ગુજરાતને મળ્યો પોતાનો માંઝીઃ ગંગાભાઈ પવારે એકલા હાથે કૂવો ખોદી કાઢ્યો

| Updated: June 24, 2022 3:46 pm

આહવાઃ ગુજરાતને પોતાનો માંઝી મળી ગયો છે. બિહારમાં માંઝીએ ડુંગર ખોદી રસ્તો કાઢ્યો હતો તો ગુજરાતના આ માંઝીએ જમીન ખોદી કૂવો બનાવતા હવે સમગ્ર ગામની તરસ છૂપાશે. ગુજરાતમાં આવા જ એક ખેડૂતે કોઈની પણ મદદ વગર 32 ફૂટ ઊંડો કૂવો ખોદી કાઢ્યો હતો, તેના લીધે ગ્રામીણોને સીધો ફાયદો થશે.

ડાંગ જિલ્લાના વહીવટીમથક આહવાથી 17 કિલોમીટર દૂર આવેલા વાસુર્ણા ગામમાં ગંગાભાઈ પવારને ખેતી માટે કૂવાની જરૂર હતી. તેમણે 20 વર્ષ સુધી સરપંચને રજૂઆત કરી હતી. પણ સરપંચે માંગણી ન સ્વીકારતા ખેડૂતે પોતે જ કૂવો ખોદવાનું શરૂ કરી દીધું હતું. પહેલા દસ ફૂટ કૂવો ખોદ્યો હતો, પણ પછી પથ્થર નીકળતા કામ પડતું મૂક્યું હતું. બીજો કૂવો પણ નવ ફૂટ જેટલો ખોદાયા પછી પથ્થર આવી જતા કામ પડતું મૂક્યું હતું. તેના પછી તેણે ત્રીજો કૂવો ખોદવાનું શરૂ કર્યુ હતુ.

આટલું થયું તોય ઇશ્વરે તેની કસોટી લેવાનું છોડ્યું ન હતું. ત્રીજો કૂવો ખોદતા 15 ફૂટે પાણી નીકળ્યું હતું, પણ સરપંચે આ કૂવો સિંચાઈ યોજનામાં ફાળવી દીધો હતો. ચોથા કૂવામાં તે 15 ફૂટે આવ્યા હતા અને પાંચમાં કૂવાના શ્રીગણેશ કર્યા હતા. તેઓ રાત અને દિવસ કૂવો ખોદ્યા કરતા હતા. જયારે કૂવામાં પાણી આવ્યું હતું. જ્યારે કૂવામાં પાણી આવ્યું ત્યારે ગામલોકો આશ્ચર્યથી ટોળે વળ્યા હતા. સરપંચને ખબર પડતા તેઓ પણ આવ્યા હતા. એક જ માનવીની મહેનત જોઈને તેઓ ભોંઠા પડી ગયા હતા, પણ તેની મહેનતને બિરદાવ્યા વગર તેમને છૂટકો ન હતો.

ગુજરાતના ચેરાપુંજી ગણાતા ડાંગ જિલ્લામાં ભારે વરસાદ પડે છે. પણ આ વિસ્તાર ડુંગરાળ વિસ્તાર હોવાના લીધે તથા પથ્થરિયો વિસ્તાર હોવાના લીધે પાણી તળમાં ઉતરી શકતું નથી. તેના લીધે સૌથી વધારે વરસાદ પડતો હોવા છતાં પણ ઉનાળામાં પાણી માટે આ વિસ્તારના લોકોની સ્થિતિ દયાજનક હોય છે. તેમણે તેના માટે દૂરદૂર જવું પડે છે.

હવે ગુજરાતને પોતાનો માંઝી મળતા ગ્રામજનોની તકલીફોનો અંત આવશે. આ બતાવે છે કે દરેક સમસ્યા માટે સરકાર પાસે દોડી જવાના બદલે અપના હાથ જગન્નાથનું સૂત્ર અજમાવો તો આ પ્રકારના પરિણામ આવે છે.

Your email address will not be published.