ભારતની આર્થિક મહાશક્તિ તરીકે અમાપ સંભાવનાઓનો આધાર બનશે ગિફ્ટ સિટીઃ મોદી

| Updated: July 29, 2022 5:29 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ બુલિયન એક્સ્ચેન્જનું ઉદઘાટન કરતા જણાવ્યું હતું કે ભારતની ઉભરતી આર્થિક મહાશક્તિનું પ્રતીક આ ગિફ્ટ સિટી બન્યું છે. ગિફ્ટ સિટીમાં હાલમાં કમસેકમ ચાર વિદેશી રેગ્યુલેટરોએ તેમની ઓફિસ સ્થાપવાના એમઓયુ કર્યા છે. આજે ગિફ્ટ સિટી વૈશ્વિક નાણાકીય બજારોની સમકક્ષ બની ગયુ હોવાનું વડાપ્રધાને જણાવ્યું હતું.

તેમણે કહ્યુ હતું કે આ ગિફ્ટ સિટીની પરિકલ્પના 2008માં વૈશ્વિક મહામંદી વખતે કરવામાં આવી હતી. આજે ગિફ્ટ સિટી ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસનું જબરજસ્ત કેન્દ્ર બન્યું છે. એક સમય હતો જ્યારે ગુજરાતમાં આવતા લોકો ગિફ્ટ સિટીના બિલ્ડિંગને ગુજરાતનું સૌથી મોટું બિલ્ડિંગ કહેતા હતા. તે સમયે ગિફ્ટ સિટીની ફક્ત આ જ ઓળખ હતી. આજે ગિફ્ટ સિટી ભારતના અર્થતંત્રમાં મહત્વનું પ્રદાન કર્યુ છે. ગિફ્ટ સિટી આજે ભારતમાં વૈશ્વિક અર્થતંત્રને જોડતે મહત્વનો ગેટવે છે. ગિફ્ટ સિટી સાથે જોડાવવું એટલે વૈશ્વિક અર્થવ્યવસ્થા સાથે જોડાવવું.

તેમણે જણાવ્યું હતું કે ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સ્ચેન્જ તે ભારતની ભાવિ વ્યાપારીક તૈયારીના ભાગરૂપે લેવાયું છે. સોનું ભારતમાં મહિલાઓની આર્થિક શક્તિનું મોટું માધ્યમ રહ્યુ છે. મહિલાઓના વિશેષ સ્નેહના લીધે સોનુ આપણા સમાજ અને સાંસ્કૃતિક વ્યવસ્થાનો હિસ્સો રહ્યું છે. તેના લીધે ભારત આજે સોના-ચાંદીનું સૌથી મોટું બજાર છે. ગિફ્ટ સિટીમાં આઇઆઇબીએક્સ જ્વેલરી માર્કેટ અને ટ્રેડિંગનું હબ બનશે. બુલિયન માર્કેટ માટે સ્પોટ ડિલિવરી માટે મંજૂર મળશે. જ્વેલરી ઉત્પાદકો અને નિકાસકારો માટે હબ મળશે. ગિફ્ટ સિટીમાં તેઓ સોના-ચાંદીનો કારોબાર કરીને ભાવસંશોધનનો હિસ્સો બનશે. બીડીઆર જારી કરવા માટે પણ મળશે. બીડીઆર ઇશ્યુ દ્વારા બુલિયન સ્ટોર કરવા મંજૂરી મળશે. આઇએફએસસીમાં સોના અને ચાંદીના સંગ્રહની પણ ક્ષમતા છે. આઇએફએસસી સોનાનું નાણાકીયકરણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

તેમણે આ પ્રસંગે સિંગાપોરનો ખાસ આભાર માન્યો હતો અને બંને દેશોની નાણાકીય સંસ્થાઓ ગિફ્ટ સિટીમાં સંયુક્ત રીતે આગળ વધે તેમ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ભારતમાં રેકોર્ડ બ્રેક એફડીઆઇ આવી રહ્યુ છે. તેમણે જણાવ્યું હતું કે આજે 21મી સદીમાં ફાઇનાન્સ અને ટેકનોલોજી એકબીજા સાથે જોડાયેલા છે. તેથી જ ભારતમાં ફિનટેકનો વિકાસ થયો છે. આજે ભારત રિયલ ટાઇમ ડિજિટલ પેમેન્ટમાં સૌથી વધુ 40 ટકા હિસ્સો ભારતનો છે. તેની સાથે તેમણે ભારતીય ફિનટેક કંપનીઓને ગિફ્ટ સિટીનો ઉપયોગ કરીને સસ્ટેનેબલ ફાઇનાન્સિયલ સિસ્ટમ અને સમાવિષ્ટ નાણાકીય ટેકનોલોજીના મોરચે વધારે સંશોધનનો અનુરોધ કર્યો હતો. ટેકનોલોજીના લીધે ભારતની વસ્તીનો મોટો હિસ્સો નાણાકીય સમાવેશિતાનો હિસ્સો બન્યો છે. નાણાકીય સાક્ષરતાની સાથે નાણાકીય શિક્ષણના વ્યાપની અમાપ સંભાવનાઓ છે. ભારતમાં મ્યુચ્યુઅલ ફંડની એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) 2014માં દસ લાખ કરોડ હતી આજે આઠ વર્ષની અંદર તે 250 ટકા વધીને 35 લાખ કરોડ થઈ છે.

Your email address will not be published.