ગુજરાતના વિકાસનું મોડેલઃ નકલી નોટોની જપ્તીમાં રાજ્ય દેશમાં ટોચ પર

| Updated: August 3, 2022 12:13 pm

ભારતમાં સૌથી વધુ કિંમતની નકલી નોટો (#Fake currency) પકડાઈ હોઈ તો તો તે ગુજરાતમાંથી (#Gujarat) પકડાઈ છે. તેમા જરાય આશ્ચર્ય પામવા જેવું નથી. ગુજરાત આ મામલે પણ ટોચ પર છે. સત્તાવાર માહિતી મુજબ સરકારે 2016માં ગુજરાતમાંથી 2,37,24, 050 રૂપિયાની કિંમતી નોટો જપ્ત કરી હતી.

તાજેતરના અપડેટ મુજબ અધિકારીઓએ ગુજરાતમાંથી 15,92, 50,191 રૂપિયાની નકલી નોટો જપ્ત કરી છે, જે દશમાં સૌથી વધારે હોવાનું મનાય છે. આમ સમગ્ર દેશમાંથી ઝડપાતી દર સાત નકલી નોટમાંથી એક નોટ ગુજરાતની હોય છે. ગુજરાત પછીના ક્રમે પશ્ચિમ બંગાળ આવે છે. પશ્ચિમ બંગાળમાંથી 2,32,95,800 રૂપિયાની નકલી નોટો ઝડપાઈ છે. ત્રીજા ક્રમે દક્ષિણનું આંધ્રપ્રદેશ, 92,80,000ની નકલી નોટો સાથે આવે છે.જ્યારે શહેર આધારિત યાદીમાં જોઈએ તો દિલ્હી 5,65,21,460 નોટ સાથે ટોચ પર છે.

2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્થિક કામકાજમાં પારદર્શકતા લાવવા તથા દેશમાં કાળાબજાર (#Black market) અને કાળા નાણાને (#Black money) દૂર કરવા માટે 500 અને 1000ની ગાંધી શ્રેણીની નોટોને બંધ કરવાની જાહેરાત કરી હતી. દેશની પ્રગતિ અને વિકાસને અવરોધતા કેટલાક મુખ્ય સામાજિક-આર્થિક પરિબળો કાળા નાણા સંગ્રહખોરી, આતંકવાદ અને નક્સલવાદના પરિભ્રમણનો અંત લાવવાનું ધ્યેય હતુ. સમગ્ર દેશમાં સામાન્ય લોકોથી લઈને નિષ્ણાતોએ નોટબંધીની આકરી ટીકા કરી હતી અને દેખાવો કર્યા હતા, કારણ કે તેનાથી હાંસિયામાં ધકેલાઈ જૂથો અને મધ્યમ વર્ગના કુટુંબોની આજીવિકા પર ભારે ફટકો પડ્યો હતો.

અર્જુન મોઢવાડિયા

આજે રાજ્યોમાંથી આવતી દરેક નકલી નોટ માટે ગુજરાત અને દિલ્હીની હિસ્સેદારી હોય જ છે. નક્સલ પ્રભાવિત રાજ્યો છત્તીસગઢમાં આંકડો શૂન્ય મનાય છે. અન્ય રાજ્યો જેવા કે સિક્કીમ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, દમણ અને દીવ તથા લક્ષદ્વીપ આવા મની હોર્ડિંગ્સથી મુક્ત છે.

નોટબંધી (#Demonitisation)બાદ દેશમાં નકલી નોટમાં સો ટકાથી પણ વધુ બમણો ઉછાળો થયો છે. વર્ષ 2017માં સમગ્ર ભારતમાં સરકારી અધિકારીઓએ 28,10,19,294 નકલી નોટો પકડી હતી, તેમાથી એકલા ગુજરાતમાં જ 9,00,88,850 નકલી નોટો તો ફક્ત ગુજરાતમાંથી મળી હતી. આ સૂચવે છે કે દર ચોથી ચલણી નોટ ગુજરાતની હતી. આ લોટમાં 500 અને 1000ની બંધ થયેલી નોટોની સંખ્યા 16,742 અને 21,806ની હતી, જેનું મૂલ્ય 2,76,44,500નું હતું આમ ગુજરાતમાંથી જપ્ત કરાયેલી એક તૃતિયાંશ નોટો ડિમોનેટાઇઝ જૂથની હતી. સરકારે જમ્મુ-કાશ્મીરના ઉત્તરીય રાજ્યમાંથી 12,11,450ની કિંમતની નોટો જપ્ત કરી હતી, જ્યારે તેમને નકસલ પ્રભાવિત વિસ્તારોમાં નકલી કરન્સી મળી જ નહી.

શ્રીનિવાસન રાવ

સમગ્ર ભારતમાં એકલા દિલ્હીમાં (#Delhi) 2017માં 6,78,96,250 રૂપિયાની નકલી નોટો પકડાઈ હતી. એક કરોડ રૂપિયાથી વધુ મૂલ્યની નકલી નોટો ધરાવતા રાજ્યોમાં આંધ્રપ્રદેશ, કેરળ, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. જ્યારે અરૂણાચલ પ્રદેશ, ઝારખંડ, મેઘાલય, સિક્કિમ, ત્રિપુરા, આંદામાન ટાપુઓ, દમણ અને દીવ, લક્ષદ્વીપ, ચંદીગઢ, દાદરા નગર હવેલી, પોંડિચરી જેવા રાજ્યોમાં નકલી નોટો મળી જ નથી.

