જાણો શું બનાવે છે ગુજરાતને વાયબ્રન્ટ

| Updated: May 1, 2022 1:49 pm

જ્યારે કોઈ ગુજરાત શબ્દ સાંભળે છે, ત્યારે સૌથી પહેલાં યાદ આવે છે કે લોકપ્રિય સંસ્કૃતિમાં અને ખાસ કરીને બોલિવૂડની ફિલ્મોમાં આ ભવ્ય રાજ્યને કેવી રીતે દર્શાવવામાં આવ્યું છે. કરણ જોહરની ફિલ્મ ‘કલ હો ના હો’નું અવિસ્મરણીય ‘વી આર ગુજ્જુ!’ ગીત અથવા તો સંજય લીલા ભણસાલીની ફિલ્મોમાં ગુજરાતની સંસ્કૃતિનાં અનેક રંગ દર્શાવતાં ગીતો માત્ર કેટલાંક ઉદાહરણો છે. થ્રી ઇડિયટ્સમાં કરીના કપૂર કહે છે, ‘ઢોકળા, ફાફડા’ કે ‘કાઇ પો છે’ની સ્ટોરી, એવું લાગે છે કે ગુજરાત અને તેની વાઇબ્રન્ટ સંસ્કૃતિને બોલિવૂડમાં ખાસ સ્થાન મળ્યું છે.

ગુજરાત વિશે જોકે આ એક સંકુચિત જાણકારી છે. ગમે તેટલી ફિલ્મો રાજ્યની સંસ્કૃતિ દર્શાવતી હોય તો પણ તેમાં ઉપરછલ્લી ઝલક જ જોવા મળે છે. જે રીતે ચિકન ટિક્કા મસાલા પશ્ચિમમાં આપણા દેશનું પ્રતિનિધિત્વ કરે છે, તેમાં સમગ્ર ભારત આવી જતું નથી. તેવી જ રીતે બોલીવૂડની ફિલ્મો ભારતના કોઈ રાજ્યને સંપુર્ણ રીતે આવરી લેતી નથી. અલબત્ત, આ વાત કોઈ પણ રાજ્ય માટે સાચી છે અને ગુજરાત પણ તેનાથી અલગ નથી.  

ગુજરાતનો સોફ્ટ પાવર
બોલીવૂડની ફિલ્મોમાં સમગ્ર ગુજરાતની ઝલક મળતી નથી પરંતુ તેણે રાજ્ય અને તેની સંસ્કૃતિને લોકપ્રિય બનાવવામાં મદદ કરી છે. આજે લોકો ભલે કે-પોપના દિવાના હોય, પરંતુ બોલીવૂડની ફિલ્મોમાં પણ એટલી તાકાત છે કે તે દુનિયાને આકર્ષિત કરી શકે છે અને ભારતીય સંસ્કૃતિને લઈને લોકોમાં કુતૂહલ જગાવી શકે છે. ફિલ્મોએ દુનિયાભરનાં લોકોને આપણાં સંગીત, નૃત્ય, તહેવારો અને ખાનપાન જોવા-જાણવા પ્રેર્યા છે. ભારતનાં પ્રાચીન શાકાહારે વિશ્વભરના લોકોને આકર્ષિત કર્યા છે.

રાજ્યની સંસ્કૃતિમાં ગરબા, નૃત્ય અને ગીતોના મૂળ ઊંડા છે અને તે ગુજરાતને અલગ પાડે છે. આ ગુજરાતી સંસ્કૃતિના એવા પાસા છે જેણે માત્ર અન્ય રાજ્યો જ નહીં પરંતુ દેશોને પણ આકર્ષ્યા હતા. ગરબા એ એક પરંપરાગત નૃત્ય છે, જે શક્તિ અથવા શક્તિનું પ્રતીક એવી દેવી દુર્ગાના સન્માનમાં નવરાત્રી ઉત્સવ દરમિયાન કરવામાં છે. તે રીતે દિવાળી પણ ગુજરાતના સૌથી મહત્વના તહેવારોમાંનો એક છે.

