વડોદરાઃ પંચમહાલ પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)એ તાજેતરના ઇતિહાસમાં કરેલી સૌથી મોટી ધરપકડમાં મધ્યપ્રદેશની ગેંગની ધરપકડ કરી છે. આ ગેંગ ગુજરાતના અનેક જિલ્લાઓમાં સક્રિય હતી. તેના લીધે કેટલીય ઘરફોડ ચોરીઓ, વાહન ચોરીઓ અને અન્ય ગુનાઓનો પર્દાફાશ થશે તેમ માનવામાં આવે છે.
એલસીબીને બાતમી મળી હતી કે ત્રણ શખ્સ પ્યારસિંગ ઉર્ફે પ્રેમસિંગ અલાવા, મગરસિંગ અજનાર અને મુકેશ અલાવા દાહોદથી પંચમહાલ પિક-અપ ટ્રકમાં આવી રહ્યા છે. પોલીસે આ ટ્રકને આંતરી હતી અને શંકાસ્પદોને સોના-ચાંદીના ઝવેરાત, સિલ્વરવેર, લેપટોપ, બે મોબાઇલ ફોન અને રોકડ સાથે પકડ્યા હતા. ટ્રકમાંથી પકડાયેલા માલસામાનનું મૂલ્ય 4.6 લાખ થતું હતું.
તેના પછી પ્રકાશમાં આવ્યું હતું કે પકડાયેલા શંકાસ્પદો મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં કુક્ષી તાલુકાના કાકડવા ગામ ખાતેની ગેંગના સભ્યો હતા. તેઓએ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં લૂંટ, ચોરી, વાહન ચોરી અને અન્ય સહિત 32 ગુનાની કબૂલાત કરી હતી. તેઓએ અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામીણ, પંચમહાલ, ગાંધીનગર, ખેડા, કચ્છ, ભરૂચ, રાજકોટ, ભાવનગર, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં ગુના આચર્યા હતા.
પોલીસનો દાવો હતો કે તેઓએ વિવિધ ગુનામાં કરેલી ચોરીઓનું કુલ મૂલ્ય એક કરોડ રૂપિયા થાય છે. ગેંગના સભ્યો રાજ્યમાં એસટીની બસ કે ખાનગી બસમાં જતા હતા. તેઓ શહેરોની બહાર આવેલા કે ગ્રામીણ વિસ્તારોના મકાનોને લક્ષ્યાંક બનાવતા હતા. તેમા પણ તે બંધ મકાનો પર તો ખાસ નજર રાખતા હતા.
તેઓ જે વિસ્તારમાં જે તે ઘરમાં ચોરી કરતા તે વિસ્તારને તરત જ છોડી દેતા હતા અને પછી ત્યાં કદી પાછા ફરતા ન હતા. તેના લીધે તેમને પકડવા વધારે મુશ્કેલ બની જતા હતા. તેઓએ આ જ મોડસ ઓપરેન્ડી કાર અને બાઇક જેવા વાહનોની ચોરીમાં પણ અપનાવી હતી, તેમા પણ તે ચોરી કર્યા પછી તે વિસ્તારમાં ફરીથી ફરકતા ન હતા અને ચોરાયેલું વાહન બીજા વિસ્તારમાં વેચી દેતા હતા. ઘણી વખત તો તે આ વાહનોને બસ સ્ટેન્ડની નજીક છોડી દેતા હતા.