Site icon Vibes Of India

ગુજરાત ભાજપ ચૂંટણી પહેલા 200 કરોડનું દાન એકત્રિત કરશે

અમદાવાદઃ ચૂંટણી ફાળો મેળવવામાં સૌથી આગળ ગુજરાત ભાજપના ચૂંટણી ભંડોળમાં હજી વધુ વધારો થવા જઈ રહ્યો છે. કારોબારીની બેઠક દરમિયાન પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલે પોતાના નેતાઓ અને કાર્યકરોને વિધાનસભા ચૂંટણી સુધીમાં 200 કરોડનો ફંડફાળો એકત્રિત કરવાની સૂચના આપી છે. પાટિલે પક્ષની કારોબારીના બધા સભ્યોને ચૂંટણી માટે જેટલું જોઈએ તેટલું ફંડ લાવવા કહ્યુ છે, જેથી ચૂંટણી સમયે પક્ષ આત્મનિર્ભર હોય. કાર્યકરો અને નેતાઓએ કમસેકમ 200 રૂપિયા જમા કરવા પડશે.

ચેક દ્વારા ભંડોળ એકત્રિત કરાશે

આ બેઠકમાં કારોબારીના સભ્યો કેટલી રકમ એકત્રિત કરશે તે નોંધવામાં આવ્યું. આ અંગે પ્રદેશ મહાસચિવ રજની પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સ્તરે ચૂંટણી ફંડફાળો એકત્રિત કરવા જણાવાયું છે. તેમા ભાજપના કાર્યકરો આ રકમ રાજ્યના એકમના ખાતામાં ચેક દ્વારા પોતે લેશે અને બીજા પાસેથી પણ લેશે. હાલમાં તો કેટલી રકમ એકત્રિત થશે તેનું અનુમાન લગાવાયું નથી, પરંતુ 200 કરોડનો ચૂંટણી ફાળો એકત્રિત કરવામાં આવે તેમ મનાય છે.

2012માં પણ ભાજપે ભંડોળ એકત્રિત કર્યુ હતુ

આ પહેલા ભાજપે 2012માં પણ વિધાનસભા ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદીના અધ્યક્ષ પદ હેઠળ ચૂંટણી ફાળો એકત્રિત કરવાની યોજના અમલમાં મૂકી હતી. તેના હેઠળ દરેક કાર્યકરને રાજ્યના નાગરિક પાસેથી ભંડોળ એકત્રિત કરવા કહેવાયું હતું. જો કે તે સમયે દસ રૂપિયાનો લઘુત્તમ ફાળો હતો.

ભાજપે 2017માં ચૂંટણી ભંડોળ પેટે 253 કરોડ ઉઘરાવ્યા, ખર્ચ્યા 153 કરોડ

2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપની રાષ્ટ્રીય કચેરીએ ગુજરાતમાં ચૂંટણી માટે 163.07 કરોડ રૂપિયા એકત્રિત કર્યા હતા. જ્યારે રાજ્ય એકમે 88.5 કરોડની રકમ એકત્રિત કરી હતી. આમ કુલ 253 કરોડ રૂપિયાની રકમ એકત્રિત કરવામાં આવી હતી. ચૂંટણી ભંડોળ માટે રાષ્ટ્રીય એકમને મળેલા 129 કરોડ રૂપિયા ડિમાન્ડ ડ્રાફ્ટ કે ચેકના માધ્યમથી એકત્રિત કરવામાં આવ્યા હતા. જ્યારે 3.5 કરોડ રૂપિયા રોકડા એકત્રિત કરવામાં આવ્યા હતા. જ્યારે ભાજપના રાષ્ટ્રીય એકમે 23.8 કરોડ રૂપિયા અને ગુજરાતના પ્રદેશ એકમે 106.6 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. આ ખર્ચમાં 83 કરોડ રૂપિયા જાહેરાતો અને પ્રચાર પાછળ ખર્ચવામાં આવ્યા હતા. જ્યારે 24.30 કરોડ રૂપિયા પ્રવાસ પાછળ ખર્ચાયા હતા.

રાજકીય ગ્રાન્ટ મેળવવામાં ભાજપ પહેલેથી આગળ

સ્વૈચ્છિક સંગઠન એડીઆર મુજબ નાણાકીય વર્ષ 2017-18થી 2019-20ની વચ્ચે માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા કુલ 6,200 કરોડ મળ્યા. તેમા 68 ટકા હિસ્સો ભાજપને મળ્યો, જે સાડા ચાર હજાર કરોડ રૂપિયાથી પણ વધારે છે. ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરવામાં આવેલા વાર્ષિક ઓડિટ રિપોર્ટમાં ભાજપે જણાવ્યું છે કે નાણાકીય વર્ષ 2019-20માં પક્ષને ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા અઢી હજાર કરોડ મળ્યા છે. આ રકમ 2018-19માં મળેલા 1,450 કરોડની રકમ કરતાં 76 ટકા વધારે છે.