ગુજરાત સ્થાપના દિનની ઉજવણી પાટણમાં થશેઃ ચાલી રહી છે તડામાર તૈયારી

| Updated: April 28, 2022 12:20 pm

ગાંધીનગરઃ પહેલી મે 2022ના રોજ ગુજરાતના 62મા સ્થાપના દિનની ઉજવણી પાટણમાં થશે. આ ઉજવણી માટે પાટણમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ ઉજવણીને લઈને પાટણના શહેરને જાતજાતની રોશનીથી શણગારવામાં આવી રહ્યુ છે. પાટણ શહેરમાં પણ આ ઉજવણીને લઈને અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

પાટણના મુખ્ય રસ્તાઓ પર રોશની કરવામાં આવી રહી છે. પાટણની સરકારી કચેરીઓને પણ રંગબેરંગી લાઇટથી સુશોભિત કરવામાં આવી રહી છે. પાટણે જાણે દુલ્હન જેવો વેશ સજ્યો હોય તે રીતે તેને શણગારવામાં આવી રહ્યુ છે.

ગુજરાત સ્થાપના દિનની ઉજવણી પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના મેદાન ખાતે થઈ રહી છે. તેને લઈને પાટણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂરી કરી દેવાઈ છે. યુનિવર્સિટી, પાટણ, કલેક્ટર કચેરી, સર્કિટ હાઉસ, જિલ્લા પંચાયત સહિતની તમામ કચેરીઓને રંગીન લાઇટોથી શણગારવામાં આવી છે. પાટણમાં આ પ્રકારની તૈયારીઓ ભાગ્યે જ જોતા શહેરીજનો પણ આ પ્રકારે ઝળહળતી રોશનીમાં ન્હાતી સરકારી અને ઐતિહાસિક ઇમારતોને જોવા ઉમટી પડ્યા હતા.

કલેક્ટર કચેરી ખાતે પણ મોડી રાત સુધી કલેક્ટર સુપ્રીતસિંઘ ગુલાટી પણ આ તૈયારીઓમાં અત્યંત વ્યસ્ત છે. આટલી વ્યસ્તતા વચ્ચે પણ આ તૈયારીઓ જોવા આવતા શહેરીજનો સાથે તેઓ ફોટો પડાવીને પોતે પણ તેમના જેવા કોમનમેન છે તેવો અહેસાસ કરાવે છે.

સુપ્રીતસિંઘ ગુલાટીએ પાટણવાસીઓને પહેલી મેના રોજ ગુજરાત સ્થાપના દિનમાં જોડાવવા આહવાન કર્યુ છે. સ્થાપના દિવસની ઉજવણીમાં કોઈપણ પ્રકારની કચાશ રહી ન જાય તે માટે તંત્ર ઝીણામાં ઝીણી બાબતો પર ધ્યાન રાખી રહ્યુ છે. ઐતિહાસિક ઇમારતોને પણ ખાસ રીતે શણગારવામાં આવી રહી છે. પાટણ શહેર જાણે જૂના વાઘા ત્યજીને નવા વાઘા પહેરી રહ્યુ હોય તેવી લાગણી પાટણવાસીઓ અનુભવાઈ રહી છે.

આ પહેલા અગાઉ વર્તમાન વડાપ્રધાન અને તે સમયેના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદીનો દિવસ રાજ્યના વિવિધ શહેરોમાં યોજવાનો નિર્ણય લીધો હતો તે સમયે આ પ્રકારની પહેલ લીધી હતી. પછીની સરકારોએ આ પહેલને આગળ વધારીને હવે આઝાદીની સાથે-સાથે ગુજરાત સ્થાપના દિનની ઉજવણી પણ વિવિધ શહેરોમાં કરવાનો નિર્ણય લીધો છે. તેના દ્વારા રાજ્યના દરેક હિસ્સાને ગુજરાત સ્થાપના દિનનું મહત્વ સમજાવી શકાય.

Your email address will not be published.