ગૌતમ થાપરની કંપની ક્રોમ્પ્ટન ગ્રિવ્ઝને કોઈ પણ કરાર કર્યા વગર કે મિલ્કતો જામીન મુક્યા વગર ચાર કરોડ ડોલરની લોન મળી છે.
ગૌતમ થાપર અત્યારે વિવાદાસ્પદ કારણોથી ફરી ચર્ચામાં છે. થાપર અને બીજા એક્ઝિક્યુટિવ્સ સામે 486 કરોડ રૂપિયાની લોનમાં છેતરપિંડીનો કેસ દાખલ થયો છે. તપાસ અહેવાલ પ્રમાણે ચાર કરોડ ડોલરની લોનમાં ગ્રૂપ કંપનીઓ અને બેન્કોએ સંભવિત નાણાકીય ગોટાળો કર્યો હોવાની શક્યતા છે.
ઓક્ટોબર 2017માં થાપરની સીજી પાવરે કંપનીમાં રૂ. 2,435 કરોડના લોન કૌભાંડની જાહેરાત કરી હતી. આ લોન યસ બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક અને બીજી બેન્કોના કોન્સોર્ટિયમ દ્વારા આપવામાં આવી હતી. સેબીને તેની તપાસમાં જાણવા મળ્યું હતું કે બેન્કો દ્વારા પૂરતી ચકાસણી (ડ્યુ ડિલિજન્સ) કર્યા વગર સીજી પાવર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સોલ્યુશન્સની પેટા કંપની સીજી મિડલ ઇસ્ટ FZE (CGME)ને ચાર કરોડ ડોલરની લોન આપવામાં આવી હતી. સેબીની તપાસ પ્રમાણે ઋણધારક કે ગેરંટર વગર લોન મંજૂર કરવામાં આવી હતી. લોન મંજૂર કરાયાના આઠ મહિના પછી એસાઇનમેન્ટ કરાર રયાયો હતો.
તપાસમાં ઇન્ડસઇન્ડ બેન્કના ટ્રાન્ઝેક્શન માળખા વિશે પણ જાણવા મળ્યું હતું, જેમાં એક અનલિસ્ટેડ કંપની (જાબુઆ પાવર)ને લોન અપાઈ હતી, જે સીજી પાવરના ભૂતપૂર્વ પ્રમોટર્સ અવંથા ગ્રૂપનો હિસ્સો છે. અનલિસ્ટેડ કંપનીને ફોરેન કરન્સીમાં લોન અપાઈ હતી અને ત્યાર પછી અવંથા ગ્રૂપની વિવિધ કંપનીઓને નાણાં અપાયા હતા. ત્યાર બાદ અંતે જાબુઆ પાવરને રૂપિયામાં ચુકવણી થઈ હતી.
સમગ્ર સોદાની પદ્ધતિના કારણે લોનના સ્ટ્રક્ચર અને બેન્કોની ક્રેડિટ ચકાસણીની પદ્ધતિ અંગે શંકા જાગી છે. બેન્કિંગ નિયમનમાં ભારતીય કંપનીઓને વર્કિંગ કેપિટલ માટે ફોરેન કરન્સીમાં ફંડ એકત્ર કરવાની છૂટ છે કે નહીં તેના કાનૂની સવાલ પેદા થયા છે. દરમિયાન, સીબીઆઈના સૂત્રોએ થાપર અને અન્ય લોકો સામે યસ બેન્કની ફરિયાદના આધારે નવો કેસ દાખલ થયો હોવાની વાતની પુષ્ટિ આપી હતી.