2018માં સરકારી અધિકારીઓએ ભારતમાંથી આશરે 17,95,36,992 નકલી નોટો પકડી હતી, જેમા ગુજરાતનો ફાળો 1,23,28,672 રૂપિયાની નોટોનો હતો. જો કે તમિલનાડુ 2,84,91,710ના મૂલ્યની સૌથી વધુ નકલી નોટો સાથે આ યાદીમાં ટોચ પર છે. ઉત્તરપ્રદેશ 1,33,28,860 રૂપિયાની નકલી નોટો સાથે આગળ છે, જ્યારે ગુજરાત તેમા ત્રીજા સ્થાને જોવા મળ્યું છે. જ્યારે દેશના 11 રાજ્યો એવા છે જ્યાંથી નકલી નોટો પકડાઈ જ નથી. તેમા મોટાભાગના કેન્દ્રશાસિત પ્રદેશો અને ઉત્તરપૂર્વીય રાજ્યોનો સમાવેશ થાય છે. દિલ્હી-એનસીઆર (#NCR) પ્રદેશમાંથી સરકારે 3,63,22,950 રૂપિયાની નકલી નોટો પકડી છે.

યમલ વ્યાસ

2019ના સત્તાવાર આંકડા કહે છે કે ગુજરાતમાંથી પકડાયેલી નકલી નોટોની કિંમત 3,77,44,010 રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે. જો કે 2020માં સમગ્ર દેશમાં જપ્ત કરાયેલી નકલી નોટોની સંખ્યા ઘટીને 9,21,78,048 રૂપિયા થઈ હતી. તેની સાથે નકલી ચલણ અને નોટોના સંદર્ભમાં ગુજરાતનો ફાળો પણ ઘટીને 87,96,490 રૂપિયાની નકલી નોટો થઈ ગયોછે. આમ છતાં પણ અધિકારીઓએ દેશભરમાં બંધ થયેલી નોટો શોધવાનું ચાલુ રાખ્યુ હતુ. આતંકવાદ પ્રભાવિત રાજ્યો અને ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં આ પ્રકારની નકલી નોટોની રિકવરી શૂન્ય રહી હતી. રિઝર્વ બેન્કે તેના વાર્ષિક અહેવાલ 2018-19માં પણ 10,20 અને 50ના મૂલ્યોમાં 20.2 ટકા, 87.2 ટકા અને 57.3 ટકા નકલી નોટોના વધારાનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે.

કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ વીઓઆઇ સાથે વાત કરતા જણાવ્યું હતું કે હાલમાં જેટલી નકલી નોટો મળી છે તેના કરતાં પણ ગુજરાતમાં વધુ નકલી નોટો છે. નોટબંધી પછી પણ લોકો જૂની બંધ થયેલી નોટો કેમ રાખે છે તે પ્રશ્ન છે. ગુજરાત સરકાર અને તમામ રાજ્યો માટે એક મોટી ચિંતાનો વિષય એ છે કે જ્યાં આ પ્રકારની પ્રવૃત્તિઓ ખરેખર વધી હી છે. વાસ્તવમાં સરકારે નોટબંધીના ઓઠા હેઠળ કેટલાક અઘોષિત લક્ષ્યો હાંસલ કર્યા છે જે તેના માટે હાંસલ કરવા સંભવ ન હતા.

આ પણ વાંચોઃ કંપનીમાં ભાગીદાર બનાવવાનું કહી ખોટા દસ્તાવેજ ઊભા કરી બિલ્ડર સાથે 5 કરોડની ઠગાઈ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના વડા અને પબ્લિક ફાઇનાન્સ પરના બે પુકસ્તકોના લેખક ડો. એસ. શ્રીનિવાસ રાવનો પણ ટીમ વીઓઆઇએ સંપર્ક કર્યો. તેમણે જણાવ્યું હતું કે નોટબંધીને નક્સલવાદ અને આતંકવાદ સાથે કોઈ લેવાદેવા નથી. ચલણમાં રહેલી નકલી અને જૂની નોટોથી દેશની આવકને સીધું નુકસાન થાય છે.

ડો. રાવને મતે નકલી ચલણ અને નોટોના અસ્તિત્વમાં ગુજરાત અને દિલ્હીમાંથી જ કેમ આટલા પ્રમાણમાં નકલી ચલણી નોટો મળી આવે છે તેની પાછળની વરવી વાસ્તવિકતા એ છે કે બાંધકામના સ્થળે કામ કરતા રોજમદારો કે દહાડિયાઓને રોજના રોજ રોકડમાં વેતન ચૂકવાય છે. આ શ્રમિકો આખો દિવસ કે પાર્ટ ટાઇમ કામ કરે છે અને દૈનિક ધોરણે વેતન લે છે.

ભાજપના પ્રવક્તા ડો. યમલ વ્યાસે જણાવ્યું હતું કે ગુજરાત પોલીસની કાર્યવાહીના લીધે આટલી નકલી નોટો પકડાઈ છે. ગુજરાત પોલીસની આ સતર્કતા ઘણી સારી બાબત છે. આ અંગે વાઇબ્સ ઓફ ઇન્ડિયાએ રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓએ કોઈ જવાબ આપ્યો ન હતો. નકલી ચલણી નોટો ભારતીય દંડસંહિતા (આઇપીસી)ની કલમ-489 હેઠળના મુખ્ય અપરાધો પૈકી એક છે. આવું નકલી ચલણ અને નોટોનું ઉત્પાદન અને કબ્જો હોય તો ભારે દંડ સાથે ગંભીર સજા થઈ શકે છે.

Your email address will not be published.