ઢોર નિયંત્રણ બિલ 2022 પર સહી નહિ કરવા ગુજરાત કોંગ્રેસના આગેવાનોએ રાજ્યપાલને રજૂઆત કરી

| Updated: April 7, 2022 6:43 pm

ગાંધીનગર: ગુજરાત સરકાર ધ્વારા 14 મી વિધાનસભાના છેલ્લા બજેટ સત્રના છેલ્લા દિવસે શહેરી વિકાસના ઢોરના મુદ્દે લાવવામાં આવેલ કાયદા મુદ્દે કોંગ્રેસ દ્વારા ગૃહમાં ઉગ્ર ચર્ચા થઈ હતી અને મધ રાત્રે ચાલેલ ચર્ચામાં ભાજપે બહુમતીથી ગુજરાત શહેરી વિસ્તારોમાં ઢોર નિયંત્રણ વિધેયક પાસ કરવી દીધું હતું. આ મુદ્દે રાજ્યમાં વિવિધ સ્થળોએ માલધારી સમાજ ધ્વારા આવેદનપત્ર અને વિરોધ કરવામાં આવ્યો હતો.

આ મુદ્દે આજે કોંગ્રેસના નેતાઓ સત્રના આગેવાનો અને ધારાસભ્યો વિધાનસભા કોંગ્રેસ પક્ષના દંડક- ડો. સી. જે. ચાવડા, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ઉપનેતા-શૈલેષ પરમાર અને વિરોધ પક્ષના નેતા સહિત ધારાસભ્યો અને આગેવાનો રાજ્યપાલને લેખિત આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા અને રૂબરૂ મળીને આવેદનપત્ર આપ્યું હતું.

શૈલેષ પરમારે આક્ષેપ કર્યો કે ગુજરાત વિધાનસભાને કાયદો ઘડવાના અધિકાર છે એ અધિકારના જોરે ભારતીય જનતા પાર્ટી વિધાનસભામાં આ મુદ્દે ચર્ચા બાદ બહુમતીના જોરે બિલ પાસ કરાવી લીધું હતું. હવે આ વિધેયક પર વિધાનસભાના અધ્યક્ષ પણ સહી કરશે અને રાજ્યપાલ પાસે પણ આ બિલ સહી કરવા માટે આવશે. ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી અને મંત્રીઓ લોલીપોપ સમાન વાત કરી રહ્યા છે, કે આ બિલને અમે મોકૂફ રાખીશું. પરંતુ વિધાનસભાના નિયમ અનુસાર ગુજરાત વિધાનસભામાં પાસ કરેલું બિલ કોઈ સંજોગોમાં મોકૂફ રહેતું નથી, આ બિલને વિધાનસભામાં પાછું લાવવું પડે, ચર્ચા કરવી પડે અને પછી રદ્દ કરવું પડે. વિધાનસભાના ઇતિહાસમાં એવું બન્યું નથી કે વિધાનસભામાં પાસ કરેલું બિલ પડી રહે, એ અમુક સમય મર્યાદામાં સહી માટે રાજ્યપાલ પાસે મોકલવું જ પડે, રાજ્યપાલને એ રજૂઆત કોંગ્રેસ કરશે.

વિધાનસભામાં અંતિમ દિવસે 31 મી માર્ચે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત શહેરી વિસ્તારોમાં ઢોર નિયંત્રણ (રાખવા અને હેરફેર કરવા) બાબત વિધેયક-2022 લાવવામાં આવેલ છે. જે અંતર્ગત શહેરી વિસ્તારોમાં રખડતા ઢોરના નિયંત્રણ અને નિયમન કરવા, ઢોર રાખવા સારૂ લાયસન્સ કઢાવવા તથા અન્ય દંડનીય જોગવાઈઓ કરતું વિધેયક કોંગ્રેસ પક્ષના સખત વિરોધ બાદ પણ બહુમતીથી પસાર કરવામાં આવેલ. આ વિધેયકનો અમલ થવાથી મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં અને શહેરી વિસ્તારોની આજુબાજુમાં વસતા માલધારી, ભરવાડ, રબારી અને અન્ય પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલ નાગરીકો અને સંસ્થાઓને ઢોરને રાખવા, ઢોરની હેરફેર કરવા અને અન્ય સુવિધાઓ માટે લાયસન્સ લેવા, ચોક્કસ કોઢ અને પાણીની સુવિધા સહિતના ખૂબ જ આકરાં નિયંત્રણ દાખલ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

જોકે તાજેતરમાં મળી રહેલા સમાચાર મુજબ સરકારે માલધારી સમાજ સાથે બેઠક કરી આ બિલ હાલ પૂરતું મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસે સરકારના આ નિર્ણયને ચૂંટણી લક્ષી લોલીપૉપ ગણાવ્યો છે.

Your email address will not be published.