ગુજરાત: સ્થાનિક બજારોમાં કપાસની માંગ નબળી; ભાવમાં તીવ્ર ઘટાડો સર્જાયો

| Updated: June 9, 2022 1:13 pm

ગુજરાત ટેક્સટાઇલ ઉદ્યોગ કપાસ અને કોટન યાર્નના ભાવમાં મોટી વધઘટનો સામનો કરી રહ્યો છે. કપાસના ભાવમાં અભૂતપૂર્વ વધારા બાદ તેના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે, જેનું મુખ્ય કારણ છે કે, ભાવમાં વધારાને કારણે તેની માંગ નબળી પડી હતી. તેમજ કોટન યાર્નની આયાતને કારણે પણ સ્થાનિક બજારોમાં યાર્નના ભાવ પર અસર પડી છે.

સ્પિનર્સ એસોસિએશન ગુજરાત (એસએજી) ના પ્રમુખ સૌરિન પરીખે જણાવ્યું હતું કે, ઊંચા ભાવને કારણે કોટન અને કોટન યાર્નની માંગ લગભગ 30% ઘટી છે. જો કે હાલમાં બંનેના ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે, પણ કોટન કરતાં કોટન યાર્નના ભાવમાં વધારે ઘટાડો જોવા મળ્યો છે. 30 કોમ્બ કોટન યાર્નનો ભાવ રૂ. 405 પ્રતિ કિલોના ઊંચા સ્તરેથી ઘટીને રૂ. 380 થઈ ગયા છે.

જો કે કપાસની કિમતમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. પરીખે જણાવ્યું કે, સારી ગુણવત્તાના કપાસનો ભાવ રૂ. 1.10 લાખથી ઘટીને રૂ. 1.02 લાખ પ્રતિ કેન્ડી (356 કિગ્રા) અને નબળી ગુણવત્તાના કપાસનો ભાવ રૂ. 1 લાખ પ્રતિ કેન્ડીથી ઘટીને રૂ. 92,000 થયો છે.

પાવરલૂમ ડેવલપમેન્ટ એન્ડ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ભૂતપૂર્વ ચેરમેન ભરત છાજેરે જણાવ્યું કે, કપાસના ભાવમાં લગભગ ત્રણ ગણો વધારો થયો હતો, આ વધતા ભાવ વધારાને લીધે કેટલાક વેપારીઓએ કોટન યાર્નની આયાતના ઓર્ડર આપ્યા છે, જેની અસર સ્થાનિક બજારોમાં જોવા મળે છે. તેમણે આગળ કહ્યું કે અંદાજ મુજબ, વિયેતનામથી જુલાઈના બીજા સપ્તાહ સુધીમાં કોટન યાર્નના આશરે 1,000 કન્ટેનર આવવાની અપેક્ષા છે. જેથી કોટન યાર્નના ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે.

આ પણ વાંચો: અદાણી ગ્રુપ બંગાળ સિલિકોન વેલીમાં હાઇપર-સ્કેલ ડેટા સેન્ટર સ્થાપશે

Your email address will not be published.