ગુજરાતના ખેડૂતોને ડુંગળીના પાક માટે પ્રતિ કિલો બે રૂપિયા ચૂકવવાનો સરકારનો નિર્ણય

| Updated: April 28, 2022 1:00 pm

ગાંધીનગરઃ ગુજરાતના ખેડૂતોને સરકારે ડુંગળીના પાક માટે પ્રતિ કિલોએ બે રૂપિયા ચૂકવવાનો નિર્ણય લીધો છે. આ ચૂકવણી રાજ્યની એપીએમસી દ્વારા થશે. બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આમ જે ખેડૂતોએ ડુંગળી વેચી દીધી હશે તેમને પ્રતિ બોરીએ એટલે કે 50 કિલોગ્રામે 100 રૂપિયા બીજા મળશે. આના લીધે આ વર્ષે ડુંગળીના નીચા ભાવના લીધે નિરાશ ખેડૂતોને રાહત થશે, એમ રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.

આ વર્ષે ડુંગળીનું જથ્થાબંધ ઉત્પાદન થતાં બજારમાં ડુંગળીનો ભાવ ઘણો નીચે ગયો છે. પ્રધાને જણાવ્યું હતું કે પહેલી એપ્રિલથી 30 એપ્રિલ દરમિયાન ડુંગળી વેચનારા ખેડૂતોને આ સ્કીમથી ફાયદો થશે. પહેલી એપ્રિલથી 30 એપ્રિલ દરમિયાન 45 લાખ બોરી ડુંગળીનું વેચાણ થયું હોવાનું મનાય છે. આમ ખેડૂતોને પ્રતિ બોરીએ બીજા 100 રૂપિયા વધારાના મળશે. આમ સરકાર તેના માટે ખેડૂતોને વધારાના 45 કરોડ રૂપિયાની ચૂકવણી કરશે, એમ વાઘાણીએ જણાવ્યું હતું.

અહીં તે બાબત નોંધવી જરૂરી છે કે ગુજરાતના ઇતિહાસમાં કદાચ પહેલી વખત સરકારે શાકભાજીના માટે ખેડૂતોને વળતર કે રાહતની રકમ ચૂકવવાની જાહેરાત કરી છે. ગુજરાતમાં અત્યાર સુધી સરકાર અનાજ અને કઠોળના ઉત્પાદન માટે ટેકાના ભાવ ચૂકવતી હતી, પણ શાકભાજી માટે આ પ્રકારની ચૂકવણી ક્યારેય થઈ ન હતી. અહીં પહેલી વખત સરકારે શાકભાજી માટે ચૂકવણી કરી છે.

કેટલાક સમીક્ષકો આ અંગે એવું કહે છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી ચાલુ વર્ષે યોજાવવાની છે ત્યારે સરકાર કોઈપણ પક્ષકારને નારાજ કરવા માંગતી નથી. ગઈકાલે અધ્યાપકોની માંગો સ્વીકારી લીધી, તેના પહેલા એલઆરડીની 2018ની પ્રતિક્ષાયાદીમાંથી ભરતી પહેલા કરવામાં માંગ સ્વીકારી લેવાઈ હતી. આ પહેલા ડોક્ટરો હડતાળ પર ઉતર્યા તેમની માંગ સ્વીકારાઈ હતી. તે પૂર્વે આંગણવાડીની બહેનો હડતાળ પર ઉતરી હતી તેની માંગ સ્વીકારવામાં આવી હતી. આમ ચૂંટણી વર્ષમાં સરકાર હાલમાં એક પછી એક માંગ સ્વીકારી રહી છે. જ્યારે આ વખતે તો ખેડૂતોએ માંગ કરી ન હતી અને તેમને કલ્પના પણ ન હતી તેવું આશ્ચર્ય સરકારે પૂરુ પાડ્યુ છે અને તેમને ડુંગળીના પાકમાં વળતર આપવાનો નિર્ણય લીધો છે.

Your email address will not be published.