સરકારી અલગ અલગ નોકરીઓ અપાવવાનું કૌભાંડ ચલાવતા પાંચ સભ્યોની ટોળકી પકડાઇ

| Updated: April 5, 2022 8:20 pm

  • 81 ઉમેદવારો પાસેથી આ ટોળકીએ 3.24 કરોડની માતબર રકમ પડાવી
  • ક્રાઈમ બ્રાંચની ટીમે ત્રણ આરોપીની ધરપકડ કરી, બે ફરાર

અમદાવાદ: ગુજરાત સરકાર દ્વારા યોજાઈ રહેલી સરકારી નોકરીઓની ભરતીઓ અંગે નોકરી ઈચ્છુક ઉમેદવારોને નોકરી અપાવવાના બહાને તેમના પાસેથી મસ મોટી રકમ પડાવતા કૌભાડનો ક્રાઈમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે. રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને ગુજરાતના નોકરી ઈચ્છુક ઉમેદવારોને વિશ્વાસમાં કેળવી અધધ પૈસા પડાવ્યા હતા. ક્રાઈમ બ્રાંચની ટીમે આ કૌભાંડમાં સામેલ 3 આરોપીને ઝડપી પાડ્યા છે, વધુ બે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. રાજ્ય સહિત શહેરોમાં પોતાને અધિકારીઓ સાથે ઓળખાણ છે કહીને પૈસા પડાવતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે.

ગત 4 માર્ચના રોજ ક્રાઇમ બ્રાંચના પીઆઇ ચેતનકુમાર આર જાદવને બાતમી મળી હતી કે, હરીશ પ્રજાપતિ (રહે. સ્વામી વિવેકાનંદ તાલીમ કેન્દ્ર મીઠાના મુવાડા), રવિપ્રતાપસિંગ રાવત(રહે. બિયાવર) અને પુરવીન્દરસિંગ ઉર્ફે કરનલ (રહે. અજમેર) આ ટોળકી રાજસ્થાન, ગુજરાતના અલગ અલગ જિલ્લામાં સરકારી નોકરી વાંચ્છુંક ઉમેદવારોનો મળીને તેમની પાસેથી પૈસાની માંગણી કરી કૌભાંડ ચલાવી રહ્યા છે. માહિતી આધારે ક્રાઇમ બ્રાંચે દહેગામ સર્કલ નજીક આ ટોળકીના બે સદસ્યો મળતા હોવાથી તેમાથી રવિપ્રતાપસિંહ ઓમસિંગ રાવતને પકડી પાડ્યો હતો. તેની પાસેથી એક લેપટોપ, બેગ, મોબાઇલ ફોનમાંથી પીએસઆઇ, લોકરક્ષક, તલાટી કમ મંત્રી, જુનિયર કલાર્ક, આર્મી તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી વાંચ્છુંક ઉમેદવારોના અરજી ફોર્મ તથા ફીની રીસીપ્ટના આધાર પુરાવા મળ્યા હતા.

