ગિફ્ટ સિટી બનશે ગ્લોબલ ફાયનાન્સ હબ; પ્રધાનમંત્રી મોદી 15 જુલાઇએ કરાવશે વૈશ્વિક સંસ્થાઓનો ઔપચારિક પ્રારંભ

| Updated: July 5, 2022 9:33 am

ગુજરાતમાં ગિફ્ટ સિટીને ગ્લોબલ ફાયનાન્સ માટેનું ભારતીય હબ બનવાની દિશામાં બહુ મોટો વેગ મળશે કારણ કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 જુલાઈના રોજ ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટર (આઇએફએસસી) ખાતે જેપી મોર્ગન ચેઝ, ડોઇશ બેંક અને જાપાનની એમયુએફજીની કામગીરીનો ઔપચારિક પ્રારંભ કરાવે તેવી શક્યતા છે.

આ સંસ્થાઓ વૈશ્વિક લોન અને ડેરિવેટિવ્ઝ માર્કેટમાં કેટલીક સૌથી મોટી સંસ્થાઓ પૈકીની એક છે જેની કામગીરી ટ્રિલિયન ડોલરની છે.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે.પરંતુ પીએમના અન્ય કાર્યક્રમોના આધારે કાર્યક્રમનાં સમયમાં ફેરફાર થઇ શકે છે તેમ જાણકાર સુત્રોએ જણાવ્યું હતું.

દરમિયાન, ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટી (આઇએફએસસીએ) ના ટોચના અધિકારીઓ અને ગિફ્ટ સિટીમાં શોપ ખોલનાર વિદેશી બેંકોનું 10 સભ્યોનું પ્રતિનિધિમંડળ હાલમાં લંડનમાં છે, જે આંતરરાષ્ટ્રીય રોકાણકારોને લાવવા પ્રયાસ કરી રહ્યું છે.તેઓ લંડનમાં 150 જેટલા રોકાણકારોને મળે તેવી શકયતા છે.

ગિફ્ટ સિટી, જેપી મોર્ગન, ડોઇશ બેંક અને આઇએફએસસીએ કે જે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં બિઝનેસનું નિયમન પણ કરે છે, તેમણે આ અંગે કોઇ ટિપ્પણી કરી નથી. એમયુએફજીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષના પહેલા ભાગમાં અમારી બ્રાન્ચ ખોલવાનું આયોજન છે.સુપ્રાનેશનલ લેન્ડર ન્યૂ ડેવલપમેન્ટ બેન્ક પણ કામગીરી શરૂ કરશે.

વડા પ્રધાન વૈશ્વિક રોકાણકારોને આકર્ષે તેવા કેટલાક પ્લેટફોર્મનું ઉદઘાટન પણ કરી શકે છે. જેમાં સ્થાનિક ખેડૂતોને તેમના ઉત્પાદન માટે આંતરરાષ્ટ્રીય ખરીદદારો મળે તે માટે ‘એગ્રીટેક’ અને ઓછા માનવીય હસ્તક્ષેપો સાથે લોન એપ્લિકેશનની ડિજિટલ પ્રોસેસ માટેનાં ફિનટેક પ્લેટફોર્મનો સમાવેશ થાય છે.રોગચાળા પછી ગિફ્ટ સિટી ઝડપથી આગળ રહ્યું છે, જેમાં બિઝનેસ વોલ્યુમમાં તીવ્ર વધારો થયો છે.

જાણકાર સુત્રોનાં  જણાવ્યા પ્રમાણે, એપ્રિલ 2015 થી સપ્ટેમ્બર 2020 દરમિયાન આશરે  129 કંપનીઓએ ત્યાં શોપ ખોલી હતી. ત્યારથી અત્યાર સુધીમાં 180થી વધુ કંપનીઓએ ગિફ્ટ સિટીમાં પોતાનો બેઝ ઊભો કર્યો છે.
આઈએફએસસીએ ચાલુ નાણાકીય વર્ષ 2023માં ઓછામાં ઓછી 400 અરજી આવે તેમ માને છે.  જૂનના અંત સુધીમાં લગભગ 50 અરજીઓ મળી ચૂકી છે.આઇએફએસસીએએ જાણીતી ફિનટેકમાંથી લગભગ પાંચ અરજીઓને શોર્ટલિસ્ટ કરી છે.રિઇન્સ્યુરન્સ અને એરક્રાફ્ટ લીઝિંગ બેંકિંગ સિવાયના મહત્વનાં બિઝનેસ છે જેના પર ગિફ્ટ સિટીના અધિકારીઓ ખાસ ધ્યાન આપી રહ્યા છે.

ગિફ્ટ સિટીની મુલાકાત દરમિયાન વડા પ્રધાન ઉદ્યોગ જગતનાં પ્રતિનિધિઓને પણ મળે તેવી શકયતા છે.આઈએફએસસીએના ચેરમેન ઈન્જેતી શ્રીનિવાસે જણાવ્યું હતું કે, ઓનશોર અને ઓફશોર એમ બંને પ્રકારના 50થી વધુ ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ ગિફ્ટ સિટીમાં આવી રહ્યા છે.

વડાપ્રધાન મોદીએ છેલ્લે વર્ષ 2017માં ગિફ્ટ સિટીની મુલાકાત લીધી હતી, ત્યારે બીએસઈની એક શાખા ઇન્ડિયા આઇએનએક્સ ગ્લોબલે ત્યાં પોતાનો બેઝ બનાવ્યો હતો. 

Your email address will not be published.