આજકાલ ઓનલાઇન નોકરીઓ અને તગડા પગારની લાલચ આપી ઓનલાઇન છેતરપીંડી (Online Fraud) કરવાના કેસો વધી ગયા છે. આવો જ એક બનાવ સુરતમાં બન્યો છે જેમાં નોકરીની લાલચ આપી 2.48 લાખ રૂપિયાની છેતરપીંડી કરી હોવાનો મામલો સામે આવ્યો છે.
ડિંડોલીની કોલેજીયન યુવતીએ એરપોર્ટ પર જોબ મેળવવામાં 2.48 લાખ ગુમાવ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. સુરતના સીતારામનગરમાં રહેતી અને બીકોમનો અભ્યાસ કરતી રાધા યાદવે (22) સોશિયલ મીડિયામાં જોબ સર્ચ કરી બાયોડેટા અપલોડ કર્યો હતો. 2 મે ના રોજ યુવતીને ફોન પર એરપોર્ટ પર નોકરીની ઓફર કરી હતી. ત્યારબાદ ઠગ ટોળકીએ ઓનલાઇન પરીક્ષા, ટ્રેનીંગ, લેપટોપ અને બોન્ડના નામે 2.48 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ મામલે પોલીસે તાનીયા શર્મા, વિક્રમ, જોની સીંગ અને અમરજીત નામના શખ્સો સામે ચીટીંગનો ગુનો નોંધ્યો છે.
સુરતમાં ઓનલાઇન ફ્રોડના ઘણા કિસ્સાઓ બન્યા છે. એક યુવકને વોટ્સએપ પર અજાણ્યા લોકોએ એક લીંક મોકલી તે લીંક થકી યુનીલીવરના લોગો વાળી બનાવટી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી. જે બાદ યુવકને વિશ્વાસમાં લઈને એપ્લિકેશનમાં ઇન્વેસ્ટ કરવાથી પ્રોફિટ થશે તેમ જણાવ્યું હતું. યુવકે શરૂઆતમાં નાની રકમ ઇન્વેસ્ટ કરી હતી ત્યારે તેને પ્રોફિટ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ મોટી રકમ ઇન્વેસ્ટ કરાવી યુવક સાથે 3.56 લાખની ઠગાઈ કરવામાં આવી હતી. સુરતની અંદર દરરોજ કોઈને કોઈ સોશિયલ મીડિયા અથવા સાયબર ક્રાઇમનો ભોગ બનતા હોય છે.
આ પણ વાંચો: સાઇબર ફ્રોડનો સૌથી વધુ ભોગ બને છે સીનિયર સિટિઝન્સ; જાણો તેમનાથી બચવા શું કરવું?