રાજ્યના 70 લાખથી વધુ NFSA કાર્ડ ધારકોને પ્રથમ વખત તહેવારોમાં રાહત દરે ડબલ ફિલ્ટર્ડ સીંગતેલનું વિતરણ કરાશે

| Updated: August 3, 2022 6:14 pm

પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી. રાજ્યના ગરીબ પરીવારો તહેવારો સારી રીતે ઉજવી શકે એ માટે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રાજ્ય સરકાર દ્વારા જન્માષ્ટમી અને દિવાળી બંને તહેવારોને ધ્યાનમાં રાખીને રાજ્યના દરેક એન.એફ.એસ.એ. કાર્ડ ધારકો એટલે કે 70 લાખથી વધુ કાર્ડ ધારકોના 3.5 કરોડ નાગરિકોને પ્રથમ વખત ડબલ ફિલ્ટર્ડ સીંગતેલ રાહતદરે આપવા માટેનો પ્રજા હિતકારી નિર્ણય કર્યો છે.

તેમણે કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વમાં તથા નાણામંત્રી કનુ દેસાઇના વડપણ હેઠળ લેવામાં આવેલા આ નિર્ણય અંતર્ગત રાજ્ય સરકાર રૂ.197 પ્રતિ લિટરની પડતર કિંમત સામે સરકાર દ્વારા રૂ.97 પ્રતિ લિટરની સબસીડી આપીને લાભાર્થીઓને માત્ર રૂ. 100 પ્રતિ લિટરના રાહત ભાવથી આ તેલનું વિતરણ કરવામાં આવશે.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી નરેશ પટેલ તથા રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ગજેન્દ્રસિંહ પરમારના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા ગરીબ પરિવારોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્યના 70 લાખથી વધુ કાર્ડ ધારકો કે જેની જન સંખ્યા 3.5 કરોડ જેટલી થાય છે તેમને તહેવારોની ઉજવણી દરમિયાન રાહત દરે ડબલ ફિલ્ટર્ડ સીંગતેલનું વિતરણ કાર્ડ દીઠ 1 લિટર લેખે જન્માષ્ટમીના તહેવાર પહેલા શરૂ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.

પ્રવક્તા મંત્રીએ ઉમેર્યુ કે, ગત વર્ષ 2021-22 દરમ્યાન જન્માષ્ટમી અને દિવાળીના તહેવારો દરમ્યાન 1 લીટર રીફાઇન્ડ કપાસિયા તેલનું રૂ.70 પ્રતિ લીટરની સબસિડી ભોગવીને રૂ.93/- પ્રતિ લીટરના રાહતદરે વિતરણ કરવામાં આવ્યુ હતું.

Your email address will not be published.