એક્સ-બોયફ્રેન્ડને પાછો મેળવવા અમદાવાદની યુવતી આ શું કરી બેઠી?

| Updated: June 26, 2021 9:38 pm

પોતાનો એક્સ-બોયફ્રેન્ડ કોઈ પણ ભોગે પાછો મેળવવા માટે નરોડાની એક 22 વર્ષીય યુવતીએ અનોખી ચાલ રમવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે અમદાવાદ સિટી સાઈબર સેલે તેની ધરપકડ કરી છે.

આરોપી યુવતીએ એક બનાવટી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો ઉપયોગ કરીને પોતાના એક્સ-બોયફ્રેન્ડની મંગેતરના મોર્ફ્ડ નગ્ન ફોટા અપલોડ કર્યા હતા. સાઇબર સેલના સૂત્રોનું કહેવું છે કે જે યુવતીના ફોટા મુકવામાં આવ્યા છે તેના મંગેતર સાથે આરોપી યુવતીના સંબંધ હતા.

સાઇબર સેલના અધિકારીએ કહ્યું કે, “યુવક અને યુવતી વચ્ચે સંબંધ હતા, પરંતુ તેમના પરિવારજનોને ખબર પડી ત્યારે તેઓ છુટા પડી ગયા. ત્યાર પછી યુવકે બીજી યુવતી સાથે સગાઈ કરી લીધી. તેના કારણે આરોપી યુવતી ગુસ્સે ભરાઈ હતી.”

ઇન્સ્પેક્ટર એચ એમ પુવારે જણાવ્યું કે, “આરોપી યુવતી પહેલેથી એક્સ-બોયફ્રેન્ડના ઇન્સ્ટાગ્રામ આઇડીનું પાસવર્ડ ધરાવતી હતી. તેણે તેની મંગેતરના ફોટા ડાઉનલોડ કર્યા. ત્યાર પછી પોતાનું બનાવટી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું અને પોતાના એક્સ-બોયફ્રેન્ડની મંગેતરને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી, જે હવે આ કેસમાં ફરિયાદી છે.”

સાઇબર સેલના સૂત્રો મુજબ ફરિયાદી યુવતીને જ્યારે પોતાની તસવીરો બનાવટી ઇન્સ્ટાગ્રામ આઇડી પર મુકાયા હોવાની જાણ થઈ, ત્યારે તેણે સાઈબર સેલમાં ફરિયાદ દાખલ કરી હતી.

તેમણે કહ્યું, “અમે સર્વિસ પ્રોવાઈડરને જાણ કરી અને તેમણે જે ડિવાઈસમાંથી બનાવટી ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવાયું હતું તેનું આઇપી લોગ એડ્રેસ મેળવ્યું હતું. તેના પરથી અમે આરોપી યુવતી સુધી પહોંચી શક્યા હતા. અમે તેની પાસેથી સ્માર્ટફોન રિકવર કર્યો છે જેના પરથી બનાવટી ઇન્સ્ટાગ્રામ આઇડી રચાયું હતું.” આ લખાય છે ત્યારે આરોપીને યુવતીને ધરપકડ અગાઉ કોવિડ-ટેસ્ટ માટે મોકલવામાં આવી હતી.

Your email address will not be published.