આરોપીની પુછપરછ કરતા બહાર આવ્યું હતુ કે, વર્ષ 2020થી આજ દિન સુધીમાં મીઠાના મુવાડા સ્વામી વિવેકાનંદ તાલીમ કેન્દ્રના સંચાલક હરીશભાઈ પ્રજાપતિ તથા પુરવીન્દરસિંગ ઉર્ફે કરનરલ ભેગા મળીને અલગ અલગ જીલ્લાઓના વતનીઓ કે જે ગુજરાત રાજ્યમાં સરકારી નોકરી મેળવવા માંગતા હોય તેવા ઉમેદવારોને શોધીને તેમને નોકરી અપાવવાની લાલચ આપીને આધાર પુરાવા મેળવીને ઓનલાઈ ફોર્મ ભરીને નોકરી અપાવવાના બહાને પૈસા પડાવતા હતા. જેના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે સ્વામી વિવેકાનંદ તાલીમ કેન્દ્ર ખાતે જઈને હરીશ પ્રજાપતિ અને પૂજા ઠાકોરને ઝડપી પાડ્યા હતા. ખોટું આઇકાર્ડ બનાવી હોદ્દો ધારણ કરનાર પુરવિન્દરસિંગ ઉ્રપે કરનલ જગજીતસિંહ, શાહરુખ (રહે. ઉત્તરપ્રદેશ) વિરુધ્ધ ક્રાઇમ બ્રાંચના પીઆઇએ ફરિયાદ નોધાવી હતી. પોલીસે 406, 420, 465,467,471,472,170, 120 બી, આઇટીએક્ટ66 ડી હેઠળ ગુનો નોધી તપાસ હાથ ધરી છે. આરોપી હરીશ પ્રજાપતિ તો અગાઉ મહેસાણા ખાતે આર્મીમાં નોકરી અપાવવાની લાલચ આપી રુપિયા પડાવતો હોવાના કેસમાં પકડાયેલો છે.

રબર સ્ટેમ્પ મારી 3 ઉમેદવાર પાસે 25 લાખ પડાવ્યા

આરોપીઓએ પોલીસ સબ ઈન્સ્પેકટરના 1 તથા લોકરક્ષકના 3 ઉમેદવારોને નોકરી આપવાની લાલચ આપીને રૂ.25 લાખ પડાવી લીધા હતા. એટલુ જ નહીં ફીજીકલ પરીક્ષામાં 3 ઉમેદવારો નાપાસ થયા હોવા છતા પાસ કરેલાનો સિક્કો મારી આપ્યો હતો અને 11 ઉમેદવારોના અરજી ફોર્મ મુદત વીતી ગયા બાદ પણ ભર્યા હતા. સાથે જ અલગ અલગ રબ્બર સ્ટેમ્પ મારીને ફીજકલ એડમીટ કાર્ડ ઉમેદવારોને આપી ભરોસો કેળવતા હતા.

81 ઉમેદવારો પાસેથી 3.24 કરોડ રૂપિયા પડાવ્યા હતા.

અલગ અલગ ભરતીઓના નામે કુલ 81 ફોર્મ તેમના પાસે મળ્યા છે. જેમાં રાજસ્થાનના 60, ઉત્તરપ્રદેશના 4 અને ગુજરાત રાજ્યના 17 ફોર્મ મળી આવ્યા હતા. આરોપીઓએ 81 ઉમેદવારો પાસેથી રૂ.3.24 કરોડ જેટલી રકમ મેળવીને વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હતી. સાથે જ ગુજરાત પોલીસ સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતો ન હોવા છતાં ખોટુ ઓળખકાર્ડ બનાવી હોદ્દો ધારણ કરીને લોકોને વિશ્વાસમાં કેળવતા હતા.

આરોપીઓ કઈ પોસ્ટ માટે કેટલા રૂપિયા પડાવતા હતા

  • પોલીસ સબ ઈન્સપેક્ટરના ઉમેદવાર દીઠ 10 લાખ રૂપિયા
  • એલ.આર.ડી પુરુષ ઉમેદવાર દીઠ 5 લાખ રૂપિયા
  • એલ.આર.ડી મહિલા ઉમેદવાર દીઠ 4 લાખ રૂપિયા
  • તલાટી કમ મંત્રી વર્ગ – 3 ભરતીના ઉમેદવાર દીઠ 5 લાખ રૂપિયા
  • જુનિયર ક્લાર્ક વર્ગ-3 ભરતીના ઉમેદવાર દીઠ 2.50 લાખ રૂપિયા
  • ઈન્ડીયન આર્મી રિક્રુટમેન્ટ ભરતીના ઉમેદવાર દીઠ 3.50 લાખ રૂપિયા
  • એએમસી દાણીલીમડા અમદાવાદ ભરીતાના ઉમેદવાર દીઠ 1.50 લાખ રૂપિયા

Your email address will not be published.