ગાંધીનગરવાસીઓ પણ હવે રિવરફ્રન્ટનો લ્હાવો ઉઠાવી શકશે

| Updated: April 13, 2022 2:06 pm

અમદાવાદઃ હવે બધુ સમુસૂતરુ પાર પડ્યું તો ગાંધીનગરવાસીઓ પણ રિવરફ્રન્ટનો આનંદ ઉઠાવી શકશે એટલું જ નહી રિવરફ્રન્ટના માર્ગે સીધા અમદાવાદ પણ આવી શકશે. સાબરમતીના બંને કાંઠે રિવરફ્રન્ટ વિકસાવવાના આયોજનને નવ વર્ષ પછી હવે તેને છેક ગિફ્ટ સિટી સુધી લંબાવવાના આયોજને વેગ પકડ્યો છે.

નર્મદા વોટર રિસોર્સીસ વોટર સપ્લાય એન્ડ કલ્પસર ડિપાર્ટમેન્ટે પીડીપીયુ બ્રિજથી શાહપુર બ્રિજ સુધીના 9.3 કિ.મી.ના સ્ટ્રેચને વિકસાવવા માટે બિડ મંગાવ્યા છે. તેને અમદાવાદનો વર્તમાન રિવરફ્રન્ટ જ્યાં પૂરો થાય છે ત્યાંથી વિકસાવવામાં આવશે. પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનો અંદાજ 353.58 કરોડ છે.

આ વાતને સમર્થન આપતા વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રોજેક્ટમાં વર્તમાન રિવરફ્રન્ટના કેટલાક પાસા સ્વીકારવામાં આવશે. તેમા નીચા પ્રોમેનડ્સથી લઈને ઊંચી દીવાલનો સમાવેશ થાય છે. નદીકાંઠાની બંને બાજુએ ચાર ઘાટ હશે. નદીના બંને કાંઠેથી ગિફ્ટ સુધી પહોંચી શકાય તે માટેના પાંચ પોઇન્ટ હશે. લોકો રિવરફ્રન્ટથી ધોળેશ્વર મંદિર, રાયસણ ગામ અને રાંદેસણ ગામ સુધી જઈ શકશે.

આ ઉપરાંત જે લોકો ઇન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ (આઇએસઆર) અને આઇઆઇટી ગાંધીનગરના કેમ્પસમાં રહે છે તેઓને પણ રિવરફ્રન્ટનું સીધું એક્સેસ મળશે, એમ વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. આ પ્રોજેક્ટમાં પબ્લિક સ્પેસ અને કોમર્સિયલ સ્પેસની ફાળવણી અંગે અધિકારીએ જણાવ્યું હતું કે સ્પેશ્યલ ગવર્નિંગ કાઉન્સિલ રિવરફ્રન્ટ પર ડેવલપમેન્ટ માટે પોલિસી ઘડવા જવાબદાર હશે.

આ પ્રોજેક્ટ શરૂ કર્યા પછી તેને બે વર્ષના સમયગાળઆમાં પૂરો કરવાનો હશે, એમ તેના બિડ ડોક્યુમેન્ટમાં જણાવાયું છે. તેના બિડ બે સપ્તાહમાં ખૂલશે. વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે અમદાવાદનો 11.2 કિ.મી.નો રિવરફ્રન્ટ હાંસોલ ઇન્દિરા બ્રિજે પૂરો થાય છે. આગળ હાંસોલમાં અમદાવાદ શહેરનો પંદર દિવસ ચાલે તેટલું મોટું જળાશય બનાવવામાં આવશે. સિંચાઈ વિભાગ આ જળાશયની ડિઝાઇનને અંતિમ સ્વરૂપ આપી રહ્યો છે. અમદાવાદનો રિવરફ્રન્ટ પૂરો થયાને થોડા જ આગળ ગિફ્ટ કોરિડોર સાથેનો ગાંધીનગરને જોડતો રિવરફ્રન્ટ બનશે. આમ ભવિષ્યમાં અમદાવાદ અને ગાંધીનગરના રિવરફ્રન્ટને જોડી દેવામાં આવશે. આમ બંનેના શહેરીજનો સળંગ 23 કિ.મી.ની મુસાફરીનો આનંદ માણી શકશે.

અધિકારીઓએ ઉમેર્યુ હતું કે ગિફ્ટને સાંકળતા રિવરફ્રન્ટના ઘાટના મોટા વિસ્તારો નૈસર્ગિક સૌંદર્યથી ભરપૂર હશે અને તેમા કોંક્રિટનો ઉપયોગ બને તેટલો ટાળવામાં આવશે.

Your email address will not be published.