વાહનોની ફિટનેસ કેટેગરીમાં કેન્દ્રનું પીપીપી મોડેલ લાગુ કરનારુ ગુજરાત પ્રથમ રાજ્ય

| Updated: June 24, 2022 1:02 pm

ગાંધીનગરઃ વાહનોની ફિટનેસ કેટેગરીમાં કેન્દ્રનું પીપીપી મોડેલ લાગુ કરનારુ ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. તેના હેઠળ વાહનોના ફિટનેસ ટેસ્ટિંગ માટેના ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન સ્થાપવા અરજદારોને સમાન તક આપવામાં આવશે. એક અરજદાર વધુમાં વધુ દસ સ્ટેશન સ્થાપી શકશે. રાજ્ય સરકારે ઉદાર અભિગમ દાખવી ટેસ્ટિંગની સંપૂર્ણ ફી સ્ટેશન સંચાલકને આપવાનો જ નિર્ણય લીધો છે. આ ઉપરાંત પ્રીલિમનરી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ મેળવવા માટે જગ્યાની અનુકૂળતા કરવા માટે છ માસ સુધીમાં લીઝ એગ્રીમેન્ટ રજૂ કરવા શરતી મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતના વાહનવ્યવહાર મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે રાજ્યમાં રોડ પર મુસાફરોની સલામતી જળવાય અને પ્રદૂષણની માત્રામાં ઘટાડો થાય તથા રોડનો ઉપયોગ કરતાં વાહનોની ફિટનેસની સંપૂર્ણ કામગીરી માનવીય હસ્તક્ષેપ વગર થઈ શકે તે જરૂરી છે. આ અંગે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારે બહાર પાડેલા જાહેરનામાના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

તેમણે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં વાહનોના ફિટનેસ ટેસ્ટિંગ માટે પીપીપી ધોરણે ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્થાપવા માટે તમામ અરજદારોને સમાન તક આપવામાં આવશે. કેન્દ્રના ધારાધોરણ મુજબની લાયકાતો પરિપૂર્ણ કરતા તમામને સ્ટેશનો સ્થાપવાની મંજૂરી આપવામાં આવશે. એક અરજદાર વધુમાં વધુ દસ સ્ટેશન સ્થાપી શકશે. આવા સ્ટેશનો સ્થાપવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે.

તેમણે ઉમેર્યુ હતું કે સ્ટેશન સ્થાપવા માટે અરજદારની જરૂરિયાતને ધ્યાનમાં રાખતા પ્રિલિમનરી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ મેળવવા માટે જગ્યાની અનુકૂળતા કરી આપવા છ માસ સુધીમાં લીઝ એગ્રીમેન્ટ રજૂ કરવાની શરતી મંજૂરી આપવાનો અભિગમ રાજ્ય સરકારે દાખવ્યો છે. ટેસ્ટિંગ સ્ટેશન પર ટેસ્ટિંગના બુકિંગ અને ફી સહિતની તમામ પ્રક્રિયા કેન્દ્ર સરકારની જોગવાઈ મુજબ ઓનલાઇન તેમજ નજીકના આર.ટી.ઓ અને એ.આર.ઓ.ની દેખરેખ હેઠળ થશે.

હવે જો કોઈ નાગરિકને ફિટનેસ સ્ટેશન પર થયેલ ફિટનેસની કામગીરી અંગે અસંતોષ હોય તો વાહન માલિક જે તે રિજયનના આર.ટી.ઓ.-એ.આર.ટી.ઓ.ને અપીલ કરી શકશે. સંપૂર્ણ પારદર્શક પ્રક્રિયા સાથે અરજદારને સગવડ મળશે. રાજ્ય સરકાર દ્વારા પ્રીલિમનરી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ જારી થયાના બાર માસની અંદર ફિટનેસ સ્ટેશન કાર્યરત કરવાનું રહેશે. આ ઓટોમેટેડ સ્ટેશન પર હેવી ગુડ્ઝ વ્હીકલ અને હેવી પેસેન્જર વ્હીકલની ફિટનેસની કામગીરી પહેલી એપ્રિલ 2023થી શરૂ કરી શકાશે. જ્યારે મીડિયમ ગૂડ્સ, મીડિયમ પેસેન્જર, લાઇટ મોટર વ્હીકલ માટે પહેલી જુન 2024થી શરૂ કરી શકાશે.

Your email address will not be published.