ગુજરાત પોલીસે રુ. 73.6 લાખની કિંમતનાં એમ્બરગ્રીસનાં જથ્થાં સાથે 6ને ઝડપી લીધા

| Updated: May 21, 2022 1:05 pm

ગુજરાતના આણંદ જિલ્લામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)એ રુ.73.6   લાખની કિંમતનાં વ્હેલ વોમિટ (એમ્બરગ્રીસ)નાં જથ્થાં સાથે છ લોકોને ઝડપી લીધા છે. છે. હાલ તમામ આરોપીઓ આણંદ એસઓજીની કસ્ટડીમાં છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.

એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર જી.એન.પરમાર,પીએસઆઇ એચ.એમ.રાણા પોલીસ કાફલા સાથે 19 મેના રોજ એસપીની સુચનાના પગલે નાઈટ પેટ્રોલીંગ કરી રહ્યા હતા. દરમિયાનમાં પીઓ સંદીપ કુમાર અને પીસીઓ ભગીરથ સિંહને બાતમી મળી હતી કે ગ્રે સ્વિફ્ટ ડિઝાયર કારમાં કેટલાક લોકો એમ્બરગ્રીસ વેચવા માટે ફરી રહ્યા છે.
આણંદના ૮૦ ફૂટ રોડ પર આરોપીઓએ કાર પાર્ક કરી હતી. બાતમી બાદ આણંદ એસઓજીની ટીમ ત્યાં દોડી ગઇ હતી અને જીજે 06 જેએમ 0505 નંબરની કારની તલાશી લેતાં પાછળની સીટ પરથી એમ્બરગ્રીસના ટુકડા મળી આવ્યા હતા. એસઓજીની ટીમે એમ્બરગ્રીસની દાણચોરી બદલ આરોપીઓની ધરપકડ કરી કાર જપ્ત કરી હતી.
આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર (સીઆરપીસી)ની કલમ 41(1) ડી હેઠળ આરોપીઓની ધરપકડ કરી છે. પીએસઆઈ હરદીપસિંહ રાણાએ ટીમ વીઓઆઈને જણાવ્યું હતું કે, આરોપીઓએ એમ્બરગ્રીસ ક્યાંથી મેળવ્યું હતું તે જાણી શકાયું નથી.આ કેસની તપાસ ચાલી રહી છે.મે અને જૂનના મહિનામાં આવી ઘટનાઓ સામે આવે છે. એમ્બરગ્રીસ બહુ કિંમતી છે અને લાંબો સમય ટકતાં ડિઓડરન્ટ્સ બનાવવા માટે તેની બહુ માંગ હોય છે.પ્રાથમિક તપાસમાં પોલીસે રુ. 73,60,000ની કિંમતનું એમ્બરગ્રીસ, રુ.16,000ની કિંમતનો મોબાઇલ, રુ.2,50,000ની કિંમતની સ્વિફ્ટ ડિઝાયર કાર સહિત રુ.76,26,000ની કિંમતનો મુદામાલ જપ્ત કર્યો છે.

એમ્બરગ્રીસઃ વ્હેલ વોમિટ:

એમ્બરગ્રીસ કે જે ફ્લોટિંગ ગોલ્ડ તરીકે ઓળખાય છે અને ફ્રેન્ચમાં ગ્રે એમ્બર કહેવાય છે, તે એક મીણ જેવો પદાર્થ છે. એમ્બરગ્રીસ સ્પર્મ વ્હેલનાં પાચક તંત્રમાં ફેકલ ગંધ સાથે ઉત્પન્ન થાય છે.એમ્બરગ્રીસ તાજું હોય ત્યારે આછા પીળા રંગનું અને લાલાશ પડતા બદામી રંગનું તેમજ કેટલીક વખત રાખોડી-કાળા રંગનું હોય છે.
એમ્બરગ્રીસ બહુ કિંમતી છે.ભારતભરમાં એજન્સીઓ સામાન્ય રીતે ઉનાળાની ઋતુમાં એમ્બરગ્રીસ જપ્ત કરે છે. ઉલ્લેખનીય છે કે એમ્બરગ્રીસની કિંમત તેની કવોલિટીનાં આધારે પ્રતિ કિલોગ્રામ આશરે એક કરોડ રૂપિયાની આસપાસ હોય છે.


યુએસએ અને ઓસ્ટ્રેલિયા જેવા ઘણા દેશોએ તેની આયાત-નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. ભારતમાં પણ એમ્બરગ્રીસનો વેપાર ગેરકાયદે છે. સ્પર્મ વ્હેલ વાઇલ્ડ લાઇફ પ્રોટેકશન એક્ટની અનુસૂચિ બે હેઠળ સંરક્ષિત પ્રજાતિ છે. ઉપરાંત વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ, 1972 અતર્ગત એમ્બરગ્રીસ સહિત સ્પર્મ વ્હેલની કોઇ પણ વસ્તુ રાખવી કે તેનો વેપાર કરવો પણ ગુનો છે. દાણચોરો દરિયાકાંઠાના વિસ્તારોમાંથી તેમની ખાસ પેટર્નથી એમ્બરગ્રીસ મેળવીને જયાં પ્રતિબંધ નથી અથવા હળવો પ્રતિબંધ છે તેવા દેશોમાં તેને વેચે છે. 

Your email address will not be published.