ગુજરાત ચૂંટણીઃ 150થી વધુ IRS ઓફિસરોની ખર્ચ નિરીક્ષક તરીકે નિમણૂક?

| Updated: June 15, 2022 12:06 pm

ગુજરાતની ચૂંટણી પાંચ મહિના દૂર છે ત્યારે ચૂંટણીપંચે રાજકીય પક્ષોના ઉમેદવારો, રાજકીય પક્ષો તથા અન્ય ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ખર્ચાઓ અને અન્ય નાણાકીય બાબતો તથા હિસાબો પર નજર રાખવાની કવાયત શરૂ કરી દીધી છે. આના ભાગરૂપે 150થી વધારે આવકવેરા અધિકારી (ઇન્ડિયન રેવન્યુ સર્વિસ (આઇઆરએસ) ઓફિસર્સની ખર્ચ નિરીક્ષક તરીકે નિમણૂક કરવામાં આવનાર છે.  ગુજરાતના આવકવેરા વિભાગ દ્વારા ટૂંક સમયમાં તેની યાદી જાહેરાત કરવામાં આવશે.

કોની કઈ જવાબદારી

જ્યારે આઇપીએસ ઓફિસર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોશે. આઇએએસ ઓફિસર વહીવટીતંત્ર જોશે અને આઇઆરએસ ઓફિસરો ખર્ચ નિરીક્ષકો તરીકેની જવાબદારી સંભાળશે. તેઓ ચૂંટણીમાં મની પાવર કોઈ એક પક્ષની તરફેણમાં પાસુ ન ઝુકાવે તથા બધા ઉમેદવારોને સમાન તક મળે તે જોશે.

“ગુજરાતના દરેક જિલ્લામાં ચારથી પાંચ આઇઆરએસ ઓફિસરની નિમણૂક કરવામાં આવનાર છે. આઇપીએસ અને આઇએએસ ઓફિસર્સની સાથે આઇઆરએસને પણ મહત્વની જવાબદારી સોંપાય છે. અમે મુક્ત, ન્યાયી અને ઘટનામુક્ત ચૂંટણી યોજવા માંગીએ છીએ. ગુજરાતના કેટલાક અધિકારીઓને પણ હિમાચલ પ્રદેશ અને અન્ય રાજ્યોમાં કામ કરવાની તક મળી છે”, એમ આઇટી વિભાગના જાણીતા સૂત્રોએ જણાવ્યું હતું.

ખર્ચ નિરીક્ષકોનું મુખ્ય કાર્ય ચૂંટણીમાં આવતા બ્લેક મનીનો પ્રવાહ અને ચૂંટણી પ્રક્રિયા દરમિયાનની ગેરકાયદેસર રીતે ઠલવાતા નાણાને ચકાસવાનું હેશે. આઇટી વિભાગ ફંડ્સની હિલચાલ ચેક કરવા એરપોર્ટ પર એર ઇન્ટેલિજન્સ યુનિટ પણ સક્રિય કરશે.

સીબીડીટી દ્વારા લેવામાં આવનારા પગલાં

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી)એ પણ અલગ ઇલેકશન સેલ ઊભો કર્યો છે, જેમા ઉમેદવારો દ્વારા ફાઇલ કરામાં આવેલી ખોટી એફિડેવિટની તપાસના પડતર કેસો ઉકેલી શકાય, તેમના પ્રદાનનું વિશ્લેષણ કરી શકાય અને રાજકીય પક્ષોના વાર્ષિક અહેવાલ જોઈ શકાય. ગુજરાતનો આવકવેરા વિભાગ કોઈપણ પ્રકારની ખોટી પ્રવૃત્તિની નોંધ માટે લોકોને ટોલ-ફ્રી નંબર આપવાની પણ જાહેરાત કરશે. આઇઆરએસ ઓફિસર્સ અને તેનો સ્ટાફ ચૂંટણી દરમિયાન ચોવીસ કલાક ખડે પગે રહેશે.

ભારતના 24માં મુખ્ય ચૂંટણી કમિશ્નર આઇઆરએસ સુશીલ ચંદ્રએ અગાઉ જણાવ્યું હતું કે આસામ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં અસરકારક નિરીક્ષણ યંત્રણાના લીધે ગેરકાયદે નાણાનો જંગી જથ્થો પકડાયો હતો. ઓફિસરો દ્વારા કરવામાં આવતી ભારે મહેનત અને ચુસ્ત નિરીક્ષણના લીધે 2021માં આ પ્રકારના ગેરકાયદેસરના નાણાની જપ્તીમાં નોંધપાત્ર વધારો થયો હતો, જે 2016માં રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીમાં પકડાયેલા જથ્થા કરતા 4.5 ગણો વધારે હતો.

આવકવેરાના દરોડા અંગે શું?

ગુજરાતના આયકર ભવનનો તપાસ વિભાગ ટૂંક સમયમાં ચૂંટણીના કાર્યક્રમમાં વ્યસ્ત થઈ જશે. તેના લીધે કમસેકમ એક મહિના સુધી તો બિલ્ડરો કે બિઝનેસમેન પર દરોડા પડવાની કોઈ સંભાવના નહી હોય. અમારી અગ્રતા આ સમયગાળા દરમિયાન ચૂંટણીમાં ઉપયોગમાં લેવાતા ગેરકાયદેસરના નાણા અને છેતરપિંડીઓ પર ધ્યાન રાખવાની હશે, એમ આવકવેરા વિભાગના સૂત્રએ જણાવ્યું હતું.

વિભાગના બેક-એન્ડે તો કામગીરી શરૂ કરી દીધી છે. પણ ચૂંટણીની તારીખોથી લઈને પરિણામોની જાહેરાત થાય ત્યાં સુધી તેમણે એકદમ સક્રિયપણે કામ કરવું પડશે.

Your email address will not be published.