હજારો ભારતીય વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા, યુ.કે., કેનેડા અને અન્ય યુરોપિયન દેશોમાં જાય છે. પરિણામે, નવરાત્રી અને ગરબાની ઉજવણી ભારતીય ડાયસ્પોરાનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે. દુનિયાની ઘણી યુનિવર્સિટીઓ ભારતીય સંગીત અને પરંપરાગત વસ્ત્ર પરિધાનથી સજ્જ વિદ્યાર્થીઓ સાથે નવરાત્રી અને ગરબા નાઇટનું આયોજન કરે છે. વિશ્વભરના કોલેજ કેમ્પસમાં દિવાળીની ઉજવણી કરવામાં આવે છે.

માંસના વપરાશમાં ઘટાડો કરવા અને શાકાહારી જીવનશૈલી વિશે વધતી જાગૃતિના કારણે અહીંનાં ખાન-પાન પણ વિદેશીઓને આકર્ષે છે. મોટાભાગનાં ગુજરાતીઓ પરંપરાગત રીતે શાકાહારી હોય છે. અનેક શાકાહારી સ્વાદિષ્ટ, મસાલેદાર અને મીઠી વાનગીઓ બનાવી શકાય છે.ત્યારે ગુજરાતનું ભોજન ક્યારેય નિરાશ કરતું નથી.

ઇકોનોમિક પાવર
તેમ છતાં ગુજરાત માત્ર તેજસ્વી રંગો, ગરબા, લોકગીતો, તહેવારો અને ખોરાક કરતાં ઘણું વધારે છે. પરંતુ જ્યારે આર્થિક સત્તાની વાત આવે છે ત્યારે ગુજરાત ટોચનાં રાજ્યોમાંનું એક બનીને ઊભરી આવ્યું છે.

સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ઉદ્યોગ સાહસિકતા છે, જેના કારણે આ રાજ્યના લોકો માત્ર ભારતના વિવિધ ભાગોમાં જ નહીં પરંતુ વિશ્વના વિવિધ ભાગોમાં પણ પહોંચ્યા છે. દૃઢ નિશ્ચય અને મહેનતથી આજે ગુજરાતીઓ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા છે અને મોટે ભાગે પોતાનો બિઝનેસ ચલાવે છે.તમે જાણો છો કે ધીરુભાઈ અંબાણી, ગૌતમ અદાણી, જમશેદજી ટાટા અને અઝીમ પ્રેમજીમાં વિશ્વના ટોચના ઉદ્યોગપતિઓ હોવા ઉપરાંત શું સમાનતા છે? તેઓ બધા ગુજરાતી છે. વેપાર-ધંધો ગુજરાતીઓનાં લોહીમાં છે.

અહીં બધા ફેમિલી રન બિઝનેસ છે. નાનપણથી જ, બાળકો પરિવારની માલિકીના વેપાર-ધંધાની આંટીઘુંટી શીખવાનું શરૂ કરે છે. શિક્ષણનું પણ મહત્વ છે પરંતુ ધંધો કેવી રીતે ચાલે અને બીજી કે ત્રીજી પેઢી તેને કેવી રીતે વિકસાવી શકે તે અહીંની ખાસિયત છે. ગુજરાતીઓ જોખમ લેવાની હિંમત ધરાવે છે. એવું માનવામાં આવે છે કે લોકો મહાત્મા ગાંધીથી ખૂબ પ્રભાવિત છે, જેમણે સાબરમતી આશ્રમમાં સાદું જીવન જીવ્યા હતા અને બ્રિટીશ રાજ સામે લડ્યા હતા તેમજ અહિંસા અને પ્રામાણિકતાના તેમના સિદ્ધાંતોને વળગી રહ્યા હતા.

તે એક પાસું છે જે રાજ્યના અર્થશાસ્ત્ર પર અસર કરે છે. પરંતુ વધુ મહત્ત્વની વાત એ છે કે, તે પ્રત્યક્ષ વિદેશી રોકાણને આકર્ષતું ભારતનું ટોચનું રાજ્ય પણ છે. ઉપરાંત રાજ્યમાં કદાચ દેશમાં રોકાણકારોને સૌથી વધુ આકર્ષે તેવી અનુકૂળ નીતિઓમાંની એક છે. રાજ્યનો વિશાળ દરિયાકિનારો આ રોકાણને મદદ કરે છે. હકીકત એ છે કે રાજ્ય ઉચ્ચ કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અત્યાધુનિક ટેકનિક પણ ધરાવે છે. રોગચાળા છતાં 2020 થી 2021 ના નાણાકીય વર્ષમાં, ગુજરાતે કુલ 30 અબજ ડોલરનું એફડીઆઈ મેળવ્યું હતું, જે દેશનાં કુલ એફડીઆઈનું 37 ટકા હતું. આ રોકાણ એવા સમયે આવ્યું હતું જ્યારે વૈશ્વિક એફડીઆઈમાં 41 ટકાનો મોટો ઘટાડો થયો હતો.શું ગુજરાત હંમેશાં વેપાર-ધંધા માટે આટલું જાણીતું રહ્યું છે? આપણે ઇતિહાસમાં ડોકિયું કરીએ તો જોઈએ છીએ કે બિઝનેસ રાજ્યની નસમાં વહે છે,તે સ્વતંત્ર રાજ્ય ન હતું ત્યારે પણ.

