ડીસા નગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલ અઢી કરોડનો બગીચો બળીને ખાખ

| Updated: April 11, 2022 6:19 pm

ડીસા નગરપાલિકા દ્વારા વિવાદિત જગ્યા 2018માં અઢી કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલો બગીચો આજે બપોર બાદ અગમ્ય કારણોસર આગ લગતા બળીને રાખ થઈ ગયો છે. આ આગ કેવી રીતે લાગી તે અંગે કોઈ જ માહિતી મળી નથી. પરંતુ આગની ઘટના બનતા લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. અને પાલિકાના ફાયર ફાઇટરની ટીમે ઘટનાસ્થળ પહોંચી પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગ પર કાબૂ મેળવવામાં આવે તે પહેલા જ આખે આખો બગીચો આગની ચપેટમાં આવી ગયો હતો અને બળીને રાખ થઈ ગયો હતો.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, વર્ષ 2018માં ડીસા નગરપાલિકા દ્વારા અઢી કરોડના ખર્ચે હવાઈ પિલલર મેદાન નજીક આવેલી જમીન પર બગીચો બનાવવામાં આવ્યો હતો. આ બગીચાનું નામ નાનાજી દેશમુખ ગાર્ડન રાખવામા આવ્યું હતું. બગીચો તૈયાર થયો ત્યારથી જ વિવાદનું કેન્દ્ર બન્યો હતો. તત્કાલિન કલેક્ટર દ્વારા આ બગીચો જ્યાં તૈયાર કરવામાં આવ્યો હતો તે જગ્યા બિન નંબરી જગ્યા હોવાના લીધે પાલિકાએ મંજૂરી વગર બગીચો બનાવી દેતા બગીચાના લોકાર્પણ પર સ્ટે લાવી દીધો હતો.

ત્યારબાદ નગરજનોની સુવિધા માટે તૈયાર થયેલા આ બગીચાને શરૂ કરવા માટે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં રાજકીય કારણોસર બગીચો બંધ રહ્યો હતો. લોકો દ્વારા આ બગીચાને ખુલ્લો મૂકવા માટે અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી. છેલ્લા ચાર વર્ષથી અનેક સંગઠનો પણ બગીચાને ખુલ્લો મૂકવાની માંગ કરી રહ્યા હતા. તેમ છતાં બગીચો ખુલ્લો મૂકવામાં આવ્યો ન હતો. ત્યારે આજે લોકોની આ માંગ પર હંમેશા માટે પૂર્ણ વિરામ લાગી ગયો છે.

આજે બપોરના સમયે અચાનક બગીચામાં આગ લાગી હતી. જોત જોતામાં આ આગે ભીષણ સ્વરૂપ લઈ લીધું હતું અને સમગ્ર બગીચામાં આગ ફેલાઈ ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં લોકો પણ ઘટનાસ્થળ પહોંચી ગયા હતા અને ડીસા નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચીને પાણીનો મારો ચલાવીને આગ બુજવવાના પ્રયાસોમાં લાગી ગઈ હતી. પરંતુ આગ પર કાબૂ મેળવવામાં આવે તે પહેલા જ આગ આખે આખા બગીચામાં ફેલાઈ ગઈ હતી અને સમગ્ર બગીચો બળીને રાખ થઈ ગયો હતો. આ ઘટના બનતા અમારી ટીમ પણ ઘટનાસ્થળ પહોંચી હતી અને બગીચામાં લાગેલી ભીષણ આગ વચ્ચે અમારા સંવાદદાતાએ પહોંચીને બગીચામાં આગ લાગ્યા બાદ કેવો માહોલ હતો તેની તસ્વીરો કેમેરામાં કેદ કરી હતી.

( અહેવાલ: હરેશ ઠાકોર,બનાસકાંઠા )

Your email address will not be published.