પહાડી રાજ્ય મણિપુરના લોકો માટે આજે એટલે કે 28 જાન્યુઆરીનો દિવસ યાદગાર રહેશે. આઝાદીના 75 વર્ષમાં પહેલીવાર મણિપુરના બોંગાઈચુંગપાઓ રેલવે સ્ટેશન પર શનિવારે પ્રથમ ગુડ્સ ટ્રેન પહોંચી હતી. આસામના સિલચરથી આ ટ્રેન શનિવારે સવારે બોંગાઈચુંગપાઓ આવી પહોંચી હતી. આસામ-મણિપુર સરહદથી 17 કિમીના અંતરે આ સ્ટેશન આવેલું છે.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કરીને આ ટ્રેનની તસવીરો જારી કરી હતી. સાથે તેમણે લખ્યું હતું કે મણિપુરના લોકોને જે વચન આપવામાં આવ્યું હતું એ અમે પાળીને બતાવ્યું છે.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે જીરીબામથી ઇમ્ફાલ સુધી 111 કિમી લાંબી રેલવે લાઇન બનાવવામાં આવી છે. જેમાં 46 ટનલ છે. સમગ્ર રેલવે લાઇન પર કુલ 153 પુલ બનાવવામાં આવ્યા છે. હાલ વિશ્વનું સૌથી ઊંચાઈએ આવેલું રેલવે સ્ટેશન નૂની જિલ્લામાં આવેલું છે જે 141 મીટરની ઊંચાઈ પર છે.

રેલવે લાઇનના નિર્માણ પાછળ 14000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ રેલવે લાઇન હવે મણિપુર-મ્યાનમાર સરહદે આવેલા મોરેહ ટાઉન સુધી વિસ્તારવામાં આવશે. આ ટાઉન વ્યાપારિક ગતિવિધિઓનું કેન્દ્ર છે. ઉલ્લેખનીય છે કે સ્થાનિક ઉગ્રવાદી જૂથો સહિતના કેટલાક સંગઠનો આ રેલવે લાઇનનો વિરોધ કરી રહ્યા હતા. તેના વિરોધમાં ઘણા દેખાવો પણ થયા હતા. જોકે પ્રથમ ગુડ્સ ટ્રેન આવી પહોંચી ત્યારે મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ તેનું સ્વાગત કર્યું હતું.