થોડા સમય પહેલા દેશને હચમચાવી નાખનાર ગેઇનબિટકોઇન ક્રિપ્ટોકરન્સી કૌભાંડ ધારણા કરતાં ઘણું મોટું હોવાનું બહાર આવી રહ્યું છે. અહેવાલો મુજબ આશરે એક લાખ લોકોએ આ કૌભાંડમાં 1 ટ્રિલિયનથી વધુ રૂપિયા ગુમાવ્યા છે. કૌભાંડનો ભોગ બનનારા લોકો દ્વારા મહારાષ્ટ્રમાં જ 13થી વધુ સહિત કુલ 40 એફઆઈઆર નોંધવામાં આવી હતી.અન્ય રાજ્યોમાં પણ મોટી સંખ્યામાં લોકો તેનો ભોગ બન્યા હોવાની શકયતા છે.
60,000 યુઝર આઇડી અને ઇમેઇલ એડ્રેસ ટ્રેસ કરાયા. આ વર્ષની શરૂઆતમાં કાર્ડિયાક અરેસ્ટથી મૃત્યુ પામેલા મુખ્ય સૂત્રધાર અમિત ભારદ્વાજે 3,85,000થી 6,00,000 સુધીના પણ બિટકોઇન્સ એકઠા કર્યા હશે, જેની કિંમત એક ટ્રિલિયન રૂપિયાથી વધુ છે. આ રકમ વધુ કે ઓછી હોઇ શકે છે કારણ કે બિટકોઇનના ભાવ બદલાતા રહે છે અને ગયા વર્ષે નવેમ્બરમાં તેનાં ઓલ-ટાઇમ હાઇ 68,000 ડોલરથી ઘટીને અત્યારે તેનો ભાવ 21,000 ડોલરની આસપાસ છે. બિટકોઇનની હાલની કિંમત આશરે 23,57,250 રૂપિયા છે, તે જોતાં કૌભાંડની કુલ રકમ લગભગ 90,500 કરોડ રૂપિયા સુધી પહોંચી જાય છે.
અનેક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અત્યાર સુધીમાં, ગેઇનબિટકોઇન કેસમાં પુણે પોલીસ દ્વારા 60,000 થી વધુ યુઝર આઇડી અને ઇમેઇલ એડ્રેસ ટ્રેસ કરવામાં આવ્યા છે. મોટાભાગની પોન્ઝી સ્કીમ્સની જેમ ગેઇનબિટકોઇનમાં પણ પિરામિડ, મલ્ટિલેવલ માર્કેટિંગ સ્કીમ હતી, જેમાં અમિત ભારદ્વાજ મુખ્ય સુત્રધાર હતો અને બાદ તેમના ‘સેવન સ્ટાર્સ’ ભારત અને વિદેશમાં કામ કરતા હતા. તેમણે મલ્ટિલેવલ માર્કેટિંગ પ્રોગ્રામ્સ દ્વારા 18 મહિના માટે બિટકોઇન-ઓન-બિટકોઇન ડિપોઝિટમાં 10 ટકા માસિક વળતરની ખાતરી આપી હતી.જો કે, બિટકોઇનની ઓછા હોવાથી આ મોડેલ ખોટું હતું અને ઘણા રોકાણકારોને ખ્યાલ આવ્યો કે તેઓએ ગંભીર ભૂલ કરી છે જોકે ત્યાં સુધીમાં મોડુ થઇ ગયું હતું.
અમિત ભારદ્વાજના ભાઈ પર સૌની નજર હાલ સૌની નજર અમિત ભારદ્વાજના ભાઈ અને ગેનબીટકોઈન કૌભાંડના મુખ્ય આરોપી અજય ભારદ્વાજ પર છે. માર્ચમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ સુપ્રીમ કોર્ટને રજુઆત કરી હતી કે ગેઇનબિટકોઇન કૌભાંડના એક આરોપીનાં ક્રિપ્ટો વોલેટમાં એક્સેસ, તેમજ યુઝરનેમ અને પાસવર્ડ મેળવવા માટે નિર્દેશો જારી કરવામાં આવે, અને દલીલ કરવામાં આવી હતી કે આ મામલે “ક્રિપ્ટો કરન્સીની કાયદેસરતા” નો મુદ્દો ઉપસ્થિત થતો નથી, કારણ કે તે પોન્ઝી સ્કીમ છે.
ઇડીના સોગંદનામામાં જણાવવામાં આવ્યું છે કે, અત્યાર સુધી કરવામાં આવેલી તપાસમાં બહાર આવ્યું છે કે અમિત ભારદ્વાજ (જેઓ આ વર્ષે જાન્યુઆરીમાં મૃત્યુ પામ્યા હતા) અરજદાર, વિવેક ભારદ્વાજ, મહેન્દ્ર ભારદ્વાજ અને મલ્ટિ-લેવલ માર્કેટિંગ એજન્ટો સહિત અન્યોની મિલીભગતથી 80,000 બિટકોઇન એકત્રિત કરાયા છે. ઇડીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે અરજદારના ભાઈનું અવસાન થયું છે, અને તેની પાસે ક્રિપ્ટો વોલેટના યુઝરનેમ અને પાસવર્ડ છે, જે તપાસ અધિકારીને જાહેર કરવા આવશ્યક છે. અરજદારના વકીલે રજૂઆત કરી હતી કે કેટલીક સામગ્રી પુણે પોલીસની કસ્ટડીમાં છે.
સુપ્રીમ કોર્ટે અજય ભારદ્વાજને ક્રિપ્ટોકરન્સી વોલેટ્સના યુઝરનેમ અને પાસવર્ડની વિગતો ઇડીને જણાવવાના તેના નિર્દેશનું પાલન ન કરવા બદલ ઝાટકણી કાઢી હતી. આરોપીઓના કેટલાક ક્રિપ્ટો વોલેટ્સ હજી સુધી શોધી શકાયા નથી. આ મહિનાની શરૂઆતમાં ઇડીએ આ કૌભાંડમાં દિલ્હી સહિત છ સ્થળોએ દરોડા પાડ્યા હતા. અહેવાલો અનુસાર, તપાસ એજન્સીએ અનેક ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ અને દસ્તાવેજો જપ્ત કર્યા હતા. દિલ્હીની એક લો ફર્મ સાથે સંકળાયેલા અસંખ્ય અધિકારીઓ અને વકીલોનાં ત્યા પણ દરોડા પાડવામાં આવ્યા હતા.