ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) એ બુધવારના રોજ 2022-23 શૈક્ષણિક વર્ષ માટેનું કેલેન્ડર જાહેર કર્યું છે. શેડ્યૂલ મુજબ, ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ 14થી 31 માર્ચ દરમિયાન લેવામાં આવશે. પ્રથમ ટર્મ 19 ઓક્ટોબરના રોજ સમાપ્ત થશે અને 20 ઓક્ટોબરથી 21 દિવસની દિવાળીની રજાઓ શરૂ થશે. ઉપરાંત બોર્ડે જાહેરાત કરી છે કે આ વર્ષે અભ્યાસક્રમમાં ઘટાડો કરવામાં આવશે નહીં.
સમયપત્રક મુજબ, શાળાઓ વર્ષ દરમિયાન 241 દિવસનું શિક્ષણ કાર્ય કરશે. 13 જૂનથી શરૂ થયેલી પ્રથમ ટર્મ 104 દિવસનો રહેશે અને પ્રથમ ટર્મની પરીક્ષાઓ 10 ઓક્ટોબરથી શરૂ થશે અને 18 ઓક્ટોબરે સમાપ્ત થશે.
કુલ 137 દિવસનો બીજો ટર્મ 10 નવેમ્બરથી શરૂ થશે અને 30 એપ્રિલ, 2023ના રોજ સમાપ્ત થશે. ધોરણ 9થી 12ની પ્રથમ પ્રારંભિક પરીક્ષા 27 જાન્યુઆરીથી શરૂ થશે અને 4 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. ધોરણ 9ની પરીક્ષા 7 ફેબ્રુઆરીએ હાથ ધરવામાં આવશે. કેલેન્ડર મુજબ, 13થી 15 ફેબ્રુઆરી દરમિયાન આંતરિક પરીક્ષાઓ લેવામાં આવશે જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષાઓ 20થી 28 ફેબ્રુઆરી દરમિયાન લેવામાં આવશે. ધોરણ 9 અને ધોરણ 11ની અંતિમ પરીક્ષાઓ 10 એપ્રિલથી શરૂ થશે અને 21 એપ્રિલના રોજ સમાપ્ત થશે.
માધ્યમિક શાળાઓ માટે ઉનાળાની રજાઓ 1 મેથી શરૂ થશે અને 4 જૂને સમાપ્ત થશે અને 5 જૂનથી 2023-24 શૈક્ષણિક વર્ષ શરૂ થશે. આ વર્ષે બે વેકેશન અને જાહેર રજાઓ સહિત કુલ 80 રજાઓ રહેશે.