ભારતની સૌથી મોટી ક્વિઝ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q): 23 દિવસમાં 23 લાખથી વધુ રજીસ્ટ્રેશન

| Updated: July 30, 2022 8:05 pm

રાજ્યમાં જ્ઞાનની ચકાસણી અને વિધાર્થીઓમાં રુચિ આવે એ માટે ભારતની સૌથી મોટી ક્વિઝ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) લોન્ચ કરવામાં આવી છે. રાજયના શિક્ષણ મંત્રીએ આજે અમદાવાદ ખાતે વિધાર્થીઓ અને સમાજ માટે વિશિષ્ટ કાર્ય કરનાર લોકોના સન્માન કાર્યક્રમમાં કવીઝ અભિયાનના વિજેતા વિધાર્થીઓનું પણ સન્માન કર્યું હતું. સમગ્ર રાજયભરમાં સતત 9 અઠવાડિયા સુધી તાલુકા અને વોર્ડ કક્ષાએ ચાલી રહેલ ક્વિઝ અભિયાન દર અઠવાડિયે રવિવારથી શુક્રવાર દરમિયાન રમાય છે અને દર શનિવારે વિજેતા જાહેર કરવામાં આવે છે.

આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યભરમાં 7 જુલાઇથી શરૂ થયેલી ભારતની સૌથી મોટી ક્વિઝ સ્પર્ધા ‘ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q)’ને ગુજરાતના વિદ્યાર્થીઓ અને પ્રજાજનો દ્વારા ખૂબ જ બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળી રહ્યો છે. માત્ર 23 દિવસમાં જ 23 લાખથી વધુ રજીસ્ટ્રેશન નોંધાયા છે. સતત 9 અઠવાડિયા સુધી તાલુકા અને વોર્ડ કક્ષાએ ચાલનાર આ ક્વિઝ અભિયાનમાં પ્રથમ અઠવાડિયામાં 4 લાખથી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જ્યારે બીજા અઠવાડિયામાં 3.63 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે, જેનાથી એક નવો રેકોર્ડ બન્યો છે. જેની પરીણામે ક્વિઝના ત્રીજા અઠવાડિયામાં 2.65 લાખ વિદ્યાર્થી સ્પર્ધકોએ ભાગ લઇને પોતાની પ્રતિભાને ઉજાગર કરી છે.

આ અભિયાન અંતર્ગત ત્રીજા સપ્તાહમાં શાળા કક્ષાના 1,72,153થી વધુ કોલેજ કક્ષાના 52,390 થી વધુ વિધાર્થીઓએ અને અન્ય 41,158 પ્રજાજનોએ ક્વિઝમાં ઉત્સાહભેર ભાગ લઇ જ્ઞાનની સરવાણી વહાવી છે. આ ક્વિઝ દર અઠવાડિયે રવિવારથી શુક્રવાર દરમિયાન રમાય છે અને દર શનિવારે વિજેતા જાહેર થાય છે.

તેમણે ઉમેર્યું કે, ત્રીજા સપ્તાહમાં જે ક્વિઝ રમાઈ હતી તેમાં શાળા કક્ષાએ 3892 અને કોલેજ કક્ષાએ 3214 વિધાર્થીઓ અને અન્ય કેટેગરી કક્ષાના 5879 એમ કુલ 12,985 વિજેતાઓ આજે જાહેર થયા છે. જેનું પરિણામ g3q.co.in વેબસાઇટ પર જોઈ શકાશે.

ત્રીજા સપ્તાહમાં રાજ્યની કુલ 8954 શાળાના વિધાર્થીઓએ જ્યારે 2280 કોલેજના યુવાઓએ આ ક્વિઝ મહાઅભિયાનમાં ભાગ લીધો હતો. ત્રીજા સપ્તાહ દરમિયાન ક્વિઝમાં વિધાર્થીઓએ કુલ 3,000થી વધુ પ્રશ્નોનીઝ રમી ભારત તથા ગુજરાત સરકારની પ્રજાલક્ષી યોજનાઓથી માહિતગાર થયાં હતાં. સતત 9 અઠવાડિયા સુધી તાલુકા અને વોર્ડ કક્ષાએ ત્યારબાદ જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ ચાલનાર ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ અભિયાનમાં વિજેતાઓને 25 કરોડથી વધુના ઇનામો તથા સ્ટડી ટુર પ્રાપ્ત થશે.

તાલુકા અને વોર્ડ કક્ષાની G3Q ક્વિઝ માટે આ સ્પર્ધામાં શાળા કક્ષાએ પ્રથમ વિજેતાને રૂ. 2100, બીજા નંબરથી પાંચમાં નંબર સુધીના પ્રત્યેક વિજેતાને રૂ. 1500,છઠ્ઠા નંબરથી દસમાં નંબર ના પ્રત્યેક વિજેતાને રૂ.1000 જ્યારે કોલેજ કક્ષાએ પ્રથમ વિજેતાને રૂ. 3100,બીજા નંબરથી પાંચમાં નંબર સુધીના પ્રત્યેક વિજેતાને રૂ. 2100,છઠ્ઠા નંબરથી દસમાં નંબરના પ્રત્યેક વિજેતાને રૂ.1500 પ્રમાણે બેંકમાં DBT મારફતે ટ્રાન્સફર કરવામાં આવશે. અત્યાર સુધીમાં રાજ્યના 4600 થી વધુ વિજેતા વિદ્યાર્થીઓના ખાતામાં DBT મારફતે રુ. 76,76,600 ઇનામ પેટે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

Your email address will not be published.