ગુજરાતની રચના – ઇતિહાસ
ગુજરાત એક સમયે નાનો પ્રાંત હતો અને તેના દરિયાકિનારાને કારણે તે ઘણા આક્રમણોનો ભોગ બન્યો હતો. મુસ્લિમ શાસકો, મૌર્ય, મુઘલો અને બીજા અનેક રાજવંશે આક્રમણો કર્યા હતા, જેણે ભારત પર શાસન કરવાનો પ્રયાસ કર્યો હતો.

આઝાદી બાદ 1947માં જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે ગુજરાતનો પ્રાંત બોમ્બે સ્ટેટનો ભાગ બની ગયો હતો. 1956માં કચ્છ અને સૌરાષ્ટ્રનો સમાવેશ કરવા માટે પ્રાંતનો વિસ્તાર કરવામાં આવ્યો.

આ તે સમય છે જ્યારે ગુજરાતી ભાષી લોકો માટે અલગ ગુજરાત રાજ્યની માગણી સાથે મહાગુજરાત આંદોલન શરૂ થયું હતું. આંદોલનના પગલે  1 મે, 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઇ હતી.

બોમ્બે રાજ્યનો એક ભાગ હોવા છતાં ગુજરાતી સમુદાય ધંધો કરવા માટે માટે જાણીતો હતો અને ગુજરાતીઓની હોંશિયાર અને સૌથી સફળ વેપારીઓમાં ગણના થતી હતી. આજે પણ મહારાષ્ટ્રમાં ઘણા બધા બિઝનેસ ગુજરાતીઓની માલિકીના છે. ગુજરાતે ઘણા આક્રમણો જોયા છે, પરંતુ એવો સમય પણ જોયો છે કે જ્યાં આંતરિક અશાંતિ પણ હતી. કોમી રમખાણો અને હિંસા, વિનાશક ભૂકંપ અને ચક્રવાત જેવી કુદરતી આફતો છતાં ઇતિહાસ અને સંસ્કૃતિના મજબૂત પાયા સાથે, ગુજરાત હજી પણ ટટ્ટાર ઉભું છે અને સતત વિકાસશીલ અર્થતંત્ર ધરાવે છે. ગુજરાતભરમાં પ્રાચીન સંસ્કૃતિના ઐતિહાસિક દૃશ્યો, વિવિધ રાજવંશોનો પ્રભાવ, રાજ્યની વિશિષ્ટ ભૂગોળ તેમજ પ્રાચીન સ્મારકો જોવા મળે છે.આ ઐતિહાસિક સ્થળો રાજ્યનાં સમૃધ્ધ સાંસ્કૃતિક વારસાને દર્શાવે છે.

સીદી સૈયદ મસ્જિદ
સીદી સૈયદની જાળી તરીકે ઓળખાતી આ મસ્જિદનું નિર્માણ ઈ.સ. 1572-73માં સીદી સૈયદે કરાવ્યું હતું, જેઓ ગુજરાત સલ્તનતના છેલ્લા સુલતાન શમ્સ-ઉદ-દિન મુઝફ્ફર શાહ ત્રીજાની સેનામાં જનરલ હતા. ઇન્ડો-ઇસ્લામિક કલાનું અનોખું ઉદાહરણ ગણાતું આ સ્મારક સ્થાપત્ય કળા માટે જાણીતું છે. અલંકૃત જાળીકામ, એકબીજા સાથે વણાયેલાં વૃક્ષો અને પાંદડાંની જટિલ કોતરણી અને અર્ધવર્તુળાકાર કમાન બારીઓમાં કરવામાં આવેલી કોતરણી આ મસ્જિદની વિશેષતા છે. અહીં દસ કલાત્મક બારીઓ છે જે ભૌમિતિક ડિઝાઇન સાથે બનાવવામાં આવી છે.
કહેવાય છે કે જાળી એટલી સુંદર હતી કે 1880 માં અંગ્રેજોએ તેને અલગ કરી અને તેમના સંગ્રહાલયોમાં મુકવા તેમની સાથે લઈ ગયા. જો કે, મુઘલોએ ગુજરાત પર આક્રમણ કર્યું હોવાથી મસ્જિદ પૂર્ણ થઈ ન હોવાની શક્યતા છે.


