પતંગિયાને આકર્ષવા હાઈટેક નર્સરી, 3000 છોડનું વાવેતર

| Updated: July 9, 2021 5:38 pm

પતંગિયાને આકર્ષિત કરતા ૩૦૦૦ છોડ સાથે ગોધરા સામાજિક વનીકરણ વિભાગે રાજ્યની સૌ પ્રથમ હાઈટેક નર્સરી તૈયાર કરી છે.

ગોધરાની પાંડવા હાઈટેક નર્સરી ખાતે પતંગિયા અને કીટકોને આકર્ષતા ત્રણ હજાર છોડવાનું વાવેતર કરાયું છે. રાજ્યમાં એકમાત્ર આ નર્સરીમાં જ પતંગિયાને મોહિત કરતાં છોડવાનો ઉછેર કરી વિતરણ કરવાનું ચાલુ વર્ષે  ખાસ આયોજન કરાયું છે. બદલાતા વાતાવરણને લઈ વનરાજી વચ્ચેથી ધીરે  ધીરે લુપ્ત થઈ રહેલા પતંગિયા અને કીટકોનું સંવર્ધન થાય અને પરાગનયનની પ્રક્રિયા યોગ્ય રીતે જળવાઈ રહે એ હેતુથી  ગોધરા સામાજિક વનીકરણ વિભાગે પહેલ કરી છે. 

હાલમાં કુદરતી વાતાવરણમાં પતંગિયાની સંખ્યા અગાઉ કરતાં ખૂબ ઓછી કે લુપ્ત થતી જોવા મળી રહી છે. પતંગિયા, કીટકો, મધમાખી આ પ્રજાતિ છોડવાઓમાં પરાગનયન તરીકે મહત્વનો ભાગ ભજવે છે.

પતંગિયા અને કીટકોની ખેતપેદાશોમાં પણ મહત્વની  ભૂમિકા છે. જેને ધ્યાને લઇ પંચમહાલ જિલ્લા સામાજિક વનીકરણ વિભાગે આ પહેલ કરી છે. રાજ્યમાં એકમાત્ર ગોધરા ખાતે પતંગિયાને આકર્ષે એવી પાંચ જેટલી પ્રજાતિના અંદાજીત ત્રણ હજાર રોપા આ ખાસ નર્સરી બનાવી ઉછેર કરવામાં આવી રહ્યા છે, જે આગામી સમયમાં વાવેતર કરવામાં આવશે. આ રોપાની ખાસિયત એ છે કે જેને કુંડામાં ઘર આંગણે પણ રોપી શકાય છે જેથી પતંગિયાને નિહાળવા સાથે પર્યાવરણનું પણ જતન થઈ શકે છે.

આ અંગે પંચમહાલ જિલ્લા સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક ઋષિરાજ પુવારે જણાવ્યું હતું કે, “હાલ પાંચ પ્રજાતિનો ઉછેર કરવામાં આવ્યો છે, જેમાં કોસમોસ, ફ્લેસી ફ્લોરા, જીનીયા અને ઇન્ડિયન સ્નેકવિડ પ્રજાતિનો સમાવેશ થાય છે.” તેમણે કહ્યું કે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવાથી જ પતંગિયા, કીટકોનો નાશ થાય છે. તેથી તેનો ઉપયોગ ટાળવો જોઈએ.

ગોધરાના કેટલાક પર્યાવરણ પ્રેમીઓએ સામાજિક વનીકરણ વિભાગની આ પહેલને બિરદાવતા  લુપ્ત થતાં પતંગિયાનો વ્યાપ વધારવા માટે આ છોડવાનું વાવેતર કરવા  અનુરોધ કર્યો છે.

જયેન્દ્ર ભોઈ, પંચમહાલ

Your email address will not be published.