ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કોરોનાથી સંક્રમિત થયા

| Updated: June 22, 2022 4:21 pm

ગાંધીનગરઃ ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કોરોનાથી સંક્રમિત થયા છે. તેમણે ટવીટ કરીને તેની જાણકારી આપી છે. તેમણે જણાવ્યું હતું કે મને કોરોનાના સામાન્ય લક્ષણો જણાતા મેં આરટી-પીસીઆર ટેસ્ટ કરાવ્યો હતો. તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે હાલમાં હું હોમ આઇસોલેશન હેઠળ છું. તેની સાથે તેમણે છેલ્લા પંદર દિવસમાં તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોનાનો ટેસ્ટ કરાવી લેવા વિનંતી કરી હતી.

આ પહેલા તેઓએ ગઇકાલે આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં યોજવામાં આવેલા વિશ્વ યોગ દિનની ઉજવણીમાં હાજરી આપી હતી. તેમની સાથે કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા પણ હાજર રહ્યા હતા. તેમણે પણ ઋષિકેશ પટેલ પોઝિટિવ આવતા કોરોનાનું ટેસ્ટિંગ કરાવવું પડશે તેમ માનવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કેસ 200થી વધુ જોવા મળી રહ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે કદાચ ગુજરાતમાં કોરોનાની ચોથી લહેર આવી રહી છે. આ સંજોગોમાં હવે જાહેર કાર્યક્રમો મર્યાદિત પ્રમાણમાં યોજવાનું કહેવામાં આવી શકે છે. સરકાર લોકોને માસ્ક પહેરવાનો આદેશ તો બહાર પાડી જ દીધો છે. પણ હવે કોરોનાના મોરચે સ્થિતિ વધુ વકરે નહી તેના પર સરકાર ચાંપતી નજર રાખી રહી છે. હવે આરોગ્યમંત્રી પોતે જ કોરોનાગ્રસ્ત થતા કોરોનાની સ્થિતિ પર નજર રાખવાની જવાબદારી હવે તેમના હાથ નીચેના અધિકારીઓ પર આવી પડી છે.

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ ગુજરાતના મુખ્ય સચિવ પણ કોરોનાથી સંક્રમિત થયા હોવાના સમાચાર મળ્યા હતા. આમ ગુજરાતના વરિષ્ઠ પ્રધાનો અને અધિકારીઓ પણ એક પછી એક કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે ત્યારે સરકાર માટે કપરી સ્થિતિનું નિર્માણ ન થાય તેને લઈને સરકારે તકેદારીના પગલા લેવા માંડ્યા છે, પણ સરકારને તકલીફ એ પણ છે કે આ વર્ષે ચૂંટણી હોવાના લીધે તે આકરા પગલા લઈ શકવાની સ્થિતિમાં પણ નથી. આ સંજોગોમાં તે લોકોને કોરોના અંગે ચેતવણી આપીને અને અપીલ કરીને જ સંતોષ માની શકે છે. લોકોએ પણ આ સંજોગોમાં પોતાની જવાબદારી અને સમયને ધ્યાનમાં રાખીને જ કોરોના અંગે તકેદારી રાખવી જરૂરી છે, નહી તો કોરોના કાયમ માટે ગયો તેમ માનીને નફિકરા રહ્યા તો તકલીફ વધી શકે છે.

Your email address will not be published.