ગુજરાતની પહેલી સ્વિમર જેણે ટોક્યો ઓલિમ્પિકમાં એન્ટ્રી લીધી- માના પટેલ

| Updated: July 3, 2021 1:59 pm

ખેલકુદ ક્ષેત્રે ગુજરાતીઓનું પર્ફોમન્સ માત્ર હવે ક્રિકેટ પૂરતું જ સિમિત નથી. એક લાંબા દાયકાઓ બાદ ગુજરાતની 21 વર્ષની સ્વિમર માના પટેલે ટોક્યો ઓલિમ્પિકમાં એન્ટ્રી લઈને સમાજ તથા ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. 21 વર્ષની માના પટેલ એક ફાસ્ટેસ્ટ અને યુવા ફીમેલ બેક સ્ટ્રોકર છે. જેણે ટોક્યો ઓલિમ્પિક 2021માં એન્ટ્રી લઈને પોતાનું સૌથી મોટું સપનું પૂર્ણ કર્યું છે. 

આ પહેલા માના 72 સિનિયર નેશનલ એક્વાટિક ચેમ્પિયનશીપમાં ત્રણ ગોલ્ડ મેળવી ચૂકી છે. આમ તેણે એક મોટી સિદ્ધિ હાંસલ કરી ગુજરાતી તરીકે ડંકો વગાડ્યો છે. વર્ષ 2018માં ત્રણ ગોલ્ડ મેડલ અને વર્ષ 2019માં બેંગ્લોરમાં યોજાયેલી દસમી એશિયન એજ ગ્રૂપ ચેમ્પિયનશીપમાં છ મેડલ મેળવીને એક માઈલસ્ટોન સ્થાપ્યો છે. તેણે વર્ષ 2015માં એશિયન એજ ચેમ્પિયનશીપમાં બેલગ્રેડ સ્વિમિંગ ચેમ્પિયનશીપમાં 1.03.77 મિનિટનો પોતાનો રેકોર્ડ 1.04.21 ટાઈમિંગથી તોડ્યો છે. 

માના પટેલ કહે છે કે, કોઈ પણ સફળતાની સ્ટોરી મુશ્કેલી અને સંઘર્ષ વગર નથી લખાતી. પડકારો અને અસફળતાનો સંગ્રહ જ એક સફળ સ્ટોરી બનાવે છે. સ્વિમિંગની આ યાત્રા દરમિયાન અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. પણ લક્ષ્ય પ્રાપ્ત કરવાના અડગ વિશ્વાસે મોટી સફળતા અપાવી. સ્વિમીંગ છોડવા ન દીધું. વર્ષ 2019માં જમણા ખભામાં એક ગંભીર ઈજા થવાને કારણે ત્રણ મહિના માટે બ્રેક લેવો પડ્યો હતો. એ દરમિયાન સ્વિમીંગ ન થયું. આ શારીરિક ઈજાને કારણે એક માઠી માનસિક અસર પણ પહોંચી. માના ઉમેરે છે કે, મારી લાઈફનો સૌથી કપરો અને કઠિન તબક્કો રહ્યો હતો. કારણ કે મારે ત્રણ મહિના સુધી સ્વિમીંગ પુલના પાણીથી દૂર રહેવું પડ્યું. પણ અત્યારે જો હું તે પાછું વળીને જોઉ છું તો એ અવિશ્વસનીય લાગે  છે. જોકે, એ સમયે મેં મારા પરનો આત્મવિશ્વાસ પણ ગુમાવી દીધો હતો. પણ મેં છોડવાનો વિકલ્પ પસંદ નથી કર્યો. પછી મારા મેન્ટર્સ, કોચ અને પરિવારે મારા પર એક વિશ્વાસ વ્યક્ત કર્યો જેની એક સારી અસર મારા પડી. 

એક સારા અને સફળ એથ્લિટની પાછળ એક સારા કોચની મોટી જવાબદારી હોય છે. એક ચોક્કસ પ્રકારનો એનો પણ રોલ હોય છે. જે એથ્લિટના કેરિયરમાં મોટું પ્રદાન કરે છે. માના એવું માને છે કે, જ્યારે તમારૂ બેસ્ટ પર્ફોમ કરો છો ત્યારે શાબાસી મળે છે પણ જ્યારે તમે 100% આપવા છતાં પણ નિષ્ફળ થાવ છો તો લાત પણ ખાવી પડે છે. આ બંને વચ્ચે બેલેન્સ રાખવું અનિવાર્ય છે. તે પોતાના પહેલા કોચ કમલેશ નાણાવટી પ્રત્યે ખૂબ આભાર વ્યક્ત કરે છે. વર્ષ 2010માં જ્યારે સ્વિમીંગ શીખવાનું શરૂ કર્યું ત્યારે એ તેના કોચ રહ્યા હતા. આ એ સમય હતો જ્યારે સ્વિમીંગ શરૂ કર્યું હતું. માના કહે છે કે, મને આવા કોચ મળ્યા એ બદલ હું હંમેશા એમની આભારી રહીશ. જ્યારે આ અંગે કોચ કમલેશને પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, હું એક કેબિનમાં બેઠો હતો અને માનાની રેસ કનિશા ગુપ્તા સાથે હતી. આ બંને વચ્ચેનું પર્ફોમન્સ હું જોઈ રહ્યો હતો. બંને બેસ્ટ હતા. એ બંનેની રેસ જોઈને એ ક્ષણ અમારા માટે પણ સ્ટ્રેસફૂલ રહી હતી. માનાએ પોતાના ટાઈમિંગમાં સુધારો કરવા માટે ખરેખર આકરી મહેનત કરી છે. બેલગ્રેડ ટ્રોફી સ્વિમીંગ ચેમ્પિયનશીપનો આ કિસ્સો છે. પણ જ્યારે તે 4 પોઈન્ટથી જીતી ત્યારે આનો મોટો ફાયદો મળ્યો હતો. લોકડાઉન દરમિયાન જ્યારે સ્પોર્ટ્સ ક્લબ બંધ હતા ત્યારે તે ગાંધીનગરમાં આવેલી કરાઈ એકેડેમીમાં તાલિમ લઈ રહી હતી. DGPની પરમિશન સાથે અમે ત્યાં તાલિમ લઈ રહ્યા હતા. 

ટોક્યો ઓલિમ્પિક અંગે વાત કરતા માના કહે છે કે, સર્વશ્રેષ્ઠ સ્વિમર સાથે સ્પર્ધા કરવા માટે એક્સાઈટેડ છું. મને ગર્વ છે કે, હું ભારતનું પ્રતિનિત્વ કરી રહી છું. હજું એક લાંબી સફર કરવાની છે. પણ અહીં સુધી પહોંચવા માટે મેં ખૂબ જ મહેનત કરી છે. હું ભારતમાં સ્વિમીંગના આ સ્ટેજને એક ઊંચાઈ પર લઈ જવા માંગુ છું. મારો ટાર્ગેટ 2022માં વર્લ્ડ એથ્લેટિકસ ચેમ્પિયનશીપ જીતવાનો છે.

Your email address will not be published.