ગુજરાત એટીએસે મધદરિયે પાક બોટમાંથી 280 કરોડનું હેરોઇન પકડ્યુ

| Updated: April 25, 2022 11:50 am

ગાંધીનગરઃ .પાકિસ્તાને ભારત સામે રીતસરની હેરોઇન જેહાદ આદરી હોય તેમ લાગે છે. ગુજરાત અને પંજાબ સરહદેથી થઈને કુલ હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું છે. પંજાબ સરહદે 700 કરોડથી વધુ રકમનું 102 કિલો અને ગુજરાત સરહદેથી 280 કરોડનું 55 કિલો ડ્રગ્સ પકડાયું છે.

ભારતમાં ડ્રગ્સ ઘૂસાડવાના પાકિસ્તાનના વધુ એક કાવતરાને કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસના સંયુક્ત ઓપરેશને નિષ્ફળ બનાવ્યું છે. મળતી માહિતી મુજબ ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસે સંયુક્ત ઓપરેશન કરીને અરબી સમુદ્રમાં પાકિસ્તાનથી લાવતા હેરોઇનનો જથ્થો પકડી પાડ્યો છે. નવ ક્રુ મેમ્બરો સાથેની પાકિસ્તાની બોટ અલ હજને જપ્ત કરી લેવામાં આવી છે. પાકિસ્તાનની આ બોટને વધુ તપાસ માટે જખૌ બંદર ખાતે લાવવામાં આવી રહી છે.

કોસ્ટ ગાર્ડે આ બોટમાંથી હેરોઇનના 55 પેકેટ જપ્ત કર્યા છે. આ પેકેટની અંદાજિત કિંમત 280 કરોડ થવાની સંભાવના છે. આ પેકેટોનું કુલ વજન 56 કિલો થાય છે. ભારતીય એજન્સીઓને જોઈને પાકિસ્તાની બોટે પાકિસ્તાની જળસીમામાં ભાગવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ભારતીય કોસ્ટગાર્ડે તેની બોટને આંતરી હતી.

ફક્ત ગુજરાત સરહદે જ નહીં પંજાબ સરહદે પણ અટારી બોર્ડર પરથી 102 કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું છે. આ હેરોઇનની કિંમત બજારમાં 700 કરોડ જેટલી છે. આ કન્સાઇનમેન્ટ અફઘાનિસ્તાનથી આવ્યું હતું કસ્ટમ્સ વિભાગે જણાવ્યું હતું કે અમૃતસર કસ્ટમ્સ કમિશ્નરેટ હેઠળના ઇન્ટિગ્રેટેડ ચેક (આઇસીપી) અટારી દ્વારા કુલ 102 કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું હતું.

આ હેરોઇનને દિલ્હી સ્થિત એક વ્યક્તિ દ્વારા અફઘાનિસ્તાનથી આયાત કરેલા કન્સાઇનમેન્ટમાં છૂપાવવામાં આવ્યું હતું. આ કેસની તપાસ કરવામાં આવી રહી છે. આ અંગે કસ્ટમ્સ કમિશ્નરે જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનથી આવેલા આયાત કન્સાઇનમેન્ટમાં કંઇક અસામાન્ય લાગ્યું હતું, તપાસ દરમિયાન તેમાં હેરોઈન હોવાની જાણકારી મળી હતી. તેથી આ કન્સાઇનમેન્ટ આયાત કરનાર સામે એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરી રહ્યા છીએ.

અફઘાનિસ્તાનમાં રાજકીય સ્થિતિ બદલાતા ત્યાંથી થતી આયાત પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. અફઘાનિસ્તાનમાંથી સૂકા ફળો, તાજા ફળો અને જડીબુટ્ટીઓની નિયમિત આયાત અટારી ખાતેથી કરવામાં આવે છે. અટારી બોર્ડર પરથી આ પહેલા પણ સોના અને ડ્રગ્સની દાણચોરીના ઘણા કેસ નોંધાયેલા છે. જુન 2019માં અટારી ખાતેથી 532 કિલોથી પણ વધારે મોટો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ કેસ ભારતના સૌથી મોટા ડ્રગ્સ કેસમાં એક છે.

Your email address will not be published.