ગુજરાતમાં એશિયાટિક સિંહોની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. સૂત્રો અનુસાર, પૃથ્વી પરના તેમના એકમાત્ર રહેઠાણમાં જંગલના રાજાની અંદાજિત ‘અનધિકૃત’ વસ્તી આશરે 1,200 સુધી પહોંચી હોવાનું અનુમાન છે. વર્ષ 2022ની સત્તાવાર ગણતરી અનુસાર આ આંક 760 હોવાનું અનુમાન છે, તેમ છતાં વનવિદો કહે છે કે સિંહો દ્વારા આ વર્ષ સુધીમાં વધુ વિસ્તારોને નિયમિતપણે જોડવાથી વાસ્તવિક આંકડો ઘણો વધારે હોઈ શકે છે.
ઔપચારિક રીતે જાહેર થવાની બાકી એવી વર્ષ 2022ની ગણતરી દર્શાવે છે કે બૃહદ ગીર વિસ્તારમાં સિંહોની વસ્તી મોટા પ્રમાણમાં વધી છે. વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે દર મહિને ‘પૂનમ અવલોકન’માં સિંહોની ગણતરી કરવામાં આવે છે, જેમાં પૂર્ણિમાની રાત્રે વસ્તી ગણત્રી થાય છે. મે મહિનાની પૂનમમાં, ગણત્રી બે વાર હાથ ધરવામાં આવે છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ગણના અભિયાન પ્રાણીઓની સુખાકારી પર નજર રાખવામાં મદદ કરે છે અને કોઈપણ જાનહાનિ બદલ વિભાગને માહિતગાર કરે છે. વર્ષ 2020માં જાહેર કરાયેલી સત્તાવાર ગણતરી 674 હતી, જે વર્ષ 2015ની ગણતરીની સરખામણીમાં 151નો વધારો દર્શાવે છે.
એક અધિકારી આગળ જણાવ્યું હતું કે ‘અનધિકૃત’ સિંહની સંખ્યા વધીને 1,200 જેટલી થઈ હોવાનો અંદાજ છે. ગીર, ગિરનાર, મિતીયાળા અને પાણીયા જેવા અભયારણ્ય વિસ્તારોમાં સિંહોની વસ્તી સંતૃપ્ત થઈ છે. આ વિસ્તારોમાં, વર્ષ 2022ની વસ્તી આશરે 365 હોવાનું અનુમાન છે, જે વર્ષ 2020ની ગણતરીની સરખામણીમાં માત્ર નવ સિંહોનો વધારો દર્શાવે છે. તેમણે ઉમેર્યું હતું કે સિંહોની સંખ્યા મુખ્યત્વે ગ્રેટર ગીર વિસ્તારમાં વધી રહી છે.