ગુજરાતમાં ગોળા વરસવાનો અવિરત સિલસિલો જારીઃ હવે ઝાલાવાડમાં ગોળા પડ્યા

| Updated: May 16, 2022 4:29 pm

સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી અવકાશમાં ગોળા જેવો ભેદી પદાર્થ પડવાનો સિલસિલો જારી છે. તેના લીધે લોકોમાં ભયનું વાતાવરણ છે. આણંદ અને ખેડા જિલ્લામાં અવકાશી પદાર્થ પડ્યા બાદ સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં પણ ગોળો વરસ્યો હોવાનું બહાર આવ્યું છે. રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી ગોળા વરસી રહ્યા છે. તંત્ર દ્વારા ગોળાની તપાસ માટે ઇસરોની મદદ લેવાઈ રહી છે.

રાજ્યમાં ગોળા સૌપ્રથમ આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના જીતપુરા, દાગજીપુર અને ખાનકુવા ખાતે વરસ્યા હતા. આ ત્રણેય સ્થળોએ ત્રણ જુદા-જુદા ગોળા મળી આવ્યા હતા. આ મામલાની તપાસ પૂરી થાય તે પહેલાં જ નડિયાદ જિલ્લાના ભૂમેલ ગામની સીમમાં એક ગોળો પડ્યો હતો. તેના પછી સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના દેવગઢ ગામમાં સુરેશભાઈ લાલજીભાઈ સાકરિયાની વાડીમાંથી ભેદી પદાર્થ પડ્યો હતો. તેના લીધે સમગ્ર ગામમાં ચકચાર મચી ગઈ હતી. આમ રાજ્યમાં સળંગ ચાર દિવસથી ભેદી પદાર્થ વરસવાનું જારી રહેતા આશ્ચર્ય સર્જાયું છે.

આ ઘટનાની જાણ થવાની સાથે લોકોના ટોળેટોળા આ ભેદી પદાર્થને જોવા માટે ઉમટી પડ્યા હતા. આ અંગે ગામના સરપંચ અને અને સંલગ્ન સત્તાવાળાઓને જાણ કરવામાં આવી છે. સત્તાવાળાઓએ પણ આ બાબતને લઈને આશ્ચર્ય સેવ્યુ છે. અગાઉ ક્યારેય આ પ્રકારના ગોળા પડવાની ઘટના નોંધાઈ નથી. આ સંજોગોમાં આ પ્રકારની ઘટનાએ રાજ્યના વૈજ્ઞાનિક વર્તુળોમાં પણ કૂતુહલ સેવ્યુ છે. ઇસરો પાસેથી તેનું નિરાકરણ આવશે તેવી આશા રખાઈ રહી છે. કેટલાક નિષ્ણાતોના જણાવ્યા મુજબ તે આ પદાર્થ અવકાશી કાટમાળ હોઈ શકે છે.

Your email address will not be published.