022 4:20 pm

કારોબારીઓ પ્રીવેન્ટિવ ફોરેન્સિક્સ અપનાવી કારોબાર સલામત કરેઃ ભૂતપૂર્વ પોલીસ વડા

અમદાવાદઃ કોઈપણ કંપનીની અંદર ફ્રોડ કે છેતરપિંડી થાય ત્યારે તેની જાણ સરેરાશ 14 મહિને થાય છે, જ્યારે ફ્રોડસ્ટર્સમાં મોટાભાગના લોકો 55 વર્ષથી વધુ વયના લોકો જોવા મળ્યા છે, એમ અમદાવાદ શહેરના ભૂતપૂર્વ પોલીસ વડા કેશવ કુમારે જણાવ્યું હતું. તેમણે નિરવ મોદીનું બેન્ક કૌભાંડનું ઉદાહરણ આપ્યું હતું. બેન્કે તેની ખબર પડવામાં ખાસ્સો લાંબો સમય લાગ્યો હતો.

આ ઉપરાંત તેમણે છેતરપિંડીના લીધે કેટલું નુકસાન જતું હોય છે અને કેટલા પ્રમાણમાં નુકસાન જતું હોય છે તેની વાત પણ કરી હતી. સરવે મુજબ કમસેકમ 14 મહિના સુધી તો કોઈને ખબર જ પડતી નથી કે કંપનીમાંથી છેતરપિંડી થઈ રહી છે. તેમણે છેતરપિંડીનો ભોગ બની શકે તેવા કંપનીના વિભાગો અંગે જણાવ્યું હતું. ફિઝિકલ અને ઇલેક્ટ્રોનિક ડોક્યુમેન્ટ્સ બદલતા રહીને આ પ્રકારની છેતરપિંડીથી બચી શકાય છે.

કુમારે છેતરપિંડી આચરનારની પેટર્ન અંગે પણ સમજાવ્યું હતું. તેમા છેતરપિંડી આચરવાના મુખ્ય કારણોમાં એક વ્યક્તિની પોતાની નાણાકીય તકલીફો, વેન્ડરો અને ગ્રાહકો સાથે ગાઢ સંપર્ક, ફરજો વહેંચવાનો અભાવ તથા વિક્ષિપ્ત દાંપત્યજીવન મુખ્ય છે. તેમણે જણાવ્યું હતું કે 20 વર્ષની વય કરતાં 55 વર્ષથી વધુ વયના લોકો છેતરપિંડી વધુ આચરે છે.

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન દ્વારા પ્રીવેન્ટિવ ફોરેન્સિક્સ અને પ્રીવેન્ટિવ વિજિલન્સ પર સેમિનાર યોજાયો હતો. તેના સ્પીકર તરીકે ગુજરાતના ભ્રષ્ટાચાર વિરોધી એકમના ડિરેક્ટર તથા ભૂતપૂર્વ પોલીસ વડા કેશવકુમાર હતા. આ સેમિનારનું ધ્યેય સ્પર્ધા, ભ્રષ્ટાચાર, ટેકનોલોજી અને છેતરપિંડીના યુગમાં કારોબારને સલામત રાખવાનું અને તેની વૃદ્ધિ કરવાનું છે.

આઇપીએસ ઓફિસર કુમાર ગયા વર્ષે નિવૃત્ત થયા હતા. તેઓએ છેતરપિંડીને પકડી પાડવી અને તેમા ફોરેન્સિકની ભૂમિકા પરનો તેમનો અનુભવ શેર કર્યો હતો. કુમારે જણાવ્યું હતું કે ગુજરાતમાં ધંધાકીય વાતાવરણ સારું હોવાથી અહીં આ પ્રકારની જરૂરિયાત વધારે વર્તાય છે.

તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેમના દ્વારા પૂરી પાડવામાં આવેલી વિગતો રાજ્યના લોકોને છેતરપિંડી સામે સાવધ રહેવામાં મદદ કરશે. પ્રારંભિક સંબોધનમાં કુમારે જણાવ્યું હતું કે મને પોતાને ફોરેન્સિક્સમાં ઘણી બધી શ્રદ્ધા છે. મને લાગે છે કે ગુજરાતમાં દરેક જણ જાણે બિઝનેસમેન જ છે, પછી તે નાની ચાની કિટલીવાળાથી લઈને મોટા શો રૂમનો માલિક કેમ ન હોય. તેઓનો વિશ્વાસ એક ઉદ્યોગપતિ જેવો જ હોય છે. હું માનું છું કે આ સંજોગોમાં રાજ્યમાં આ સમયે આ પ્રકારનો સેમિનાર યોજવો તે એકદમ યોગ્ય સમયે તથા યોગ્ય દિશામાં લેવાયેલું પગલું છે.

તેમણે ભાષણનો પ્રારંભ આર્થિક ગુનાઓ સાથે કર્યો હતો. તેમણે સમજાવ્યું હતું કે કેટલાય ગુના કર્મચારીઓને લગતા હોય છે. આ પ્રકારના ગુનાઓ અટકાવવા હોય તો કર્મચારીને નોકરી પર રાખતા પૂર્વે અને તે છોડીને જાય તેના પછી ચેકિંગ થવું અનિવાર્ય છે. જો કે આ ચેકિંગ આકરી રીતે ન કરતા અમુક યુક્તિઓને અનુસરીને કરવું જોઈએ.

Your email address will not be published.