રાણકી વાવ
રાણકી વાવ રાજ્યમાં સ્થાપત્ય કલાનો અદભુત નમુનો છે. તેનાં મોટાભાગનાં શિલ્પો હજુ પણ ખંડિત થયા નથી અને યથાવત છે. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં તેનો સમાવેશ કરાયો છે. રાણકી વાવા 11મી સદીમાં બાંધવામાં આવી હતી અને તેને 1940ના દાયકામાં ફરીથી શોધી કાઢવામાં આવી હતી. ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ દ્વારા તેને 1980માં પુનઃસ્થાપિત કરવામાં આવી હતી.
પાટણ શહેરમાં આવેલી રાણકી વાવ ચૌલુક્ય રાજા ભીમ પ્રથમના શાસનકાળમાં બનાવવામાં આવી હતી. હતું. આ એક ઊંધા મંદિરનું શ્રેષ્ઠ અને સૌથી મોટું ઉદાહરણ છે, જે પાણીની પવિત્રતાને દર્શાવે છે. આ વાવમાં સાત પ્રકારનાં 500થી વધારે મુખ્ય શિલ્પો અને એક હજારથી વધુ નાનાં શિલ્પો છે.


સોમનાથ મંદિર
પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે જાણીતું આ મંદિર હિન્દુઓ અને ખાસ કરીને ભગવાન શિવનાં ભક્તો માટે મોટું તીર્થસ્થળ છે. આ મંદિર સૌરાષ્ટ્રના વેરાવળ નજીક પ્રભાસ પાટણમાં અરબી સમુદ્રનાં દરિયાકિનારે આવેલું છે. મુસ્લિમ આક્મણખોરોએ અનેક વખત હુમલા કરીને તેને ખંડિત કર્યું હતું. અને અનેક વખત તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ તેનું હાર્દ અકબંધ રહ્યું છે.
આપણે હંમેશાં સાંભળ્યું છે કે જ્યારે તમે કોઈ ચોક્કસ પૂજા સ્થળની મુલાકાત લો છો ત્યારે કોઈ અજ્ઞાત શાંતિ તમારા પર છવાઇ જાય છે. આ માન્યતા હિન્દુ મંદિરો કરતાં વધુ સાચી કયાંય હોઈ શકે નહીં. આપણે ઇતિહાસ વાંચીએ અને હિન્દુ ધર્મની માન્યતાઓને સમજીએ તો ખ્યાલ આવશે કે પ્રાચીન સમયમાં જે જમીન પર મંદિરો બનાવવામાં આવ્યા હતા તેની ખાસ પસંદગી કરવામાં આવી હતી. વિજ્ઞાને આજે શોધી કાઢ્યું છે કે પ્રાચીન મંદિરો એવા સ્થળે બનાવવામાં આવ્યા હતા જ્યાં સકારાત્મક ઉર્જા સૌથી વધુ છે. કેટલાક માને છે કે ઘણીવાર મુખ્ય મૂર્તિ એવી વસ્તુમાંથી બનેલી હોય છે જે નકારાત્મકતાને શોષી લે છે અને સકારાત્મક ઉર્જા વહાવે છે.
પ્રકૃતિથી ઘેરાયેલું સોમનાથ મંદિર એવું સ્થળ છે જયાં જતાં જ તમને શાંતિનો અનુભવ થાય છે. ક્ષિતિજ પર આથમતો સૂર્ય, પવન અને ખડકો સાથે અથડાતા મોજાંઓનો અવાજ… આ એક એવો અનુભવ છે જે દરેકે લેવો જોઇએ.


