અમેરિકામાં જજ બનનાર ભારતીય મૂળના જાનકી શર્માનું છે ગુજરાત કનેકશન

| Updated: June 20, 2022 2:53 pm

ભારતમાં મહિલાઓ ફક્ત ઘરઆંગણે જ નહી વિદેશમાં પણ એક પછી એક મોરચા સર કરી રહી છે. ઘરઆંગણે મિથાલી રાજ જેવી ક્રિકેટર અને રેસલર સાક્ષી તથા મુક્કેબાજ મેરી કોમ ભારતનું નામ રોશન કરી રહી છે તો અમેરિકામાં ભારતીય મૂળની જજ જાનકી વિશ્વમોહન શર્માએ અમેરિકન ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે. જાનકી શર્માએ રામચરિત માનસ પર હાથ મૂકીને શપથ લઈને અમેરિકામાં ભારતનું નામ રોશન કર્યુ છે.

હવે આ જાનકી શર્માનું ગુજરાત કનેકશન પણ છે. તેમના ભાઈ ત્રિભુવન શર્માએ જણાવ્યું હતું કે અમારો જન્મ શ્રીરામ દરબાર પરિવારમાં થયો છે. મારા દાદા જગમોહનજી મહારાજ એક સમર્પિત રામાયણ ગાયક હતા. મારા પિતા પંડિત વિશ્વમોહનજી મહારાજ રામાયણના ગાયક હોવાના લીધે નાનપણથી જ રામાયણના પાઠ શીખીને મોટા થયા છે. જાનકી પોતે નાનપણથી જ રામાયણના પાઠ કરે છે. રામાયણ પ્રત્યેના લગાવના લીધે જ તેણે તેના પર હાથ મૂકી શપથ લીધા હતા. જાનકીનું બાળપણ મુઝફ્ફરનગરમાં વીત્યું હતું, પરંતુ 1995માં માતાપિતા અને ભાઇબહેન સાથે સમગ્ર કુટુંબ અમદાવાદ આવી ગયું હતું.

જાનકીએ આઠથી બાર ધોરણમાં અભ્યાસ પૂરો કર્યો હતો. તેના પછી તે 2001માં અમેરિકા ગઈ હતી. લાંબા સમયની મહેનત બાદ જાનકી અમદાવાદમાં જજ બની છે. જાનકીની માતા અમદાવાદની જ છે. તેના બાળપણનો મોટો હિસ્સો અમદાવાદમાં વીત્યો હતો. જાનકીના ભાઈ ત્રિભુવન શર્મા કહે છે કે  જાનકી જ્યારે અમેરિકામાં રામાયણ પર હાથ રાખી શપથ લેતી હતી ત્યારે અમારા કુટુંબમાં તહેવાર જેવું વાતાવરણ હતું. જાનકી તો અત્યાર સુધી અમારા કુટુંબની હતી પણ હવે આ સિદ્ધિ સાથે સમગ્ર દેશની પુત્રી બની ગઈ છે.

અમેરિકામાં અનેક ભારતીયો તેમનું નામ ઉજાળી ચૂક્યા છે. તેમા જાનકી શર્માના નામનો વધુ એક ઉમેરો થયો છે. આના પરથી સ્પષ્ટપણે કહી શકાય છે કે હાલમાં અમેરિકામાં ભારતીયો અને તેમા પણ ખાસ કરીને ગુજરાતીઓને વિવિધ ક્ષેત્રે ડંકો વાગી રહ્યો છે. અમેરિકાના વિકાસમાં ભારતીયોએ વિવિધ ક્ષેત્રે આપેલા યોગદાનની અમેરિકન સરકાર દ્વારા પણ પ્રશંસા કરવામાં આવી છે. આજે અમેરિકામાં લગભગ દરેક ક્ષેત્રમાં ભારતીયો શિરમોર છે અને છવાઈ ગયા છે.

Your email address will not be published.