આદિજાતી વિકાસમંત્રી નિમિષા સુથારના જાતિ પ્રમાણપત્ર સામે સવાલોઃ કોંગ્રેસના ધારાસભ્યે CMને લખેલા પત્રમાં શું કહ્યું?

| Updated: September 28, 2021 6:35 pm

મોરવા હડફના ધારાસભ્ય અને આદિજાતિ વિકાસમંત્રી નિમિષાબેન સુથાર છેલ્લા ઘણા સમયથી તેમના આદિજાતિના પ્રમાણપત્રની ખરાઈને લઈને વિવાદમાં ઘેરાયેલા છે. કોંગ્રેસના આદિવાસી ધારાસભ્ય ડો. અનિલ જોશીયારાએ આ અંગે મુખ્યમંત્રીને પત્ર લખીને ફરિયાદ કરી છે. તેમાં તેમણે કહ્યું છે કે નિમિષા સુથાર ખોટી રીતે આદિજાતિ પ્રમાણપત્ર મેળવીને અનસૂચિત જાતિની બેઠક ઉપર ચૂંટાઈ આવ્યા છે અને આ અંગે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશ કેસ નં. ઈપી ૧/૨૦૨૧થી ચાલુ છે.

નિમિષાબેન સુથાર આદિજાતિના નથી તેવું પૂરવાર કરવા ડો. જોશીયારાએ કેટલીક દલીલો કરી છે. તેમણે કહ્યું કે, નિમિષાબેન સુથારના પિતાનું LCમાં નામ વાગડિયા ગલાભાઈ મોતીભાઈના નામે કડાણા વિભાગ સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા આપવામાં આવ્યું, જેમાં ‘હિન્દુ ભીલ વાગડિયા’ જાતિનો ઉલ્લેખ છે. નિમિષાબેન સુથારના પિતાનું જાતિનું પ્રમાણપત્ર નં. ૧૩૭, વાગડિયા ગલાભાઈ મોતીભાઈના નામે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, પંચમહાલ દ્વારા આપવામાં આવ્યું, જેમાં ‘હિન્દુ ભીલ’ જાતિનો ઉલ્લેખ છે.

વાગડિયા ગલાભાઈ મોતીભાઈના પુત્રીનું જાતિ પ્રમાણપત્ર નંબર (લખેલ નથી) મામલતદાર, અમરેલી દ્વારા કુમારી વાગડિયા નિમિષાબેન ગુલાબસિંહના નામે આપવામાં આવ્યું, જેમાં ‘પટેલીયા’ જાતિનો ઉલ્લેખ છે. વાગડિયા ગલાભાઈ મોતીભાઈ, હિન્દુ ભીલ વાગડિયા (શાળા છોડ્યાના બે જ મહિનામાં મેળવેલ ડુપ્લિકેટ LCના આધારે છે જે પણ શંકાસ્પદ છે. જાતિના પિતાના ઘરે વાગડિયા નિમિષાબેન ગુલાબસિંહ હિન્દુ પટેલીયા દીકરીનો જન્મ થાય તે હકીકત સમજી શકાતી નથી.

ગલાભાઈ મોતીભાઈ વાગડિયાની જાતિ ખરાઈ માટે ગોલણપુર, તા. કડાણા પ્રાથમિક શાળાની તકેદારી અધિકારી, પંચમહાલ દ્વારા તપાસ કરતા જનરલ રજીસ્ટર નંબર 130 ઉપર ‘હિન્દુ વાગડિયા પછાત’ લખેલ છે. ગોલણપુર, તા. કડાણા પ્રાથમિક શાળાની સ્થાપના ૧૯૫૮માં થયેલ છે અને શરૂઆતમાં જે બાળકો દાખલ થયા છે જેમની જાતિ માત્ર ‘હિન્દુ વાગડિયા’ નોંધાયેલ છે.

વાગડિયાના પ્રાથમિક શાળા, ગોલણપુર, તા. કડાણાના પ્રાથમિક શાળાના જનરલ રજીસ્ટર નંબર ૧૩૦ ઉપર ‘હિન્દુ વાગડિયા પછાત’ લખેલ છે અને આ જ વ્યક્તિ ધોરણ-૧૦ પાસ કરે છે ત્યારે એલ.સી.માં (ડુપ્લીકેટ) તેઓની જાતિ ‘હિન્દુ ભીલ વાગડિયા’ થઈ જાય છે.

તેમણે કહ્યું કે પટેલીયા આદિજાતિ ગુજરાત રાજ્યમાં માત્ર દાહોદ જિલ્લામાં જ છે, જે ભીલ જાતિ કરતા અલગ છે અને એમની અટકો અલગ-અલગ છે. હાલના દાહોદ જિલ્લા સિવાય બીજે ક્યાંક પટેલીયા જનજાતિ નથી, જે ૧૯૫૦થી આજ સુધીના દરેક સરકારી રેકર્ડમાં સાબિત થાય છે.

તેમણે કહ્યું કે મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારના પિતાનું જાતિ પ્રમાણપત્ર વિશ્લેષણ સમિતિમાં તપાસ અર્થે મોકલવામાં આવતા વિશ્લેષણ સમિતિ પર રાજકીય દબાણ ઉભું કરી જરૂરી અને યોગ્ય પુરાવા નહીં હોવા છતાં માન્ય કરાવ્યું હતું. નિમિષાબેનને રાજ્યકક્ષાના આદિજાતિ મંત્રી તરીકે નીમવાથી સમગ્ર આદિવાસી સમાજની લાગણીને ઠેસ પહોંચી છે.

તેમણે કહ્યું કે આ અંગે નામદાર ગુજરાત હાઈકોર્ટનો અંતિમ ફેંસલો ન આવે ત્યાં સુધી તેમને તાત્કાલિક અસરથી રાજ્યકક્ષાના આદિજાતિ મંત્રી પદ ઉપરથી દૂર કરવામાં આવવા જોઈએ.

Your email address will not be published. Required fields are marked *