સિંધુ ખીણની સંસ્કૃતિ
ગુજરાતમાં પ્રાચીન સિંધુ ખીણ અથવા હડપ્પીય સંસ્કૃતિના 23 સ્થળો મળી આવ્યા છે જેમાં લોથલ સૌથી મહત્વની સાઇટ છે. લોથલ વિશ્વના પ્રથમ દરિયાઈ બંદરોમાંનું એક હોવાનું મનાય છે, કારણ કે ભરૂચ અને ખંભાતના દરિયાકાંઠાનાં શહેરો મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્યો વખતે બંદરો અને વેપારનાં કેન્દ્રો હતાં. અહીં જે અવશેષો મળ્યા છે તેમાં સ્પષ્ટ દેખાય છે કે પ્રાચીન શહેરનું આયોજન કેટલું સારી રીતે કરવામાં આવ્યું હતું. તેમની પાસે પાણીનાં પરિવહન અને કચરાનાં નિકાલની પધ્ધતિ હતી. અહીંથી મળેલા વાસણો, કલાકૃતિઓ અને કેટલાક શસ્ત્રો મ્યુઝિયમમાં મુકવામાં આવ્યા છે.


ચાંપાનેરનો કિલ્લો
પાવાગઢ પર્વતમાળામાં આવેલો આ સુંદર કિલ્લો ભારતના સૌથી પ્રાચીન કિલ્લાઓમાંનો એક છે. ચાવડા વંશના જાણીતા રાજા વનરાજ ચાવડાએ તેને 8મી સદીમાં કિલ્લો બનાવ્યો હતો. સમયની થપાટથી થોડું નુકસાન થયું હોવા છતાં, કોઈ પણ સ્પષ્ટપણે જોઈ શકે છે કે તે સમયગાળા દરમિયાન આ પ્રદેશ કેવી રીતે સમૃદ્ધ થયો હશે. 20 મહિના સુધી ચાલેલી લાંબી લડાઇ બાદ મેહમુદ બેગડાએ આ શહેર પર કબજો જમાવ્યો હતો.આ કિલ્લાનો પણ યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કર્યો છે.


કચ્છનું રણ
આ સ્થળ ગુજરાતને મળેલી અનોખી ભૂગોળનું ઉત્તમ ઉદાહરણ છે. આ મીઠાના કળણનો મોટો વિસ્તાર છે જે ભારત અને પાકિસ્તાન વચ્ચેની સરહદમાં ફેલાયેલો છે. કચ્છનું રણ એ પરંપરાગત રેતીનું રણ નથી, પરંતુ મીઠાનું રણ છે. સમગ્ર વિસ્તારમાં મીઠું ફેલાયેલું છે. કચ્છ જિલ્લામાં તેના કારણે ખાસ કરીને પૂનમની રાત્રિ દરમિયાન સુંદર નજારો જોવા મળે છે.ચાંદની રાતે જયાં નજર કરો ત્યાં સુધી ચમકતો સફેદ પટ દેખાય છે. આ એક કુદરતી અજાયબીઓમાંની એક છે.


ગુજરાતમાં આ સિવાય ઘણા જોવાલાયક સ્થળો છે. જેમકે જામા મસ્જિદ, પ્રાચીન જનજાતિઓનાં પર્વતીય વિસ્તારો અને કેટલાક દુર્લભ પ્રાણીસૃષ્ટિનાં ઘર સમાન જૂનાગઢ. આપણે ગીરના જંગલોને કેવી રીતે ભૂલી શકીએ કે જે જાજરમાન એશિયાઇ સિંહોનું ઘર છે?


ઇતિહાસથી સમૃદ્ધ અને સંસ્કૃતિમાં જીવંત, ગુજરાત અજાયબીઓનું રાજ્ય છે. તે શક્તિ અને જોમ સાથે બનાવવામાં આવેલું એક સ્થળ છે જેને આજે અર્થતંત્ર અને વેપારના ઉભરતા તારા તરીકે જોવામાં આવે છે. વેપાર-ધંધા હોય, પર્યટન હોય કે પછી રાજ્યની સંસ્કૃતિ અને વન્ય સૃષ્ટિ હોય,દરેકે તેમના જીવનકાળમાં ઓછામાં ઓછું એક વાર તો ગુજરાતને જોવુ-જાણવું જોઇએ.
જેમકે અમિતાભ બચ્ચને કહ્યું હતું,’કુછ દિન તો ગુઝારિયે ગુજરાત મેં’

Your email address will not be published.