ગુજરાતમાં આગામી બે દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે, વરસાદની શક્યતા નહિવત: હવામાન વિભાગ

| Updated: May 24, 2022 8:47 am

આ વર્ષના ઉનાળામાં સૌપ્રથમ વખત અમદાવાદમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 0.5 ડિગ્રી ઓછું નોંધાયું હતું. 41.2 ડિગ્રી સેલ્સિયસ સાથે, શહેરના લોકોએ આકરી ગરમીમાંથી થોડી રાહત અનુભવી હતી, જોકે સોમવારે પણ અમદાવાદ ગુજરાતનું સૌથી ગરમ સ્થળ રહ્યું હતું. તદુપરાંત, રાજસ્થાનના વિસ્તારો પર લો પ્રેશરના કારણે રાજ્યમાં વાતાવરણ  પવનયુક્ત રહેતાની સાથે વાદળછાયું રહ્યું હતું.

સોમવારના રોજ અમદાવાદ સિવાય રાજ્યમાં માત્ર બે અન્ય સ્થળોએ મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું. 40.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે ભાવનગરમાં બીજા નંબરનું સૌથી ગરમ સ્થળ નોંધાયું હતું અને ત્યારબાદ 40 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન સાથે સુરેન્દ્રનગર ત્રીજા ક્રમે રહ્યું હતું.

ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)એ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, દરમિયાન સોમવારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પરિણામે પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, દિલ્હી, કેરળ અને કર્ણાટકમાં પ્રિ-મોન્સુન વરસાદ પડ્યો હતો અને ગુજરાતમાં પણ દિવસભર વાતાવરણ વાદળછાયું રહ્યું હતું. જો કે, ઓછામાં ઓછા આ અઠવાડિયે ગુજરાતમાં પ્રિ-મોન્સુન વરસાદની અપેક્ષા નથી અને રાજ્યમાં વાદળછાયું વાતાવરણ યથાવત રહેશે.

આઈએમડી, ગુજરાતના વડા, મનોરમા મોહંતીએ માહિતી આપી હતી. “ભારતના ઉત્તરીય ભાગોમાં વરસાદ પશ્ચિમી વિક્ષેપને કારણે છે. ઉત્તર પશ્ચિમ રાજસ્થાન પર પ્રેરિત લો-પ્રેશરના કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે, જે આગામી બે દિવસ સુધી યથાવત રહેશે. જોકે ગુજરાતમાં સંભવિત રીતે આગામી થોડા દિવસો સુધી વરસાદ પાડવાના આસાર નથી.”

ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગની આગાહી મુજબ, કેરળમાં ચોમાસાની શરૂઆત આ વર્ષે પાંચ દિવસ વહેલા થવાની સંભાવના છે. આઈએમડીએ ઉમેર્યું હતું કે, દર વર્ષે 1 જૂને ચોમાસુ શરૂ થાય છે તેની સરખામણીમાં આ વર્ષે કેરળમાં 27 મે સુધીમાં ચોમાસું બેસવાની શક્યતા છે.

Your email address will not be published.